કૉંગ્રેસ નેતાઓએ સિનિયર ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
અમદાવાદ
ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાનું નિધન, આજે બપોરે એક કલાકે તેમનું ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ છે. ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા (MLA Dr. Anil Joshiyara) નું નિધન થયું છે. અનિલ જોષીયારાનું 69 વર્ષે કોરોનાથી નિધન થયુ છે. તેઓની સારવાર ચેન્નાઇમાં ચાલી રહી હતી. આજે બપોરે એક કલાકે તેમનું ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ છે.ડો. અનિલ જોષીયારા કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમનાં ફેફસાંમાં વધુ તકલીફ જણાતા તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ લઈ જવાયાં હતા. જ્યાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, છેલ્લી પાંચ ટર્મથી ભિલોડા વિધાનસભા બેઠક ઉપર પ્રચંડ બહુમતીથી કોંગ્રેસમાંથી ચૂંટાઇ આવનાર પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનીલ જોષીયારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા. સેવા ભાવનાથી વરાયેલા વ્યવસાયે સફળ તબીબ સ્વ. અનિલ જોષીયારા પ્રજાપ્રિય અને જમીન સ્તરે લોકોની વચ્ચે જઈને સતત કામ કરતા હતા. ખુબ શાંત અને સરળ સ્વભાવની સાથે ખુબ સાદગીથી જીવન જીવતા હતા. વિધાનસભામાં વિસ્તારના પ્રશ્નો અંગે અભ્યાસપૂર્ણ, તર્ક બધ્ધ દલીલો સાથે જનસમસ્યાને વાચા આપતા હતા. મિલનસાર સ્વભાવ, નાનામાં નાના લોકો વચ્ચે વાતચીત કરી સામાન્ય લોકોની વાત સાંભળવી તેમનો આગવો સ્વભાવ હતો.
સ્વ. ડૉ. અનિલ જોષીયારાના નિધનથી કોંગ્રેસ પક્ષે અને ગુજરાતે, ખાસ કરીને આદિવાસી સમાજે સરળ, સક્ષમ, લાગણીશીલ વરિષ્ઠ જનપ્રતિનિધિ ગુમાવ્યાં છે. તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની પરમકૃપાળું પરમાત્મા શક્તિ આપે.
અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કર્મઠ અને કર્મશીલ, સરળ સ્વભાવના પાંચ વખત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા ડૉ. અનિલ જોષીયારાના નિધનથી પારાવાર દુઃખની લાગણી અનુભવું છું. કોંગ્રેસ પક્ષના માધ્યમથી આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા પહોંચાડવા અને સામાજીક ન્યાય માટે ડૉ. અનિલ જોષીયારા સતત કાર્યરત હતા. સમગ્ર કોંગ્રેસ પક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા મોહનસિંહ રાઠવા, નરેશભાઈ રાવલ, પરેશ ધાનાણી સહિતના આગેવાનોએ સ્વ. ડૉ. અનિલ જોષીયારાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીને શોકાંજલી પાઠવી હતી.