દ્વારકા
…….
ગુજરાતી ભોજન આરોગ્યું : તમામ શકિત કામે લગાડીને કોંગ્રેસની વિચારધારાને વધુ આગળ લઇ જવી છે : રાહુલે દ્વારકાધીશના દર્શન કર્યા અને શિશ ઝુકાવી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા હાસલ કરે તેવા આશીર્વાદ માંગ્યા હતા
………
દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીના ગઈકાલે આગમન થયું હતું. દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને શિશ ઝુકાવી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા હાસલ કરે તેવા આશીર્વાદ માંગ્યા હતા. ગુજરાત આવીને ખુબ જ સારૂ લાગે છે. ગુજરાતીઓ પાસેથી ઘણુ શીખવાનું મળે છે. કોંગ્રેસનો જન્મ ગુજરાત રાજયમાંથી જ થયો છે અને અનેક લોકો કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાઇને કામ કરે છે. વિધાનસભા ચુંટણી આડે હવે થોડા મહિના બાકી છે ત્યારે મારે ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવા માટે રપ સારા નેતાઓની જરૂર છે. આપણે કોઇના હાથ-પગ પકડવા નથી જવું પરંતુ તમામ શકિત કામે લગાડીને કોંગ્રેસની વિચારધારાને વધુ આગળ લઇ જવી છે. કોંગ્રેસ એ યુવાનો, મજુરો, ખેડુતો, નાના ધંધાર્થીઓનું સંગઠન છે. ત્યારે કોંગ્રેસ પક્ષે પણ હવે નવુ વિઝન બતાવવુ પડશે. ગુજરાતીઓ પાસે સૌથી વધુ ટેલેન્ટ છે. આપણે પણ કોંગ્રેસના નેતાઓ પાસે રહેલા ટેલેન્ટને બહાર લાવવાનું છે અને લોકો પાસે જઇને કોંગ્રેસની વિચારધારા વધુ મજબુત બનાવવાની છે.
રાહુલ ગાંધીએ કૉંગ્રેસ નેતાઓ સાથે ગુજરાતી ભોજન આરોગ્યું
…….
તેમણે 2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીનું પક્ષપલટું નેતાઓને લઈને મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં બે વર્ગ છે એક ડંડો ખાય છે અને બીજો ACમાં બેસે છે. અમે ભાજપને વિનંતી કરીએ છીએ કે, ACમાં બેસતા લોકોને લઈ જાય અમને એવા લોકો જોઈએ છે કે, જેનામાં DNA કોંગ્રેસનું હોય કોંગ્રેસને માત્ર 25 લોકોની જરૂર છે. જેઓ લડત માટે તૈયાર હોય.રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપતા કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તમે ચૂંટણી જીતી ગયા છો, આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિં.રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને સારું લાગે છે અને સિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ યુનિક રીતે કામ કરે છે. આપણી પાર્ટી ગુજરાતથી જન્મેલી છે. દરેક પ્રદેશમાં કોંગ્રેસ ઉભી થઈ હતી. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતે આપી હતી. ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણીમાં પ્રતિદ્વંદી ભાજપને માત્ર 99 બેઠકના ‘ડબલ ડીજીટ’માં સમેટી નાખવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો. કહો કે, સૌરાષ્ટ્રમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા. ભાજપના વિજયોત્સવમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ‘સુપડા સાફ’ થયા હોવા અંગે પ્રશ્ન પૂછતા તેઓ પણ દિગ્મૂઢ થઇ ગયા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં બેઠકો નાં જીતી શકવાનો રંજ તેઓના ચહેરા પર સ્પષ્ટ કળાતો હતો. બધો દારોમદાર નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર છે. દ્વારકામાં શિબિરનું મોટું કારણ, દ્વારકા ગુજરાતની આશ્થાનું કેન્દ્ર છે અને સમુદ્રી તટનાં એટલે જાફરાબાદ, અમરેલી, રાજુલા કોડીનાર,વેરાવળ,માંગરોળ,જુનાગઢ , કેશોદ જામનગર જેવા પંથકથી નજીક પણ છે એટલે ઉત્તર ગુજરાત તો ઠાકોર સંભાળી લેશે. પણ સૌરાષ્ટ્ર સરકે તો બધું સરકી જાય તેવો ઘાટ હોવાથી શિબિર દ્વારકામાં અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિ કોંગ્રેસ માટે કેટલી કારગર નીવડે છે તે આવનાર સમયમાં ખબર પડશે.
ચિંતન શિબિરમાં પોતાના ઉદબોધન દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પૂર્વવ ધારાસભ્ય અને વાઘેર સમાજના મોભી ગણાતા પબુભા માટે લતીફ સાથે ના જે શબ્દો ઉચ્ચાર્યા તેથી સમાજે વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના મોડલમાં બહેન – દિકરીઓ અસલામત છે. ધોળે દિવસે કાળજુ કંપાવી દે તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. છતાં સરકારનું પેટનું પાણી હાલતુ નથી. સરકારી તિજોરીના નાણાંથી ભાજપ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પણ હકિકત રોજ નજર સામે આવી રહી છે. સુરતમાં દિકરીની કરપીણ હત્યા, તો ધોરાજીમાં નાક કાપવાની ક્રૂર ઘટના કે ગાંધીનગર પાસે બળાત્કાર અને છરી મારવાની ઘટના સામે “મેં લડકી હું લડ સકતી હું” નારાને ગુજરાતમાં ચરિતાર્થ કરવાની કોંગ્રેસના માધ્યમ થી વાત કરી હતી. ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે કૌભાંડ, વારંવાર પેપર ફૂટવાની ઘટના, મેરીટમાં ગોલમાલથી ગુજરાતના લાખો યુવાનોની જીંદગી સાથે ભાજપ સરકાર રમત રમી – છેતરપીંડી કરી રહી છે. સરકારી નોકરીઓની ભરતી પરીક્ષામાં વારંવાર કૌભાંડોના કારણે ગુજરાતના સામાન્ય, મધ્યમવર્ગના યુવાનોમાં નિરાશા વ્યાપી છે અને ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.
ગુજરાતના કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મંત્રીશ્રી રઘુ શર્માએ શિબિરને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં ૬૫ ટકા યુવા વર્ગ છે ત્યારે કોંગ્રેસમાં વધુમાં વધુ યુવાનોને જોડવા માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ અને સંગઠનમાં પણ વિશેષ સ્થાન આપીને યુવા શક્તિને જોમ – જુસ્સા સાથે ભાજપ સરકારની ખોટી નીતિઓ સામે લડતમાં જોડવાના છીએ. ચૂંટણી લડવાની ઢબ બદલી ઉમેદવારોની પસંદગી માટે વિવિધ માપદંડો સાથે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે. ઉમેદવારોની પસંદગી અંગે જીતની શક્યતાની સાથોસાથ પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આપેલા યોગદાનોને, પક્ષની વિચારધારા માટે લડત અને જનતા માટે કરેલા કાર્યોને પ્રાથમિકતા અપાશે. સંગઠનમાં અનુશાસન આવે તેના માટે કડક નિર્ણયો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓનો પક્ષ છે. કોંગ્રેસના કાર્યકરો જે હિંમતભેર લડાઈ લડી શકે તેમને જ પદાધિકારી તરીકેની જવાબદારી સોંપાશે તે વાત દ્વારકા ચિંતન શિબિરમાં સમગ્ર રાજ્યના શિબિરાર્થીઓ સમક્ષ મૂકી હતી.
ગુજરાતના યુવા ધનને બરબાદ કરી નાખે, સમગ્ર યુવા પેઢી ખતમ થઈ જાય તે હદે ગુજરાત માર્ગે હજારો કરોડોના ડ્રગ્સના કંટેનરો સલામત રીતે ઠલવાય છતાં કોઈ પગલા ન લેવાય. શું આ છે ભાજપાનું કાયદો – વ્યવસ્થાનું મોડેલ ? તેવો વૈધક પ્રશ્ન કરતાં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યની પ્રગતિ કરવી હોય તો તે રાજ્યની યુવા પેઢીને સાચી દીશા બતાવવાનું કામ રાજ્ય સરકારનું વિશેષ બને છે. કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર યુવાનોને વ્યસનની આગમાં ધકેલીને યુવા શક્તિને બરબાદ કરી નાખે તે હદે ડ્રગ્સ માફીયાઓને ખુલ્લુ મેદાન આપી રહી છે. રાજ્યમાં વધતા જતા પ્રદૂષણ અને કેમીકલ ફેક્ટરીઓમાં થઈ રહેલી દુર્ઘટનાઓ પરિણામે મોતને ભેટતા નિર્દોષ શ્રમિકો અંગે ભાજપ સરકાર સદંતર ઉઘી રહી છે અથવા તો જાણી જોઈને ઉંઘવાનો ઢોંગ કરી રહી છે. રાજ્યમાં બેફામ બનતા ઔદ્યોગિક અકસ્માતથી શ્રમિકોના પરિવારો ચિંતા અનુભવી રહ્યાં છે. ઉદ્યોગોનો વિકાસ થાય એ જરૂરી છે પણ કામ કરતા શ્રમિકો – જનતાના ભોગે ચલાવી શકાય નહીં.
વિધાનસભા માં કોંગ્રેસ પક્ષ ના નેતા સુખરામભાઈ રાઠવા દ્વારા આભાર ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતો, ખેતમજદુરો અને આદિવાસી સમાજ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યના ખેડૂત, ખેતી અને ગામડાને બરબાર કરવાની નીતિ ભાજપ સરકાર અખત્યાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના દરેક કાર્યકર આગેવાનોએ લોકોની વચ્ચે જઈને સત્યવાત રજુ કરવી પડશે અને ભાજપ સરકારના જુઠ્ઠાણાને ખુલ્લા પાડવા પડશે.
દ્વારકા ખાતે આયોજીત ત્રીદીવસીય ચિંતન શિબિરના બીજા દીવસે જુદા જુદા ૯ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મહિલા સુરક્ષા મુદ્દે સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલા, રાજ્યની અર્થ વ્યવસ્થા, આર્થિક બાબતો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ અને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, ખેડૂતોના મુદ્દે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા, પાયાની સુવિધા અંગે શ્રી કદીર પીરઝાદા, સહકાર ક્ષેત્રે વ્યાપક ગેરરીતિઓ અંગે ધારાસભ્ય વિરજી ઠુમ્મર, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અંગે શ્રી અશોક પંજાબી, સંગઠનના પડકારો અને તકો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ડીજીટલ મેમ્બરશીપ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ જુથ ચર્ચામાંથી મહત્વના મુદ્દાઓ શિબિરમાં રજુ કર્યા હતા .
દ્વારકા ખાતે આયોજીત ચિંતન શિબિરમાં અંતિમ દિવસે તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ રાજ્યના પ્રવર્તમાન સમસ્યાઓ, ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે દ્વારકા ડેકલેરેશન – રોડમેપ રજુ કરવામાં આવશે.