ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને તાજેતરમાં જાણીતા અમેરિકી મેગેઝીન ટાઇમે 2019માં વિશ્વના મહાન સ્થાનોના લિસ્ટમાં જગ્યા આપી. લાખો સહેલાણીઓ અત્યાર સુધી આ ભવ્ય સ્ટેચ્યુને જોવા માટે પહોંચી ચુક્યા છે અને આ સિલસિલો ચાલુ જ છે, પરંતુ શું તમે જાણો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ઘણા એવા ડેસ્ટીનેશન છે જ્યાં તમે નેચર અને એડવેન્ચરની મજા માણી શકો છો.
બટરફ્લાય ગાર્ડન
આ ગાર્ડનમાં 60થી 70 વરાઇટીના 5000 પતંગિયા છે. આ ગાર્ડનમાં ટાઇગર બટરફ્લાય આકર્ષણનું કેન્દ્ર છે. ટાઇગર બટરફ્લાયની પાંખ પર ટાઇગર જેવા પટ્ટા હોય છે. આ ઉપરાંત તમે અહીં બટરફ્લાયની સંપુર્ણ લાઇફસાઇકલને સારી રીતે સમજી શકો છો. ગાર્ડનમાં 10થી 15 બટરફ્લાય સેલ્ફી પોઇન્ટ પણ બનાવાયા છે.
જંગલ સફારી
નર્મદા જિલ્લામાં કેવડિયાના જંગલ સફારીને તમે ભરપુર એન્જોય કરી શકો છો. આ જંગલ સફારીનું ઔપચારિક ઉદ્ધાટન 31 ઓક્ટોબરે થશે. તે 1300 એકરમાં ફેલાયેલું છે. તેમાં વાધ, ચિત્તા, સિંહ, 12 પ્રકારના હરણ, જીરાફ, ઝેબ્રા અને અન્ય વિદેશી જાનવર હશે. તાજેતરમા વડાપ્રધાન મોદીએ જંગલ થીમ પર પેઇન્ટ કરેલી બેટ્રી રિક્ષામાં બેસીને જંગલ સફારીનું ભ્રમણ કર્યુ હતુ.
કેક્ટસ ગાર્ડન
નર્મદા નદીના કિનારે વસેલા આ કેક્ટસ પાર્ક માટે ભારતના ઘણા રાજ્યો ઉપરાંત મલેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા સહિત નવ દેશમાંથી કેક્ટસ મંગાવાયા છે. કેક્ટસ ગાર્ડનમાં 320 પ્રજાતિથી વધુ કેક્ટસ જોઇ શકાય છે. એડવેન્ચર અને નેચરને પસંદ કરનારા પર્યટકો માટે આ બહેતરીન જગ્યા છે. આ ઉપરાંત અહીં બાળકોના મનોરંજનનો પણ પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
રિવર રાફ્ટીંગ
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નર્મદા જિલ્લાના ખલવાનીમાં રાજ્યની પહેલી રિવર રાફ્ટિંગ એક્ટીવીટીનું ઉદ્વાટન કર્યુ હતુ. તે નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધ પાસે સ્થિત છે. સરદાર સરોવર બંધથી આખુ વર્ષ પાણી છોડવામાં આવે છે. પાણીના નિયમિત પ્રવાહના કારણે અહીં આખુ વર્ષ રિવર રાફ્ટિંગ થાય છે.
એકતા નર્સરી
ગુજરાતની જે એકતા નર્સરીમાં પીએમ મોદી ગયા હતા ત્યાં બાંબુની બનેલી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે. 50 એકરની જગ્યામાં બનાવાયેલી એકતા નર્સરીમાં આપણને રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી ઘણીબધી વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. જો તમે ત્યાં ફરવા જતા હોવ તો આ નર્સરીમાં મળતી બાંબુમાંથી બનેલી વસ્તુઓ લઇને પ્લાસ્ટિકને ગુડબાય કરી શકો છો. એકતા નર્સરીમાં ઘણા પ્રકારની ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ મળે છે.