ભારતીય સંસ્કૃતિમાં અન્નને ‘ *બ્રહ્મ* ‘ માનવામાં આવે છે, પરંતુ ‘ *બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ’ની* ઝાકઝમાળમાં આ સંસ્કારો જાણે પ્રતિષ્ઠાના પ્રદર્શન નીચે દબાઈ ગયા છે. આજે લગ્નની ભવ્યતા યજમાનના પ્રેમથી નહીં, પણ બુફેમાં પીરસાયેલી ૫૦ થી ૧૦૦ વાનગીઓથી મપાય છે. પરિણામે, લગ્નમાં તૈયાર થતા ભોજનનો ૧૦ થી ૨૦ ટકા હિસ્સો સીધો એંઠવાડમાં જાય છે. બેંગલુરુની કૃષિ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, માત્ર એક શહેરમાં જ લગ્નોમાં વાર્ષિક *₹૩૩૯* કરોડનું *૯૪૩* ટન ભોજન વેડફાય છે, જ્યારે દેશભરમાં દર વર્ષે આશરે *₹૯૨,૦૦૦* કરોડનો ખોરાક બરબાદ થાય છે.
આ બગાડ માત્ર આર્થિક નુકસાન નથી, પણ ગંભીર સામાજિક અને પર્યાવરણીય અપરાધ છે. એક તરફ ક્વિન્ટલ મોઢે મીઠાઈઓ કચરામાં ફેંકાય છે અને બીજી તરફ લાખો બાળકો ભૂખ્યા સૂવે છે. લગ્નનો માત્ર ૨૦ ટકા બગાડ અટકે તો ૨.૫ કરોડ જરૂરિયાતમંદોની ભૂખ સંતોષી શકાય. પર્યાવરણીય દ્રષ્ટિએ જોઈએ તો, ૧ કિલો ચોખા પાછળ ૨,૫૦૦ લિટર પાણી વપરાય છે; એટલે ખોરાકનો વ્યય એ ભૂગર્ભજળનો સીધો નાશ છે. ઉપરાંત, લેન્ડફિલમાં પ્લાસ્ટિક સાથે સડતો ખોરાક ઘાતક મિથેન ગેસ ઉત્પન્ન કરી ગ્લોબલ વોર્મિંગને વેગ આપે છે.
આ દેખાડા વચ્ચે ભારતીય સમાજમાં લગ્ન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ ઝડપથી બદલાઈ રહ્યો છે. એક તરફ કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ આજની શિક્ષિત અને આત્મનિર્ભર મહિલાઓમાં લગ્ન ન કરવાનો (સિંગલ રહેવાનો) પ્રવાહ વધી રહ્યો છે. મોટા લગ્નના અસહ્ય આર્થિક બોજ અને ખોખલા રીતરિવાજોને બદલે યુવતીઓ કારકિર્દી, સ્વતંત્રતા અને આત્મસન્માનને પ્રાધાન્ય આપી રહી છે. બીજી કડવી વાસ્તવિકતા છૂટાછેડા (ડિવોર્સ) ના વધતા આંકડા છે. ભારતનો એકંદર દર (~૧%) ઓછો હોવા છતાં, મહાનગરોમાં છેલ્લા દાયકામાં છૂટાછેડાના કેસ બમણા થયા છે. વિડંબણા એ છે કે પરિવારો એક દિવસના જમણવાર અને સોશિયલ મીડિયાના દેખાડા પાછળ કરોડો ખર્ચે છે, પરંતુ સંબંધોમાં સંવાદ અને સમજણ કેળવવા સમય ફાળવતા નથી—પરિણામે વૈભવી લગ્નો ગણતરીના મહિનાઓમાં કોર્ટના પગથિયે પહોંચે છે.
જોકે, હવે પરિવર્તનનાં કિરણો પણ દેખાય છે. મહાનગરપાલિકાઓના કડક નિયમો, FSSAIનું “Save Food, Share Food” અભિયાન અને ફીડિંગ ઇન્ડિયા, રોબિન હૂડ આર્મી તથા રોટી બેંક જેવી સંસ્થાઓ વધેલું ભોજન જરૂરિયાતમંદો સુધી પહોંચાડી રહી છે. જાગૃત યુગલો હવે ‘ઝીરો-વેસ્ટ’ અને સાદગીપૂર્ણ લગ્ન અપનાવી રહ્યા છે. અંતે તો, લગ્ન એ ઇવેન્ટ મેનેજમેન્ટનું પ્રદર્શન નહીં, પણ બે જીવનના સંવેદનશીલ જોડાણનો અવસર છે. સાચો ઉત્સવ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે અન્નનો એક પણ દાણો ન વેડફાય, પ્રકૃતિનું જતન થાય અને લગ્ન કે સ્વતંત્ર જીવન પસંદ કરતા દરેક વ્યક્તિના નિર્ણયનું સન્માન જળવાય.


