સુરત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સદસ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે 4 માર્ચ, 2022 શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યે વરાછા-મોટા વરાછાની સાત નામાંકિત સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યોને બોલાવવામાં આવ્યા અને કડક સૂચના આપવામાં આવી છે કે ભાજપના માણસોને એડમીશનમાં પ્રાથમિકતા આપવી. શિક્ષણ સમિતિના CCTV કેમેરા આ વાતની સાક્ષી પૂરી દેશે. વરાછા-મોટા વરાછા સહિતની જે અમુક સરકારી શાળાઓ સારી છે એનો સંપૂર્ણ શ્રેય એ શાળાઓના શિક્ષકો, આચાર્યો, વાલીઓ અને આ શાળાઓમાં છૂટે હાથે દાન આપતાં દાતાઓને જાય છે કારણ કે આ શાળાઓની સફળતા પાછળ જો શિક્ષણ સમિતિની મહેનત હોય તો સમિતિની તમામ 321 શાળાઓ આ અમુક શાળાઓ જેવી જ હોવી જોઈએ. હવે, શિક્ષકો, આચાર્યો, વાલીઓ અને દાતાઓની મહેનત અને નિષ્ઠાને કારણે ગુણવત્તાયુક્ત બનેલી આ શાળાઓમાં ભાજપને પાછલા બારણે પોતાના કાર્યકર્તાઓના બાળકોના એડમીશન કરાવવા છે. ભાજપના કાર્યકર્તાઓના બાળકોને પણ સરકારી શાળામાં એડમીશનનો સમાન અધિકાર છે પણ એ એડમીશન યોગ્ય પ્રક્રિયા દ્વારા મળવું જોઈએ, નહી કે અન્ય બાળકોના અધિકારો ઉપર તરાપ મારીને. આવું દુષ્કૃત્ય કરીને ભાજપ સ્વીકારે છે કે ગુજરાતમાં પૂરતી સરકારી શાળાઓનો ખુબ જ અભાવ છે અને જે શાળાઓ છે એમાં પણ અમુક જ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે. જો પૂરતી સરકારી શાળાઓ હોત અને એ બધી જ શાળાઓ જો ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી હોત તો ભાજપે આવું કરવું જ ન પડત. 4800 કરોડથી વધુ સંપત્તિ ધરાવતી ભાજપ પાસે પોતાના આલીશાન કાર્યાલયો ખોલવા માટે પૈસા છે પણ સામાન્ય નાગરિકો માટે શાળાઓ ખોલવાના પૈસા સરકાર પાસે નથી. શાસકપક્ષનું કામ ગેરકાનૂની કાર્યોને રોકવાનું હોય છે એમાં શાસકપક્ષ જ જો પોતે આવી પ્રવૃત્તિઓમાં સંમિલિત થશે તો ગેરકાનૂની પ્રવૃત્તિઓને કેવી રીતે રોકી શકશે ? જે શાળાઓ શિક્ષકો, આચાર્યો, વાલીઓ અને દાતાઓની મહેનત અને નિષ્ઠાને કારણે ગુણવત્તાયુક્ત બનેલી છે એ શાળાના આચાર્યો ઉપર જો આવા ખોટા રાજકીય દબાણો ઉત્પન્ન કરીશું તો ભવિષ્યમાં કોઈ આચાર્ય શાળાના વિકાસમાં રસ નહી લે. આચાર્યો અને શિક્ષકોને પ્રોત્સાહિત ન કરીએ તો કઈ નહી પણ કમ સે કમ હતોત્સાહ તો ન જ કરવા જોઈએ.
• માત્ર આ સાત શાળાઓના આચાર્યોને જ કેમ બોલાવવામાં આવ્યા હતાં ?
• આ મિટિંગના લેખિત એજન્ડાઓ આપવામાં આવ્યા હતાં ?
• મિટિંગ પૂરી થયાં બાદ એનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે ?
• જો મિટિંગમાં કોઈ ખોટું કામ કરવાની ભાજપની ઈચ્છા ન હતી તો કચેરીમાં હાજર હોવા છતાંય વિપક્ષના સદસ્યને કેમ મિટિંગથી દૂર રાખવામાં આવ્યા હતાં ?
આ તમામ સવાલો ઘણું બધું કહી જાય છે એટલે અમારી માંગણી છે કે એડમીશનની પ્રક્રિયા એકદમ પારદર્શક રીતે કરવામાં આવે અને જે શાળાઓમાં ઉપલબ્ધ સીટોની સંખ્યા કરતાં પ્રવેશફોર્મની સંખ્યા વધુ થાય એ શાળાઓમાં ડ્રો સીસ્ટમથી જ પ્રવેશ આપવામાં આવે. આ ડ્રો પણ તમામ વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની હાજરીમાં કરવામાં આવે અને સંપૂર્ણ પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવે. જે શાળાઓમાં ઉપલબ્ધ સીટોની સંખ્યા કરતાં પ્રવેશફોર્મની સંખ્યા વધુ થાય એ શાળાઓમાં ડ્રો વિના એકપણ એડમીશન આપવામાં ન આવે.