રશિયા અને યુક્રેન વચ્ચે સાત દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધના પગલે ભારતના વિધાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. જેમને પરત વતન લઈ આવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ શરૂ કરાયું છે. જેનાં ભાગરૂપે આજે વધુ ૧૦૭ વિધાર્થીઓની ગુજરાતમાં વાપસી થઈ છે. આજે વિધાર્થીઓ ગાંધીનગર આવી પહોંચતા તેમના પરિવારોએ રાહત અનુભવી હતી.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ત્રીજી બેચ ગુજરાત પહોંચી છે. ગાંધીનગરમાં બસ દ્વારા પહોંચેલા વિદ્યાર્થીઓનું શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓનુ સ્વાગત કરાયુ હતું. તો બીજી તરફ વિદ્યાર્થીઓને જાેઈને માતાપિતા ભાવુક થઈ ગયા હતા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ વિદ્યાર્થીઓ બસમાંથી ઉતરતા હતા તેમ તેમ માતાપિતા તેમને ભેટીને વળગી પડ્યા હતા. શિક્ષણમંત્રી દ્વારા ગુલાબ આપીને તેમનુ સ્વાગત કરાયુ હતું.
કુલ ત્રણ બસ ભરીને વિદ્યાર્થીઓ યુક્રેનથી ગાંધીનગર આવ્યા હતા. જેમાં ૧૦૭ વિદ્યાર્થીઓ બસમાં સવાર થઈને ગુજરાત પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ આવ્યા તેમના દરેકના હાથમાં તિરંગો જાેવા મળ્યો હતો. તેઓ યુક્રેનથી બસમાં બેસ્યા ત્યારે પણ તેમના હાથમાં તિરંગો હતો. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારત સરકારનો આભાર માન્યો હતો.એક વિદ્યાર્થીએ કહ્યું કે, અમે સાત દિવસનો સંઘર્ષ કરીને અમે પરત આવ્યા છીએ. ત્યાં અમને ખાવાપીવાની કોઈ વ્યવસ્થા ન હતી. બસની આગળ ભારતનો ધ્વજ લાગ્યો હતો તેથી અમને સરળતાથી જવા દેવાયા હતા. અમે એક દિવસમાં ૫૦ કિમી ચાલ્યા હતા. ત્યાં ટેન્ટ પણ ન હતો, અમે રોડ પર બેસીને ખાવાનું ખાધુ હતું. બીજા દેશના વિદ્યાર્થીઓ પણ ભારતનો ફ્લેગ લગાવીને આગળ જઈ રહ્યા હતા, જેથી તેમને પણ કોઈ તકલીફ ન થાય. કારણ કે, ભારતીય સરકારે મોટી મદદ આપી હતી.એક વિદ્યાર્થીએ કહ્યુ કે, હુ ગર્વ અનુભવુ છું કે હું ભારતીય છું. કારણ કે, ભારતીય હોવાને કારણે અમને ત્યાં વધુ તકલીફ ન થઈ અને સરળતાથી ત્યાંથી નીકળી શક્યા. એક વિદ્યાર્થીની માતાએ કહ્યુ હતું કે, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે મારી દીકરીને સારી રીતે પરત લઈ આવ્યા. કેટલાક માતાપિતાએ એવી ખુશી વ્યક્ત કરી કે, માત્ર અમારો જ દીકરો નહિ, પણ બધાના સંતાનો પાછા આવ્યા તેની અમને ખુશી છે.