ગુડા દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સરગાસણ ટીપીના રિઝર્વ પ્લોટ પરથી ૩૬ દબાણો હટાવી ૩૦૦ કરોડનાં ત્રણ પ્લોટને દબાણમાંથી મુક્ત કરાવ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે દિવસથી ગુડા દ્વારા સરગાસણની ટીપી સ્કીમના રિઝર્વ પ્લોટ પર બુલડોઝર ફેરવીને ૧૦ જેટલાં ફાઈનલ પ્લોટનો કબ્જાે મેળવ્યો છે. તેમજ દોઢ કિલોમીટર જેટલો રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો છે.આ કામગીરીથી અંદાજિત ૩૦૦ કરોડનાં ત્રણ પ્લોટોને દબાણ મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે ગુડાના અધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી ડો. ધવલકુમાર પટેલે સતા મંડળના અન્ય અધિકારીઓની સાથે સરગાસણની આખરી થયેલ ટીપી સ્કીમ.૯ એ (સરગાસણ, વાવોલ, હડમનીયા) ની સ્થળ તપાસ કરી હતી. જેમાં ગુડા ના રિઝર્વ પ્લોટોમા આજુબાજુની સ્કીમના બિલ્ડરો દ્વારા સાઈટ ઓફિસો તથા બિલ્ડિંગ મટરીયલસનો સ્ટોક કરવા જેવા દબાણો નજરે ચડ્યા હતા.
સરગાસણની આ ટીપી સ્કીમમાં રમતગમતનાં મેદાન માટેનો પ્લોટ નંબર -૧૫૪ માં લાંબા સમયથી ૧૮ કાચા દબાણો અને એક પાકું બાંધકામ હતું. જેને તોડીને પ્લોટને ખુલ્લો કરાયો હતો. તેવી જ રીતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેના આવાસો માટેનો ફાયનલ પ્લોટ નં.૧૭૫ માંથી પણ ૧૨ તથા ફાયનલ પ્લોટ ૧૪૫ માંથી છ કાચા ઝુંપડા દૂર કરાયા હતા. આમ અંદાજે ૩૦૦ કરોડની કિંમતના ત્રણેય પ્લોટ પરથી દબાણકારો એ કરેલ ગેરકાયદે કબજાે દૂર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કેટલાક બિલ્ડરો ઑફિસ તેમજ બિલ્ડિંગ મટરીયલ્સનો સ્ટોક રાખવા માટે શેડ બનાવી દઈને દબાણ કર્યાનું ઉજાગર થતાં આ બિલ્ડરો પાસેથી જગ્યાના ઉપયોગનું નિયમાનુસાર ભાડું વસૂલ કરવાની પણ તાકીદ કરવામાં આવી હતી તેમજ દબાણ કરનારાઓને નોટિસ અપાયેલ હતી.
તેઓએ પણ સ્વેચ્છાએ દબાણો દુર ત્યાં હતાં.તેમજ ૧૦ જેટલાં બિલ્ડરોએ કરેલ પ્લોટ ભાડે લેવાની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જે દબાણો મુદત પૂરી થવા છતાં દૂર કરવામા આવ્યા ન હતા તેવા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ગુડા દ્વારા કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવતાં દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.