દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે. સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે. દર મહિને બુલેટ ટ્રેનના 50 પિલર ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ મામલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજદિન સુધી આપણે વિદેશી ટેકનોલોજી ઉપયોગ કરતા હતા. અને આપણા એન્જીનિયર્સ વિદેશી કંપનીઓમાં કામ કરે છે. પરંતુ હવે 4G અને 5G ટેકનોલોજી દેશમાં જ ડેવલપ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં 4G નું કામ પૂર્ણ થઈ ગયું છે અને 5Gના પ્રિલિમનરી ટેસ્ટ પૂર્ણ થઈ ગયા છે.
સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવાશે બુલેટ ટ્રેન
આપને જણાવી દઈએ કે પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે, જો કે હજુ મહારાષ્ટ્રમા આ કામગીરી ખૂબ ઓછી થઈ શકી છે, તેમ છતા દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું છે કે દેશમાં પહેલી વાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક તકલીફો આવી છે. બુલેટ ટ્રેનની ડિઝાઇન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં પ્રોજેક્ટની કામગીરી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધીમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાઈ રહ્યા છે મહત્વનું છે કે સપ્ટેમ્બર 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે બાદ આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો પરંતુ જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજુ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ જાહેરાત પહેલાથી કરી દેવામાં આવી છે હવે 15મી ઓગસ્ટ 2026ની તારીખ પણ આપી દેવાઈ છે.