અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભુવાલડી ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવયુગલોને આશીર્વચન આપવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ઠાકોર સમાજના ૫૧ નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપતાજણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા અર્થ પૂર્ણ આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે જ પરંતુ સાથે સાથે બિનજરૂરી થતા ખર્ચાઓ પણ અટકાવી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત સરકાર દરેક સમાજને સાથે રાખી આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહથી આવરી લેવાય તે સરકારની નેમ છે. તેમણે સમૂહ લગ્નના આયોજક જે.કે ગૃપ તથા સમાજના આગેવાનો, દાતાઓ તેમજ આયોજન સમિતિના આગેવાનોને સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન આપ્યા હતા.