અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે
અમદાવાદ
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ આજે મુલાકાત લીધી હતી. કલેક્ટર સંદીપ સાગલે આજે સવારે રાણીપ વિસ્તારના શ્રી બાલકૃષ્ણ શર્માના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઇને તેમના પુત્ર શિવમ શર્મા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. કલેક્ટરે મોટેરા વિસ્તારમાં રહેતા શ્રી હેમંતભાઇ પટેલ જેમના પત્ની તેજલબેન પણ યુદ્ધગસ્ત યુક્રેનમાં ફસાયા હતા તેમના વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી સાગલેએ કહ્યું કે, યુક્રેનમાં ક્રાઇસીસ ઊભી થતાં યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓના પરિવારો ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા “ઓપરેશન ગંગા” શરૂ કર્યુ છે. જે ભારતીયો સ્વદેશ પાછા આવી રહ્યા છે તેમને જે–તે સ્થળ પરથી તેમના ઘર સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.
તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને આશ્વસ્ત કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર સંકટની આ ઘડીમાં આપની સાથે છે.
અમદાવાદ જિલ્લાના કુલ 259 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, તેમાંથી અત્યાર સુધીમાં 54 વિદ્યાર્થીઓ અમદાવાદ પાછા ફર્યા છે બાકીના વિદ્યાર્થીઓ પણ ઝડપથી સ્વદેશ પાછા ફરશે.
શિવમના પિતાશ્રી બાલકૃષ્ણ શર્માએ કહ્યું કે મને વિશ્વાસ છે કેન્દ્ર અને રાજ્ય સરકારના સતત પ્રયાસોથી મારો શિવમ હેમખેમ સ્વદેશ પરત ફરશે
અમદાવાદ રાણીપ વિસ્તારમાં રહેતા શિવમના પિતાશ્રી બાલકૃષ્ણ શર્માએ જણાવ્યું કે, આજે અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાગલે દ્વારા અમારા પરિવારની મુલાકાત લઇને અમને જે આશ્વાસન મળ્યું છે તેનાથી અમારા પરિવારને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકારના ઇન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી મારો શિવમ અમદાવાદ હેમખેમ પાછો ફરશે.
શિવમના પિતાશ્રી બાલકૃષ્ણ શર્માએ કહ્યું કે, શિવમ હાલમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે. શિવમ અત્યારે યુક્રેનની બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા ખાતે પહોંચી ગયો છે. રોમાનિયમાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે અમારી ચિંતા ઓછી થઇ ગઇ છે. શિવમ સાથે દિવસમાં એક-બે વાર વાતચીત કરીને તમામ પરિસ્થિતિથી અમે વાફેક પણ થઇ રહ્યા છીએ. શિવમ પણ રોમાનિયામાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા કરાયેલી તમામ વ્યવસ્થાઓથી સંતુષ્ટ પણ છે. શિવમ યુક્રેનમાં હતો ત્યારે એ ખૂબ ઉદાસ થઇ ગયો હતો પણ રોમાનિયા પહોંચી ગયા બાદ શિવમ અને તેની સાથે હાજર તમામ ભારતીયોને વિશ્વાસ થઇ ગયો કે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોથી અમે પોતાના ઘરે જરૂર પહોંચી શકીશું. અમને પણ વિશ્વાસ છે કે ભારત સરકારના ઓપરેશન ગંગા થકી અમારો પુત્ર ઝડપથી પાછો આવી જશે.
બાળકોના ભવિષ્યના સ્વપ્નાઓને પૂરા કરવા તેજલબેન પટેલ યુક્રેનમાં જોબ કરવા ગયા.
તેજલબેન યુક્રેનમાંથી સહી-સલામત નીકળીને પોલેન્ડ તો પહોંચી ગયા પણ હવે તેઓ ત્યાંથી સ્વદેશ પાછા આવવાને બદલે પોલેન્ડમાં જ નવી જોબ શોધીને બાળકોના સ્વપ્ન પૂરા કરવામાં લાગી ગયા
અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા તેજલબેન પટેલ બાળકોના ભવિષ્યના સ્વપ્નાઓને પૂરા કરવા યુક્રેનમાં જોબ કરવા ગયા પણ તેમને સ્વપ્ને ખ્યાલ નહોતે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધગસ્ત પરિસ્થિતિ સર્જાશે. હાલમાં તેજલબેન યુક્રેનમાંથી સહી-સલામત નીકળીને પોલેન્ડ તો પહોંચી ગયા છે પણ હવે તેઓ ત્યાંથી સ્વદેશ પાછા આવવાને બદલે પોલેન્ડમાં જ નવી જોબ શોધીને બાળકોના સ્વપ્નાઓને પૂરા કરવામાં લાગી ગયા છે.
આ અંગે વાત કરતા તેજલબેનના પતિ હેમંતભાઇએ જણાવ્યું કે, આજે અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેએ અમારા પરિવારની મુલાકાત લઇને આશ્વાસન આપ્યું છે અને બનતી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી છે.
હેમંતભાઇએ કહ્યું કે, અમારા પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આવી પરિસ્થિતિ સર્જાશે. હાલમાં મારી વાઇફ યુક્રેનમાંથી સહી-સલામત નીકળીને પોલેન્ડ પહોંચી ગઇ છે. પોલેન્ડમાં ઇન્ડિય એમ્બેસી દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવી છે. મારા સંબંધીઓ પણ ત્યા હોવાથી પોલેન્ડમાં તરત જ જોબ પણ મળી ગઇ છે.
અમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે મારો પરિવાર સતત સંધર્ષ કરી રહ્યો છે. હું અત્યારે રિક્ષા ચલાવીને જ્યારે મારા મધર – ફાધર થેલીઓ સીવીને મને કામમાં મદદ કરી રહ્યા છે. મારી પત્ની યુક્રેનમાં જોબ કરીને બાળકોના સ્વપ્નાઓને સાકાર કરવામાં લાગી છે. મારે હાલમાં એક દિકરો અને દિકરી છે, દિકરો અત્યારે 11માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે દીકરી 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. અમે જે સંધર્ષમાંથી પસાર થઇ રહ્યા છે એ સંધર્ષ અમારા બાળકોને ન કરવો પડે તે માટેના તમામ પ્રયત્નો અમારો પરિવાર કરી રહ્યો છે અને અમે આમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં માંગીએ છીએ.
આ મુલાકાત દરમ્યાન અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ વીડિયો કોલ કરીને તેજલેબેન સાથે વાતચીત કરીને ત્યાંની માહિતી પણ પ્રાપ્ત કરી હતી