પ્રશાંત કિશોર
ગાંધીનગર
ગુજરાતમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી માટે રણનીતિકાર તરીકેની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોરના કૉંગ્રેસમાં જોડાવાથી ગુજરાતની આગામી ચૂંટણીનાં પરિણામો પર તેની કેવી અસર ? તેની ચર્ચા શરૂ થઈ છે
ગુજરાતના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ
જો પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય તો ભાજપને 2017 કરતાં વધારે નુકસાન થાય’, આ શબ્દો ગુજરાતના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના છે. અહેવાલો પ્રમાણે પ્રશાંત કિશોર સાથે કૉંગ્રેસની બેઠકો થઈ છે અને એવો ક્યાસ કાઢવામાં આવે છે કે પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું કૅમ્પેન મૅનેજ કરી શકે છે.
ગુજરાતમાં પાછલા ઘણા દિવસોથી પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાશે તેવી વાતો વહેતી થતા રાજ્યમાં ચૂંટણીનો માહોલ સક્રિય બન્યો હતો.આ વાત અંગે મત વ્યક્ત કરતાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉ. હરિ જણાવે છે કે”હાલ એવા અહેવાલો છે કે નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે તો પ્રશાંત કિશોર તેમની સાથે રહેશે. જો આવું હકીકતમાં પરિણમે તો હું ચોક્ક્સપણે કહી શકું કે ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી કરતાં ભાજપની ખરાબ હાલત થશે અને કૉંગ્રેસને લાભ થશે.”નોંધનીય છે કે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઇનિંગ પાટીદાર આંદોલનના પગલે 99 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. પાટીદારોના પ્રભુત્વવાળા ઘણા વિસ્તારોમાં ભાજપને નુકસાન થયું હતું.ગત ચૂંટણીમાં ભાજપને જીતવામાં ફાંફાં પડી ગયાં હતાં. તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ આ વખત સર્જાઈ શકે છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી પણ માને છે કે જો ગુજરાતમાં પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય તો કૉંગ્રેસને ચોક્કસપણે ફાયદો થઈ શકે. તેઓ આ ફાયદા માટેની પૂર્વશરત સૂચવતાં તેઓ કહે છે કે, “આ લાભ ત્યારે જ થઈ શકે, જ્યારે પ્રશાંત કિશોર ગુજરાત ભાજપ સાથેના પોતાના અંગત સંબંધોમાંથી બહાર આવે.” એક ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોર અન્યથી એક બાબતમાં અલગ છે, તે બાબત એ છે કે તેઓ એક પેઇડ પ્રૉફેશનલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે. તેમની પાસે મોટી રિસર્ચ ટીમ છે અને તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણીમાં જીત મળી પછી પ્રશાંત કિશોરનો દબદબો વધ્યો છે, કારણ કે ભાજપના પડકારનો સામનો કઈ રીતે કરવો એ બાબતે તેઓ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ને સતત સલાહ આપી રહ્યા હતા. કેટલાક લોકો માને છે કે તેમની સલાહથી મમતા બેનરજીને ફાયદો થયો છે.
મુંબઈ સ્થિત લેખક અને પત્રકાર પ્રશાંત કુલકર્ણી એવું માને છે કે 2024માં નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષને સાથે લાવવાની તૈયારી કરી રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલ કહે છે, “પ્રશાંત કિશોર 2024ની સામાન્ય ચૂંટણીમાં મોરચા સરકારના કિંગમેકર બનવા ઇચ્છે છે.”
પ્રશાંત કિશોરને કેટલાક રાજકીય વિશ્લેષકો 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતનો શ્રેય આપે છે, તેઓ 2014ની ચૂંટણીના પ્રચારમાં પડદા પાછળનો ચહેરો હતા. 2014ની નરેન્દ્ર મોદીની જીત ઉપરાંત 2017ની કૅપ્ટન અમરિંદરસિંહની જીત, 2019ની જગન રેડ્ડીની જીત અને તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીની જીતનો શ્રેય પણ તેમની ઝોળીમાં છે.