અમદાવાદ
ગુજરાતના 584 જેટલા લોકો યુક્રેનમાં ફસાયેલા હોવાની માહિતી મળી છે તેમને પરત લાવવા રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની કેન્દ્ર સરકાર-વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્કમાં છે .
ગુજરાત સરકારે શરુ કરી હેલ્પ લાઈન 079- 232- 38278..
*Email – nrgfoundation@yahoo.co.in*
પર રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી-વિગત આપી શકે છે. ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયેલા છે.
આ યુવાઓને તેમના વતન ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
શિક્ષણમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે.
એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00 થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરુ કરી છે. હેલ્પલાઈન નંબર – 079- 232- 38278. Email – nrgfoundation@yahoo.co.in રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.
શિક્ષણમંત્રીએ કહ્યું કે, ભારત સરકારે યુક્રેનથી યુવાઓને પરત લાવવા રેસ્ક્યૂ ફ્લાઈટ શરુ કરી છે. તે અંતર્ગત બે ફ્લાઈટ દ્વારા ગુજરાતના કુલ 100 જેટલા યુવાઓ મુંબઈ અને દિલ્હી આવી પહોંચશે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને તેમના સતત સંપર્કના પગલે રાજ્ય સરકારે આ યુવાઓને મુંબઈ અને દિલ્હીથી ગુજરાત પરત લાવવા અને તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી છે.
આ હેતુસર મુંબઈ અને દિલ્હી ખાતે વોલ્વો બસની સુવિધા તેમ જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપી મોકલવામાં આવ્યા છે.
શિક્ષણમંત્રીએ કહ્યું કે, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી યુક્રેન ગયા હોય તેવા કુલ 584 વ્યક્તિઓ ત્યાં ફસાયેલા હોવાની વિગતો હેલ્પલાઈન અને ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ છે. તેના અનુસંધાને પણ મુખ્યમંત્રી સતત ચિંતા કરીને આ લોકોને પણ સહીસલામત ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી અને કેદ્ર સરકાર સાથે સંકલનમાં છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, દિલ્હી અને મુંબઈથી જે યુવાનો આવશે તેમને અમદાવાદથી પોતાના વતન જિલ્લામાં જવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરશે. તથા જે વિદ્યાર્થીઓને અમદાવાદમાં રોકાણ માટેની જરૂરિયાત હોય તેમના માટે કેસીજીમાં વ્યવસ્થા કરવામાં આવશે.
શિક્ષણમંત્રીએ કહ્યું કે, ગુજરાતના જે યુવાનો યુક્રેનમાં છે અને વર્તમાન સ્થિતિમાં ફસાઈ ગયા છે તે તમામ યુવાનોને સહીસલામત પરત લાવવા માટેની વ્યવસ્થાઓ માટે મુખ્યમમંત્રીએ રાજ્યના વહીવટીતંત્રને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિ સલામત રીતે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી આવી પહોંચ્યા છે . આ 32 યુવા વિદ્યાર્થીઓ ને ગુજરાત સરકાર ના નવી દિલ્હી સ્થિત રેસીડેન્ટ કમિશનર આરતી કંવર ના માર્ગ દર્શનમાં ગુજરાત ભવન ખાતે લઇ જવાયા છે ત્યાંથી તેમને વાહન વ્યવહાર નિગમ ની વોલ્વો બસ દ્વારા સવારે 9 કલાકે ગુજરાત જવા રવાના કરવામાં આવશે અને તેમના વતન પહોચાડવા ની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે. દિલ્હી એરપોર્ટ આવી પહોંચેલા 32 આ યુવાઓ ના મુખ પર હેમખેમ વતન રાષ્ટ્રમાં પરત આવી ગયા નો આનંદ દેખાઈ રહ્યો હતો.
આ યુવાઓ ઉપરાંત અન્ય એક રેસ્ક્યુ ફલાઇટ દ્વારા બુડાપેસ્ટ થી પણ ગુજરાતી વિદ્યાર્થીઓ આજે બપોર સુધીમાં નવી દિલ્હી આવશે.
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિ સલામત રીતે મુંબઈ આવી પહોંચ્યા છે.
આ યુવા વિદ્યાર્થીઓ આજે તારીખ 27 ફેબ્રુઆરી 2022 ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે આવી પહોંચશે.