કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા નવતર આયામોએ ગુજરાતના શિક્ષણને નવી ઉર્જા બક્ષી છે : ડૉ. જગદીશ ભાવસાર
અમદાવાદ
શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ મા.જે. પુસ્તકાલયમાં ‘ગુજરાતનું શિક્ષણ : વર્તમાન અને ભવિષ્ય’ એ વિષય ઉપર રસપ્રદ જ્ઞાનગોષ્ઠિનું આયોજન શનિવાર ૯મી જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું.સમારંભના મુખ્ય મહેમાન તરીકે પધારેલ ડૉ. મફતભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીતા અને નિર્ણાયક શક્તિની પ્રશંસા કરીને આવનારી ‘નવી શિક્ષણ નીતિ’ગુજરાતમાં દસ વર્ષમાં ક્રાંતિકારી સકારાત્મક પરિણામો લાવશે તેવી શ્રધ્ધા અને વિશ્વાસ વ્યક્ત કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ૩૪ હજાર કરોડ રૂપિયાનું માતબર બજેટ શિક્ષણ માટે ફાળવવામાં આવ્યું તેને ઐતિહાસિક ગણાવી આવનારા સમયમાં ૧૬ હજારથી વધુ વર્ગખંડો અને શિક્ષકોની ભરતી અંગેના સકારાત્મક અભિગમને ડૉ. મફતભાઈએ બિરદાવ્યો હતો. અમદાવાદમાં સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષણક્ષેત્રે કરવામાં આવેલ નવતર અભિગમો બિરદાવીને સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજયભાઈ મહેતા અને પૂર્વ ચેરમેન ડૉ.જગદીશભાઈ ભાવસારને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.ગુણોત્સવ, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ જેવા નવતર અભિગમો દ્વારા ગુજરાતના શિક્ષણમાં નોંધપાત્ર ગુણાત્મક સુધારો થયો છે એમ ડૉ. જગદીશ ભાવસારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
જ્ઞાનગોષ્ઠિના બીજા વક્તા ડૉ. કિરીટભાઈ જોષીએ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે સ્ટેમ લેબ, સ્માર્ટ કલાસ, સ્માર્ટબોર્ડ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, રક્ષાશક્તિ યુનિવર્સિટી, યોગા યુનિવર્સિટી જેવા નવતર આયામોને આવકાર્યા હતા. આગામી સમયમાં સ્માર્ટ લર્નીંગની સાથે મૂલ્ય આધારિત શિક્ષણ, શિક્ષકગણમાં પણ મૂલ્ય આધારીત વ્યક્તિત્વ વિકાસ ઉપર તેમણે ભાર મૂક્યો હતો. ભવિષ્યમાં ઈન્ટરનેટના માધ્યમથી ડીસ્ટન્સ લર્નીંગમાં ગુણવત્તાસભર પ્રશિક્ષણ સમયની જરૂરિયાત બની રહેશે એમ તેમણે શિક્ષકગણને જણાવ્યું હતું. જ્ઞાનગોષ્ઠિમાં પોતાના વિચારો રજૂ કરતાં શ્રી જયવંત પંડ્યાએ ગુજરાત રાજ્યના અને અન્ય રાજ્યોના શિક્ષણના તુલનાત્મક આંકડા રજૂ કરીને ગુજરાત રાજ્યના શિક્ષણમાં થયેલી પ્રગતિને બિરદાવી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાતના શિક્ષણની આંતરમાળખાકીય સુવિધા અને પ્રશિક્ષણની કરેલી પ્રશંસાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતમાં શિક્ષણ માટે સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સમગ્ર ભારતને દિશાદર્શન કરનાર છે, તેમ જણાવ્યું હતું.
ઉપરોક્ત સમારંભનું અધ્યક્ષ સ્થાન મ્યુનિ. સ્કૂલબોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતાએ શોભાવ્યું હતું. શેઠ મા.જે. પુસ્તકાલયના વિદ્વાન સભ્ય ડૉ. હેમન્ત ભટ્ટ અને ગ્રંથપાલશ્રી ડૉ. બિપીન મોદીએ જ્ઞાનગોષ્ઠિના કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધીને સૌને આ કાર્યક્રમમાં આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા ઉદ્ઘોષક, લેખક, સંપાદક શ્રી દધીચિ ઠાકરે સંભાળ્યું હતું. આ વૈચારિક જ્ઞાનગોષ્ઠિમાં શિક્ષકો, પ્રબુધ્ધ નાગરિકો, ચિંતકો અને યુવક – યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.