બે સિનિયર કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી
ગાંધીનગર
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો તરફ થી જાણવા મળ્યું છે.બે સિનિયર કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે.રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ લઈ હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ લઈ જગદીશ પંચાલને સોંપવામાં આવ્યું છે પરંતુ આ અંગે સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે રાજકીય વર્તળુમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બંને નેતાઓની કામગીરી ખૂબ જ નિરાશાજનક રહી હતી. બંને નેતાઓ સરકારને ગાંઠ્યા વગર કામ કરતા હતા. પોતાના વિભાગના નિર્ણય અથવા કર્મચારીઓની બદલી જાતે જ કરતા હતા. ઉપરાંત તેમની ખૂબ જ ફરિયાદો પણ મળી હતી.જેથી રાજ્યના મુખ્યમંત્રીએ મક્કમ નિર્ણય લેતા બંને નેતાઓ પાસેથી મહત્વના ખાતા છીનવી લેવામાં આવ્યા છે.તો બીજી તરફ અમિત શાહ ગઇકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આજે મંત્રીમંડળમાં ફેરફારો થયા છે.ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં મોટા ફેરફાર વચ્ચે આવતીકાલે રવિવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગમન પહેલાં જ ભૂપેન્દ્ર પટેલના બે મોટા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને કદ પ્રમાણે વેતરવામાં આવ્યા છે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ મોરચા અને નેતાઓની અલગ અલગ બેઠક યોજાવાની છે. જેમાં તેઓ હાજર રહેવાના છે. જ્યારે રવિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થવાની છે.છે. તેવામાં ભાજપ હાઈ કમાન્ડની સૂચનાથી ફેરફારોની રાજકીય ચર્ચાઓ વચ્ચે આવનાર સમયમાં હજુ પણ મોટો ફેરફારો થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગની લેબ બની રહી છે. ત્યારે હજુ પણ ફેરફારો થઈ શકે છે.
અમદાવાદના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમની સારી કામગીરીનો રિવોર્ડ મળ્યો અને કેબિનેટમાં પ્રમોશન મળ્યું તેવું પણ કહી શકાય. હર્ષ સંઘવી પાસે ભલે ગૃહ જેવું અગત્યનું મંત્રાલય હોય પરંતુ તે હતા તો રાજ્યકક્ષાના જ મંત્રી. હવે મહેસુલ જેવું મહત્ત્વનું મંત્રાલય તેમને મળ્યું એટલે સીધું કેબિનેટમાં પ્રમોશન મળ્યું એ પણ માની શકાય. જ્યારે જગદીશ પંચાલ સહકાર અને કુટિર ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી હતા, જેમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રિવોર્ડ અપાયાનું મનાય છે.