અમદાવાદ
એ.આઈ.સી.સી.ના ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્મા એ જણાવ્યું હતું કે, ભાજપની નીતિ જન વિરોધી છે. ભાજપાના શાસનમાં આદિવાસી સમાજને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. આદિવાસી યુવા નેતા રાજ વસાવા શિક્ષીત અને આદિવાસીના પ્રશ્નો વિશે જાણકાર છે. કોંગ્રેસ પક્ષમાં રાજ વસાવાના જોડાવાથી આદિવાસી સમાજ માટે તેઓ જે લડાઈ લડતા હતા તે લડાઈને વધુ મજબૂતથી લડી શકશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપાની નીતિના લીધે આદિવાસી સમાજ સહિત દરેક વર્ગ અનેક તકલીફોનો સામનો કરી રહી રહ્યાં છે. રાજ વસાવા કોંગ્રેસ પક્ષમાં જોડાતા આદિવાસી સમાજ માટેની લડતમાં – તાકાતમાં ઉમેરો થશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને વિસ્થાપીત કરવાની ભાજપાની સરકારની નીતિ રહી છે. સૌ સાથે મળીને આદિવાસી સમાજના હક્ક અધિકાર માટેની લડત મજબુતાઈથી લડીશું.
બી.ટી.પી.ના યુવા નેતા રાજ વસાવા કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની સંસ્કૃતિ અને ઓળખ પર ભાજપ સરકાર સતત હુમલો કરી રહી છે. વિકાસના મોટા મોટા પ્રોજેક્ટના નામે આદિવાસી પરિવારોને બેઘર કરવામાં આવે છે. જળ, જંગલ અને જમીન પર ગેરકાયદેસર કંપનીઓના નામે પોલિસના ડંડાથી, અત્યાચારથી કબજો કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ કોંગ્રેસ પક્ષની નીતિ હંમેશા આદિવાસી સમાજને હક્ક અને અધિકાર આપવાની રહી છે. 10 વર્ષ કરતા વધુ સમયથી આદિવાસી સમાજના હજારો યુવાનો વચ્ચે લડત ચલાવી રહ્યો છું ત્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાઈને આદિવાસી સમાજની હક્ક અને અધિકારની લડાઈ વધુ મજબુત બનશે તેનો મને વિશ્વાસ છે.
રાજ વસાવાના કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાવાના કાર્યક્રમમાં એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ અને બિશ્વરંજન મોહંતી, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, એ.આઈ.સી.સી. સોશીયલ મીડીયાના અધ્યક્ષ રોહન ગુપ્તા, ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદિપ માંગરોળા, પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી ઉપસ્થિત રહ્યાં હતાં.