ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ માં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવા વ્યૂહરચના ઘડી રહ્યાં છે.આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ સંગઠનનું માળખું તૈયાર કર્યું છે. ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંનેને વિશેષ જવાબદારી સોંપવામાં આવશ.લોક ગાયક વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે.ગૌરી દેસાઈની આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, પ્રદેશ સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે દિવ્યેશ હિરપરાની વરણી કરાઈ છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે.ગુજરાતમાં હાલ તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. તેમને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપાશે. તેવી જ રીતે મહેશ સવાણીને પણ પાર્ટીમાં વિશેષ જવાબદારી સોંપવામાં આવશે.વિધાનસભા ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી, ખેતી, વીજળી, આદિવાસી અને દલિત લોકોના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરશે. યોગ્ય કામગીરી નહીં થાય તો તબક્કાવાર જનઆંદોલન કરાશે તેમ પણ મનોજ સોરઠીયાએ જણાવ્યું છે.