મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમ અંતર્ગત ગુજરાત અને રશિયાના સખા પ્રજાસત્તાક રાજ્ય વચ્ચે યોજાઇ રહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેવડીયાથી વિડીયો કોન્ફરન્સના વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સ દરમ્યાન સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્યના વડા શ્રીયુત એઝન નિકોલાઇ અને તેમના સહયોગીઓ સાથે ગુજરાત-સખા યાકુત્યા વચ્ચે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીદારી અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં ખાસ કરીને ડાયમન્ડ, સિરામીકસ, ટીમ્બર અને ફાર્માસ્યુટિકલ સેકટરમાં આપસી સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આ ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમના સમાપન સત્રમાં વિડીયો સંબોધન કરવાના છે. આ સમાપન સત્રમાં રશિયન પ્રેસિડેન્ટ શ્રીયુત પૂતિન પણ સહભાગી થશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ ર૦૧૯માં યોજાયેલી આ પ્રકારની ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વાલ્દમિર પૂતિને રિજીયોનલ કોલોબરેશન-પ્રાદેશિક સહયોગ પર વિશેષ ઝોક આપ્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, રશિયાના ફાર ઇસ્ટ પ્રદેશો સાથેના ભારતના જોડાણને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘એકટ ફાર ઇસ્ટ’ની જે નીતિ ઘડી છે તેમાં ગુજરાતને પણ જોડાવાનું ગૌરવ મળેલું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦૧૯માં ગુજરાતના વેપાર-ઊદ્યોગ અગ્રણી પ્રતિનિધિમંડળ સાથેની તેમની વાલ્દીવોસ્ટોકની મુલાકાતની યાદ તાજી કરતાં જણાવ્યું કે, તે વેળાએ ગુજરાત અને સખાયા વચ્ચે બિઝનેસ કો-ઓપરેશનના MoU પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ MoU સંદર્ભમાં થયેલી ગતિ-પ્રગતિને પ્રવર્તમાન કોરોના મહામારીને પરિણામે અસર પહોચી છે. વિશ્વ આ મહામારીથી સત્વરે બહાર આવે અને ગુજરાત-સખાયાના સંબંધોમાં ફરી સાનૂકુળ વાતાવરણ સર્જાય તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતના પ્રભાવક વિકાસની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાત રર૪ બિલીયન યુ.એસ. ડોલરના જી.ડી.પી સાથે કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, સિરામીક, જેમ્સ એન્ડ જવેલરી, ટેક્ષટાઇલ અને એન્જીનીયરીંગ જેવા ક્ષેત્રોમાં દેશભરમાં ટોચના સ્થાને છે.
એટલું જ નહિ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નીતિના સફળ અમલીકરણથી ગુજરાત ઔદ્યોગિકરણમાં દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં વિવિધ ઊદ્યોગોની ૮૦૦ જેટલી વિશાળ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને ૩પ લાખથી વધુ MSME કાર્યરત છે.
ર૦-ર૧ના વર્ષમાં ગુજરાતે દેશભરમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ એફ.ડી.આઇ મેળવવાની સિદ્ધિ સાથે ર૧.૮૯ બિલીયન યુ.એસ.ડોલરનું એફ.ડી.આઇ મેળવેલું છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં સખા-યાકુત્યાના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થવા શ્રીયુત એઝિન નિકોલાઇને આમંત્રણ પણ પાઠવ્યું હતું.
આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના ડાયમંડ, ફાર્માસ્યુટિકલ અને સિરામીક સેકટરના અગ્રણી ઊદ્યોગકારો પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગુજરાત-સખાયા-યાકુત્યા વચ્ચે લાંબાગાળાના ઉષ્માપૂર્ણ સંબંધો અને વેપાર-ઊદ્યોગના વિકાસ માટે ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.