ગુજરાતમાં ચૂંટણીઓની મોસમની હજુ વાર છે, પણ ખીલા ગઈ છે, ત્યારે રાજકારણમાં કોની પાસે કેવું સંગઠન અને કેવું નેટવર્ક છે, તે રાજકીય પક્ષો ચાંપતી નજર રાખતા હોય છે, ત્યારે GJ-18 વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી GJ-18 ના વોર્ડ નંબર -૩નાં પૂર્વે કોર્પોરેટરો સહિત કાર્યકરોને પ્રદેશ કક્ષાના નામે ત્રણ મોબાઈલ નંબરો પરથી ફોન કરીને વોર્ડની માહિતી માંગવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ કક્ષાએથી માહિતી માંગવામાં આવતાં ઘણા કાર્યકરો માંગવામાં આવતી વિગતો પણ આપી દીધી છે. જાેકે, આ ફોન અંગે કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થવા લાગતા આખરે શહેર પ્રમુખ રુચિર ભટ્ટને કાર્યકરોને કોઈ માહિતી નહીં આપવા માટે તાકીદ કરીને પોલીસ કેસ કરવામાં આવશે તેમ કહેવા પણ સૂચન કરાયું છે.
વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો મેરેથોન બેઠકો યોજીને બુથ લેવલથી માંડીને જ્ઞાતિ સમીકરણના સોગઠાં ગોઠવવામાં વ્યસ્ત થઈ ગયા છે. ચૂંટણીને લઈને પ્રતિસ્પર્ધી પાર્ટીની રાજકીય ગતિવિધિ જાણવા માટે પણ અવનવા પેતરા અજમાવવામાં આવતાં હોવાની વાત નવી રહી નથી. એવામાં છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર ભાજપના કાર્યકરોને અજાણ્યા ત્રણ નંબરો પરથી ફોન કરવામાં આવી રહ્યો છે.
ભાજપ પ્રદેશનાં નામથી વાતચીતનો દોર શરૂ કરનાર કાર્યકરોને નામ ઠામ તેમજ વોર્ડ નંબર તેમજ હોદ્દા સહિતની વિગતો પૂછવામાં આવી રહી છે. તો પ્રદેશથી ફોન આવ્યો હોવાનું માનીને ઘણા કાર્યકરો અજાણ્યા ટેલિકોલરને પોતાના વોર્ડની માહિતી પણ આપી ચૂક્યા છે. જ્યારે ઘણાં શાણા કાર્યકરો ફોન કરનારને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતાં સામેથી ફોન કટ કરી દેવામાં આવી રહ્યો છે.આ સિલસિલો છેલ્લા ઘણા દિવસથી શરૂ થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર -૩ એટલે કે સેકટર -૨૪, ૨૭ અને ૨૮ ના ભાજપના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરોને ત્રણ અલગ અલગ નંબરો પરથી ફોન થઈ રહ્યા છે. જેનાં કારણે કાર્યકરો પણ પ્રદેશના નામે આવતાં ફોન કોલથી માહિતી આપવી કે નહિ તેની અવઢવમાં મુકાઈ ગયા છે. ભાજપ કાર્યકરો બીજાને ફોન કોલ બાબતે એકબીજાને પૂછીને ખરાઈ પણ કરી રહ્યા છે. ઘણાએ ફોન કરનારનું નામ જાણવા ટ્રૂકોલરમાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે.ત્રણેય નંબરની કોઈ વિગતો સામે આવી રહી નથી. બીજી તરફ કાર્યકરોમાં અજાણ્યા ફોન કોલનો ગણગણાટ શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો. જેનાં પગલે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા એક સંદેશો કાર્યકરોને પાઠવીને કહેવાઈ રહ્યું છે કે, પ્રદેશમાંથી અથવા ગાંધીનગર મહાનગરમાંથી બોલું છું એમ કહીને માહિતી માંગવામાં આવે તો કાર્યકરોએ આપવી નહીં, ફોન કરનારને પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ કહેવું.
આ અંગે ભાજપા શહેર પ્રમુખ રુચિર ભટ્ટે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે તો કાર્યકરો જ રહ્યા નથી. જે રીતે ફોન કરીને વિગતો તેમજ આમ આદમી પાર્ટી વિશે પૂછવામાં આવી રહ્યું છે એના પરથી આમ આદમી પાર્ટી દ્વારા ફોન કરવામાં આવતો હોવાનો તેમણે આક્ષેપ પણ કર્યો હતો. વધુમાં રુચિર ભટ્ટે ઉમેર્યું હતું કે, કાર્યકરોને અજાણ્યા નંબર પરથી ફોન આવે તો વિગતો નહીં આપવા તેમજ પોલીસ કેસ કરવામાં આવશે તેમ કહેવા માટે જણાવવામાં આવ્યું છે.