મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજીને અનુરૂપ પ્રો-એક્ટીવ પોલીસીંગનું કૌશલ્ય પોલીસ બેડા એ કેળવ્યું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલા અવેરનેસ કેમ્પેઇન “સાયબર સેફ મિશન” નો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે કહ્યું કે, હવેનો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબરનો યુગ છે અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે ત્યારે સમાજમાં આવા ગુનાઓ સામે જન-જાગૃતિ જગાડવામાં આ સાયબર સેફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે.
નાગરિકોનો ઓછામાં ઓછી અથવા નહિવત મુશકેલીઓમાંથી પસાર થવું પડે તે પ્રકારના આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અને આયોજનો સરકારે હાથ ધર્યા છે જેનાથી રાજ્યના નાગરિકોની જનસુખાકારીમાં વધારો થઇ રહ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સંદર્ભે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આધુનિક ટેક્નોલોજીની વિકાસ સાથે છેવાડાના માનવીને જોડવા સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ કહ્યું હતુ.
લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું ડૉ. અનંત પ્રભુજી દ્વારા લિખિત ‘સાયબર સેફ ગર્લ’ પુસ્તકનું પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી આર.એલ.નરસિમ્બા રાવજી દ્વારા સાયબર અંગેના ગુનાઓ,વિવિધ હેકીંગ પ્રવૃતિઓની માહિતી આપતી www.cybersafeahmedabad.org વેબસાઇટ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
તદ્ઉપરાંત પ્રવર્તમાન સાયબર વિશ્વમાં યુવાન અને સાયબર સુરક્ષા વિષય સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિધાર્થીઓ માટે ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના 3 વિજેતાઓનું મુખ્યંમત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.
ગુજરાત પોલીસ દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં સાયબર હેકિંગ અને સાયબર ફ્રોડ સામેની જાગૃતતા કેળવાય અને વિદ્યાર્થીઓ આ પ્રકારના ગુનાનો ભોગ બનતા અટકે તે માટે યોજાયેલી હેકાથોનના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની સાયબર સેફ મિશનની પહેલ અને તે અંતર્ગતના વિવિધ પ્રકલ્પોના શુભારંભ બદલ અભિનંદન પાઠવ્યા કહ્યું કે સાયબર સેફ્ટીની માત્ર વાતો નહીં સાયબર ક્રાઇમ અટકાવવાના નક્કર આયોજન સાથે પોલીસદળ માટે પૂરતી નાણાંકીય જોગવાઇ કરવા રાજ્ય સરકાર તત્પર છે.
તેઓએ આ સંદર્ભે વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત ભાઇ શાહ દ્વારા શરૂ કરાયેલા સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અત્યાધુનિક તકનીકોથી સજ્જ યુનિટો શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવી આ યુનિટના સહયોગથી નાગરિકોની સાયબર પ્રવૃતિઓને લગતા ગુનાઓ અને ફરિયાદને નિવારવામાં રાજ્ય પોલીસને મોટી સફળતા મળી હોવાનું કહ્યું હતું. આ પ્રકારનું યુનિટ તૈયાર કરનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોની નાનામાં નાના વિષય અનુરૂપ ફરીયાદને પણ અત્યંત ગંભીરતાપૂર્વક ન્યાય આપીને તેનું નિરાકરણ લાવવાના સધન પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમ જણાવી સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના ૪૦૦થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલને શોઘીને સુપ્રત કરવામાં આવ્યુ હોવાનું દ્રષ્ટાંત આપ્યું હતુ.
આ સંદર્ભે તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદનશીલતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકના ખોવાયેલા કે ચોરી થયેલ મોબાઇલના વિષયને આવા સાયબર સેફ મિશન સુધી લઇ જઇ નાગરિકોને ફોન પરત અપાવવા અને તેમની સુરક્ષિતતાની મુખ્યમંત્રીશ્રીની આ આગવી સંવેદના છે.
શિક્ષણમંત્રી જીતુભાઇ વાધાણીએ આધુનિકરણ સાથે સાયબર ગુનાઓને ડામવા માટેના ગુજરાત પોલીસના પ્રયાસોને બિરદાવતા કહ્યું હતુ કે, ગુજરાત પોલીસ તેની કર્તવ્યનિષ્ઠા સાથે રાજ્યના નાગરિકોની સલામતીની કામગીરી શ્રેષ્ઠ પણે કરી રહી છે.
ગુજરાત રાજ્યની સુરક્ષિત રાજ્ય તરીકેની છબીને કાયમી ટકાવી રાખવામાં ગુજરાત પોલીસનો સિંહફાળો છે તે બદલ શિક્ષણમંત્રી શ્રી એ રાજ્યના તમામ પોલીસ જવાનોને અભિનંદન આપ્યા હતા.
સાયબર સેલ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગને પણ સાયબર સુરક્ષા અંગેના વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોમાં જોડવામાં આવ્યાં છે ત્યારે આ માઘ્યમથી જનજાગૃતિના સધન પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
પોલીસ વિભાગ સાથે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે શિક્ષણ વિભાગ કદમથી કદમ મિલાવીને નવતર અભિગમ સાથે વિકાસના નવા યુગનો પ્રારંભ કરશે તેવો ભાવ શ્રી જીતુભાઇ વાધાણીએ વ્યક્ત કર્યો હતો.
તેઓએ સાયન્સ અને ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં સાયબર સુરક્ષા અંગે જાગૃકતા અંગે જ્યાં પણ શિક્ષણ વિભાગની જરૂર જણાય ત્યાં વિભાગ તેમની સાથે ખડેપગે હોવાનું મંત્રી શ્રી એ કહ્યુ હતુ.
આ સાયબર સેફ મિશન પ્રારંભ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર, રાજ્ય મંત્રી સર્વે શ્રી જગદીશ વિશ્વકર્મા, મુકેશ ભાઈ પટેલ,અમદાવાદના મેયર શ્રી કિરીટ ભાઈ,સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ હિતેશ ભાઈ બારોટ, શહેર પ્રમુખ અમિત ભાઈ શાહ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા,પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.