વરસાદ ખેચાતાં સમગ્ર ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સિચાઇનું પાણી આપવાનો મુદ્દો ગાજ્યો હતો. એટલુ જ નહીં, ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે બે સિનિયર મંત્રીઓ નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે શાબ્દિક યુધ્ધ જામ્યુ હતું જેથી મામલો ગરમાયો હતો. સૂત્રોના મતે, કેબિનેટની બેઠકમાં એક સિનિયર મંત્રીએ એવી રજૂઆત કરી હતી કે, હાલ વરસાદ ખેંચાયો છે જેથી ખેતીને નુકશાન પહોંચી રહ્યું છે.ખેડૂતોની માંગણીને કારણે ખારીકટ કેનાલમાં પાણી છોડો જેથી પાકને બચાવી શકાય. ભાલ, ધોળકા સહિતના વિસ્તારમાં વરસાદની અછતને પગલે ઘઉં, ડાંગર સહિતનો પાક સૂકાઇ રહ્યો છે.જાે કે, સિનિયર મંત્રીની આ વાતનો બીજા સિનિયર મંત્રીએ છેદ જ ઉડાડી દીધો હતો. તેમણે સ્પષ્ટ કહી દીધું કે, આખાંય ગુજરાતમાં આ પરિસ્થિતિ છે ત્યારે પીવાના પાણી કરતાં વધુ પાણી હોય તો જ ડેમોમાંથી સિંચાઇનુ પાણી આપી શકાય. આ રીતે કેનાલમાં પાણી આપી શકાય નહીં. સિંચાઇના પાણીના મુદ્દે બંને મંત્રીઓ વચ્ચે શાબ્દિક ચમક જામી હતી. આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા – જળસંપતિ વિભાગના અધિકારીઓ સાથે બેસીને આ મુદ્દો ઉકેલવા સૂચન કર્યુ હતું અને બંને મંત્રીઓને શાંત પાડી મામલો થાળે પાડયો હતો. પણ આ મુદ્દો સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનીય છેકે, મંગળવારે ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને મળીને સિંચાઇના પાણીની માંગ લઇને રજૂઆત કરી હતી.