પ્રાપ્ત માહિતી અનુસાર કુડાસણ માં રહેતા ગાભાજી ગલાજી ઠાકોર ની કુડાસણ માં સંયુક્ત પરિવારની ચાર વીઘા જમીન સર્વે નંબર ૫૯૫ આવેલી છે. તેઓએ ચારેક વર્ષ પૂર્વે કડી બેંક માં કાર લોન મેળવવા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેઓ નિયમિત હપ્તા ભરવા બેંકમાં જતાં હોવાથી મોટાભાગના બેંક કર્મીઓ ના સંપર્કમાં હતા.
ગઈકાલે બેંક કર્મચારી પ્રકાશભાઇએ ગાભાજી ને ફોન કરી કુડાસણ માં તેમના નામનો અન્ય કોઈ વ્યક્તિ છે કે નહીં. તેવી પૂછપરછ કરી હતી. જેથી ગાભાજી એ ના પાડતા ,બેંક કર્મચારીએ તાત્કાલિક બેંકમાં આવી જવાનું જણાવ્યું હતું. આથી ગાભાજી બેંકમાં પોતાના ભત્રીજા ને લઈને ગયા હતા. જ્યા બેંક કર્મચારીએ તેમનું આધારકાર્ડ બતાવ્યું હતું. આધારકાર્ડ જાેઈને તેઓ અચંબામાં પડી ગયા હતા. કારણકે આધાર કાર્ડ તેમના નામનું જ હતું ,પણ તેમાં લગાવેલ ફોટો અને સહી ખોટી હતી. આથી બેંક કર્મચારી એ જે વ્યક્તિ આ ડોક્યુમેન્ટ જમા કરાવીને બૅન્ક એકાઉન્ટ ખોલાવવા આવ્યો હતો તેને ફોન કરીને બોલાવ્યો હતો.આ શખશ આવતા ગાભાજીએ તેની પૂછપરછ કરી હતી, પરંતુ તે વ્યક્તિ આધારકાર્ડ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.આથી પોલીસને જાણ કરવામાં આવતા ઇન્ફોસિટી પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. અને તે શખ્સ ને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવતા પોતાનું નામ દીપેશ સુરેશ પટેલ હોવાનું ખુલ્યું હતું.અને તેની સાથેનો શખ્સ રણછોડ પ્રજાપતિ હોવાનું ખુલ્યું હતું.રણછોડ પ્રજાપતિને હર્ષદ પારેખે ૧૫૦૦ રૂપિયા આપીને દિપેશ પટેલ સાથે મોકલ્યો હતો.આ શખસોએ ભેગા મળીને ગાભાજી ઠાકોર ના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવવા તેમના નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જેમાં ફોટો અન્ય વ્યક્તિનો ચિપકવાયો હતો .અને સહી પણ ખોટી કરી હતી. ગાભાજી ની કુડાસણ સ્થિત ચાર વીઘા જમીન પચાવી પાડવા માટે આ શખ્સોએ કારસ્તાન કર્યું હોવાનું ખુલ્યું હતું. આથી ગાભાજી ઠાકોરે ઇન્ફોસિટી પોલીસ મથકમાં (૧) દીપેશ સુરેશ પટેલ (રહે. રત્નદીપ બંગલોઝ થલતેજ) (૨) હર્ષદ ઉર્ફે લાલભાઈ પારેખ (રહે. ઉવારસદ દેવ નંદન સોસાયટી- અડાલજ)(૩) આમિર રામ સિંહ ચાવડા તથા રણછોડ પ્રહલાદ પ્રજાપતિ (રહે. અડાલજ પંચાયત ઘર પાસે) ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ કુડાસણની ૪૦ કરોડની કિંમતની જમીન બેંક કર્મચારીની સમયસૂચકતાથી બચી જવા પામી છે.