જાણો ભાવનગર ખોડિયાર મંદિર – રાજપરાની ચર્ચા

Spread the love

અઢારે વરણની કુળદેવી ગણાતા માઁ ખોડિયારનાં ગુજરાતમાં આવેલાં ત્રણ મંદિર સૌથી વધારે પ્રસિધ્ધ છે : માટેલ(મોરબી), ગળધરા(અમરેલી) અને રાજપરા(ભાવનગર). ભાવનગરના સિહોર તાલુકામાં આવેલ રમણીય પ્રકૃતિની ગોદમાં વસેલું રાજપરાનું ખોડિયાર મંદિર તો ભવેભવનો થાક ઉતારી દેનારું છે. રાજપરાનું ખોડિયાર મંદિર દેશ-વિદેશમાં વસતા લોકો માટે જાણીતું છે. માતાજીનાં શરણે શીશ નમાવવાથી તમામ દુ:ખો દૂર થાય છે. આ શક્તિપીઠની સમાન ગણાતું ખોડિયાર માતાનું સ્થાનક નાના પહાડો, વનસ્પતિ અને ધરાના પાણીથી કુદરતને ખોળે બેઠું હોય તેવું લાગે છે. મંદિરની પાસે નાનકડા તળાવ જેવો તાંતણિયો ધરો આવેલો છે, જેનાં પવિત્ર પાણીમાં હાથ-પગ ધોવા એ ધન્યતાની ઘડી છે. ખોડિયાર માતાનું જ્યાં પણ મંદિર હોય એ નદી-સરોવર કે ધરાને કાંઠે જ હોવાનું. તાંતણિયા ધરાને લીધે માતાજીને ‘તાંતણિયા ધરાની ખોડિયાર’ પણ કહેવાય છે.

અહીઁ દર રવિવારે અને મંગળવારે યાત્રાળુઓની ભીડ જામતી જોવા મળે છે. ભાદરવી અમાસ અને નોરતાંના દિવસોમાં તો માનવ મહેરામણ સવારની આરતીટાણે જ મબલખ હોય છે. લોકો દૂર-દૂરથી ચાલીને આવે છે. માતાજીને લાપસીનો પ્રસાદ ધરવામાં આવે છે. ખોડિયાર માતાનાં સ્વયંભૂ પ્રાગટ્યનું આ તીર્થ શ્રધ્ધાળુઓના તમામ સંતાપ હરનારું છે. મંદિરની સ્થાપના ભાવનગરના રાજવી આતાભાઈ (વખતસિંહજી ગોહિલ)એ બંધાવ્યું હોવાનું કહેવાય છે. બાદમાં ભાવસિંહજી દ્વિતીય દ્વારા તેમનો જીર્ણોધ્ધાર થયો હતો. ભાવસિંહજીએ માતાજીને સોનાનું છત્ર પણ અર્પણ કર્યું હતું. માતાજીનાં મુખ્ય મંદિરની પાસે આવેલ નાનકડી ડુંગરી ઉપર ખોડિયાર માતા સહિત ‘સાત બહેનોનું મંદિર’ પણ છે.

રાજપરાનાં ખોડિયાર મંદિર સાથે સંકળાયેલી એક લોકકથા રસપ્રદ છે. સિહોરથી ગોહિલવાડની રાજધાની ભાવનગર ખસેડવામાં આવી એટલે ભાવનગરના રાજાએ માતાને રાજપરાથી ભાવનગર પધારવા વિનંતી કરી. માતાજી મંજૂર થયા. કહ્યું કે હું તારી પાછળ આવીશ પણ એક શરતે, કે ઠેઠ ભાવનગર સુધી તારે પાછું વળીને જોવું નહી. રાજાએ દેવીની શરત માન્ય રાખી. માતાજી તેની પાછળ આવવા લાગ્યાં. વરતેજ આવ્યું અને માતાએ રાજાની પરીક્ષા કરવા ઝાંઝરના ઝમકાર બંધ કર્યા. રાજાને શંકા થઈ અને તેનાથી પાછું વળીને જોવાઈ જ ગયું, માતાજી એ સ્થળે જ સમાઈ ગયાં. આજે પણ વરતેજ ખાતે ‘નાની ખોડિયાર’નું મંદિર આવેલું છે. આમ, રાજપરા માતાજીનું પ્રાગટ્ય સ્થાન મનાય છે તો વરતેજનું નાની ખોડિયાર મંદિર માતાનું સમાધિ સ્થળ માનવામાં આવે છે. શ્રધ્ધાળુઓ બંને ઠેકાણે દર્શન કરીને પુણ્ય મેળવે છે. ભાવનગરના રાજ પરિવારની કુળદેવી તરીકે રાજપરાની ખોડિયાર જ છે.  ભાવનગરના રોહિશાળા ગામે મામડિયો ચારણ રહેતો. તેમના પત્નીનું નામ હતું દેવળબા. બંને દંપતિનો ખોટ હોય તો એક માત્ર સંતાનસુખની જ હતી. એ વખતે ભાવનગર રજવાડું હજુ અસ્તિત્વમાં આવવાને સદીઓનો સમય હતો. મૈત્રક વંશનો રાજા શિલાદિત્ય વલ્લભીપુરની ગાદી પર રાજ કરતો. મામડિયા ચારણ સાથે તેને ગાઢ મૈત્રી હતી.
રાજા અને ચારણની આ મૈત્રી અમુક લોકોથી જોવાઈ નહી. એણે રાજાનાં કાન ભંભેર્યાં કે, તમે ઉઠીને વાંઝીયાનું મોઢું જુઓ છો તેનું પરીણામ ભયંકર આવશે. પરીણામ તો કંઈ નહોતું આવવાનું પણ રાજાએ વાત સાચી માનીને મામડિયા ચારણનું અપમાન કર્યું.
દુ:ખી બિચારો ચારણ! પોતાને સંતાન નથી ત્યારે આટલું સાંભળવું પડ્યું ને. એણે મહાદેવના મંદિરે જઈને શિવલીંગ આગળ પોતાનું માથું તલવારેથી નોખું કરી નાખવાની તૈયારી આદરી. હ્રદયના ચોખ્ખા મામડિયાનો જીવ શિવ કેમ જવા દે? એણે પ્રસન્ન થઈને વરદાન દીધું કે, પાતાળલોકના નાગરાજની સાત દીકરીઓ અને એક દીકરો તારે ત્યાં અવતાર લેશે.
એમ જ થયું. સાત દીકરીઓ અવતરી : આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ. આ સાતે બહેનોનો એક ભાઈ એટલે મેરખિયો.

એક દિવસ મેરખિયાને સાપે દંશ દીધો. ભાઈને બચાવવો હોય તો પાતાળમાંથી અમૃતકુંપ લાવવો જ રહ્યો. જાનબાઈ ગયાં. પાતાળ માર્ગે મગરને તેમણે પોતાનું વાહન બનાવ્યું. અમૃત લઈ આવ્યાં. માર્ગમાં તેમને ઠેસ વાગેલી એટલે ખોડંગાતા હતા. આ જોઈને આવળ આઈએ કહ્યું, કે આ જાનબાઈ ‘ખોડી’ તો નથી થઈ ગઈ ને? બસ, જાનબાઈ તે દિવસથી ‘ખોડિયાર’ તરીકે ઓળખાવા લાગ્યાં. મેરખિયાનો જીવ બચી ગયો. સિંહણ જેવી આભને પાટું મારતી બહેનો હોય તો જમ પણ શું ખાટી જાય?  રાજપરાનું ખોડિયાર મંદિર સિહોરથી પાંચેક કિલોમીટરનાં અંતરે છે જ્યારે ભાવનગરથી 19 કિલોમીટર દૂર થાય છે. આજનું ભાવનગર જ્યાં પુરું થાય છે એ નારી ચોકડીથી રાજપરા નજીક થાય છે. ભાવનગરથી શનિવારની મોડી રાતે ઘણા પદયાત્રિકો રાજપરા જાય છે, જે વહેલી સવારે આરતીટાણે રાજપરા પહોંચીને માતાનાં દર્શન કરે છે. રાજપરાથી વળતા ભાવનગર આવવાને રીક્ષા-બસ સહિતની ઘણી સુવિધા મળી જ રહે છે. ભાવનગર-રાજકોટ હાઇ-વે પરથી સહેજ અંદરની તરફ એકાદ કિલોમીટરની દૂરી પર રાજપરાનું મંદિર આવેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com