કોરોનાની મહામારી બાદ મોંઘવારી પણ કુદકે-ભુસકે વધી રહી ચે. ત્યારે કાચામાલના ભાવવધારા તથા કેટલાક સરકારી નીતિનિયમોથી મુશ્કેલી અનુભવતી બિલ્ડર લોબી માટે ફતવારૂપી નવી આફત ઉભી થઈ છે. ૧૫ મીટરથી ઉંચી ઈમારતોમાં બે સીડી રાખવાનું ફરજિયાત બનાવવામાં આવતા સંખ્યાબંધ પ્રોજેકટો રઝળી પડયા છે.સરકારી ગાઈડલાઈન્સ આગળ ધરીને એનઓસી આપવાનું નકારાતા અનેક બિલ્ડરો તકલીફમાં મુકાયા છે. આ મામલે બિલ્ડર એસોસિએશને રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની તૈયારી શરૂ કરી છે.રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રોએ કહ્યું કે, ૧૫ મીટરથી ઉંચી ઈમારતમાં બે સીડી રાખવાનો ફતવો જારી કરાયો છે. ૧૫ મીટરની ઉંચાઈમાં ચાર માળની ઈમારત બંધાતી હોય છે એટલે લોરાઈઝ તથા હાઈરાઈઝ એમ તમામ ઈમારતોને લાગુ પડે છે. બે સીડી મુકવામાં આવી ન હોય તો ફાયર એનઓસી નકારવામાં આવી છે. છેલ્લા ત્રણ-ચાર માસમાં અંદાજિત ૫૦થી ૬૦ પ્રોજેકટોના એનઓસી અટકયા છે અને બિલ્ડરો કફોડી હાલતમાં મુકાયા છે.આ મામલે રાજકોટ બિલ્ડર એસોસિએશનના ચેરમેન પરેશ ગજેરાનો સંપર્ક કરતા તેઓએ સ્વીકાર્યું કે નવા ફતવા હેઠળ ૧૫ મીટરથી ઉંચી ઈમારતોમાં બે સીડી રાખવામાં આવી ન હોય તો એનઓસી મળવાનું બંધ થયું છે. વાસ્તવમાં નેશનલ બિલ્ડિંગ કોડ (એનઓસી)ની ગાઈડલાઈનમાં એવો સ્પષ્ટ નિર્દેશ છે કે કોઈપણ ઈમારતમાં એક સીડી હોય છતાં ખુલ્લી જગ્યા (ઓટીએસ) રાખવામાં આવી હોય તો ફાયર એનઓસી આપી શકાય પરંતુ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આવતી અનેક ઘટનાઓ બની હોવાથી નિયમોને આગળ ધરીને કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકારની એજન્સીની ગાઈડલાઈન નિયત છે પરંતુ રાજ્યોને તેમાંથી અનુકુળ અને અનુરૂપ જાેગવાઈઓનો જ અમલ કરવાની છૂટછાટ છે છતાં સમગ્ર નિયમોનો અમલ શરૂ કરાયો હોવાથી હાલત કફોડી બની છે.રાજકોટ સહિતના મહાનગરોમાં હવે ફલેટનો જ ટ્રેન્ડ છે અને મોટા-મોટા પ્રોજેકટો-ટાવર ઉભા થતા રહ્યા છે. ૧૫ મીટરથી ઉંચી ઈમારતોને તો લાગુ પાડવામાં આવ્યા છે. ૧૫ મીટરમાં તો ૪ કે ૫ માળની ઈમારત પણ આવી જાય છે એટલે નાના-મોટા તમામ પ્રોજેકટોને તે અસરકર્તા બને છે. હકિકતમાં તમામ ઈમારતો પ્રોજેકટોમાં બે સીડી મુકવાનું કોઈપણ રીતે શકય નથી.સરકારે નિષ્ણાતોના અભિપ્રાયો મેળવીને વ્યવહારૂ અભિગમ અપનાવવો પડે તેમ છે અન્યથા રિયલ એસ્ટેટ ક્ષેત્રે તીવ્ર પ્રત્યાઘાતો પડવાની આશંકા છે. એનઓસી મામલે રાજકોટ બિલ્ડર એસોસિએશને રજૂઆતનું બીડું ઝડપ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ૨૦મીએ રાજકોટ આવવાના છે તેમના સમક્ષ રૂબરૂ રજૂઆત કરાયા બાદ એકાદ સપ્તાહમાં ગાંધીનગરમાં શહેરી વિકાસમંત્રી સમક્ષ ધા નાખવાની તૈયારી કરવામાં આવી છે.