વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૫૦ પ્લસ બેઠકો કબજે કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ પાટિલ અગાઉ પણ પણ વારંવાર નિવેદન આપી ચૂક્યા છે કે, ૧૦૦ નવા ઉમેદવાર શોધવાના છે. સતત ત્રણ ટર્મથી ચૂંટાતા અને જૂના જાેગી નેતાઓની ટિકીટ કપાય શકે છે તેવો મોગમમાં ઇશારો પણ કરી ચૂક્યા છે.પાટિલ મ્યુનિ.ની ચૂંટણીઓમાં નો-રિપીટ થિયરી અમલી કરી ચૂક્યા છે અને તેમાં સફળતા મેળવી ચૂક્યા છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ નો-રિપીટ થિયરી અમલી કરે તો નવાઇ જેવું લાગશે નહીં. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત આખે આખું મંત્રીમંડળ ઘેરભેગું કર્યા બાદ નવોદીત મુખ્યમંત્રીથી લઇ નવોદીત મંત્રીઓને લાવવામાં આવ્યા હતા અને હવે આગામી ચૂંટણીમાં પણ ભાજપ આ દાવ ખેલી શકે છે. જેને લઇ જૂનાજેગીઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. કોંગ્રેસ છોડીને આવેલા કેટલાય ધારાસભ્યોને હજુ ટિકિટનું કન્ફર્મેશન મળતું નથી જેના કારણે તેમના જીવ તાળવે ચોંટ્યા છે. જાે કે, છેલ્લી ઘડીએ પોતાનું પત્તું કપાય તો આપ કે કોંગ્રેસમાં જાેડાવવાનો વિકલ્પ પણ ખૂલ્લો રાખ્યો છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલે કહ્યું હતું કે, ૧૦૦ જેટલા જૂનાજાેગીઓની ટિકીટ કાપવામાં આવશે જેના કારણે અનેક નેતાઓના બીપી હાઈ થઈ ગયા હતા. બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુઓની ટિકીટ ઉપર તો તલવાર લટકી રહી છે અને તેમની ટિકીટો કપાઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ નો-રિપીટ થિયરી અમલી કરી શકે છે અને જાે તેમ થાય તો ૧૦૦થી વધારે નેતાઓના રાજકીય અસ્તિત્વ સામે સવાલ ઊભો થઈ શકે છે. આવા નેતાઓની હાલત કફોડી બની શકે છે અને તેમના ચૂંટણી લડવાના અભરખા અધૂરા જ રહી શકે છે. ભાજપ હવે નો-રિપીટ થિયરી અપનાવીને કહેવાતા દિગ્ગજ અને જૂનાજાેગી નેતાઓને ઘેર બેસાડવાની તૈયારીમાં લાગ્યો છે. ૧૦૦થી વધારે ધારાસભ્યોની ટિકીટ કપાઇ શકે છે અને તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત કરી દેવામાં આવશે. જાે કે, કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના નેતાઓને ઘેર બેસાડવાની તૈયારીઓ થઇ ચૂકી છે અને આવા નેતાઓ ફરીથી પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસનો પંજાે પકડી શકે છે.
છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસમાંથી ૨૧ ધારાસભ્યો ભાજપમાં ભળ્યા છે અને હજુ આગામી દિવસોમાં બીજા ધારાસભ્યો પણ કેસરિયા રંગમાં રંગાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કુંવરજી બાવળિયા ૨૦૧૮માં જસદણ બેઠક ઉપરથી લડ્યા હતા અને પેટા ચૂંટણી જીત્યા હતા અને તેમણે રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી પણ બનાવાયા હતા. જાે કે, આ મંત્રીપદ બહુ લાંબું ચાલ્યું નહોતું અને રૂપાણી સરકારના પતન પછી તેઓનું મંત્રીપદ પણ છીનવાઇ ગયું હતું. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને સ્થાન ન મળતાં પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. જાે કે, હવે પાટિલ તેમના માટે સંકટમોચક બનીને વ્હારે આવ્યા છે અને જસદણમાં તેમની ટિકીટ પાક્કી કરી દીધી છે. માણાવદર બેઠક ઉપરથી જવાહર ચાવડા ૨૦૧૯માં ભાજપમાંથી પેટા ચૂંટણી જીત્યા હતા અને તેમને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમની પણ બાદબાકી કરી દેવામાં આવી હતી. રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યમાથી ૨૦૧૯માં ભાજપ તરફથી પેટાચૂંટણી જીત્યા હતા અને વોટબેન્કના આધારે તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રી મંત્રી બનાવાયા છે. ડો.આશાબેન પટેલ પણ ઊંઝા બેઠક ઉપરથી ૨૦૧૯માં પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીત્યા હતા. જાે કે, ડીસેમ્બરમાં કોરોનાના કારણે તેમનું અવસાન થયું હતું અને હવે આ બેઠક ખાલી પડી છે. સિદ્દપુર બેઠક ઉપરથી બળવંતસિંહ રાજપૂત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર હતા પણ તેમની હાર થઈ હતી. સાણંદ બેઠકના ઉમેદવાર કરમશી પટેલ ભાજપમાં ભળ્યા હતા અને તેમના દીકરા કનુ પટેલને ટિકીટ મળી હતી અને તેઓ જીત્યા હતા. માણસા બેઠક ઉપરથી અમિત ચૌધરી ૨૦૧૭માં ભાજપ તરફથી પેટા ચૂંટણી લડ્યા હતા પણ હાર થઇ હતી. સ્વ. વિઠ્ઠલ રાદડીયાના પુત્ર ૧ જયેશ રાદડીયા ૨૦૧૭માં જેતપુરથી પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીત્યા હતા અને રૂપાણી સરકારમાં મંત્રી બનાવાયા હતા પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમનું પત્તું કાપી નાખવામાં આવ્યું હતું. આ સિવાય ઠાસરા બેઠક ઉપરથી રામસિંહ પરમાર ૨૦૧૭માં ભાજપ તરફથી મેદાનમાં ઉતર્યા હતા પણ હાર થઇ હતી. વિરમગામ બેઠક ઉપરથી તેજશ્રીબેન પટેલની પણ ૨૦૧૭ની પેટા ચૂંટણીમાં હાર થઇ હતી. બાલાસિનોર બેઠક ઉપરથી માનસિંહ ચૌહાણ ૨૦૧૭માં ભાજપ તરફથી લડ્યા હતા અને હાર્યા હતા. હિંમતનગરથી રાજેન્દ્ર ચાવડા ભાજપ તરફથી જીત્યા હતા. ચંદ્રસિંહ રાઓલજી ગોધરા બેઠક ઉપરથી જીત્યા હતા, ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર (ઉત્તર) બેઠક ઉપરથી ૨૦૧૭માં ભાજપ તરફથી જીત્યા હતા. કરજણથી અક્ષય પટેલ ભાજપ તરફથી જીત્યા હતા, મોરબીથી બ્રિજેશ મેરઝા પણ જીત્યા હતા, કપરાડાથી જીતુ ચૌધરી પણ જીત્યા હતા, અબડાસાથી પ્રધુમનસિંહ જાડેજા ૨૦૨૦માં ભાજપ તરફથી જીત્યા હતા. ધારી બેઠક ઉપરથી જે.વી.કાકડીયા ભાજપ તરફથી જીત્યા હતા. રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર ભાજપમાંથી મેદાનમાં ઉતર્યા હતા પણ હાર થઈ હતી તો અરવલ્લીની બાયડ માલપુર બેઠક ઉપરથી ધવલસિંહ ઝાલાની પણ ભાજપમાંથી હાર થઇ હતી. ભાજપ હારેલા પક્ષપલટુઓ પણ દાવ ખેલે તેવી શક્યતાઓ નહીવત જણાઈ રહી છે તો બીજી તરફ વર્ષોથી ભાજપમાં લોહી પાણી એક કરનારા દાવેદારોને અવગણના કરવી પણ પાલવે તેમ નથી. જ કે, કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટોને ટિકીટ આપવામાં આવે તો ચૂંટણી સમયે ભાજપમાં યાદવાસ્થળી પણ સર્જાઇ શકે છે. હાલ ભાજપમાં સ્થિતિ પ્રવાહી જાેવા મળી રહી છે અને પક્ષપલટો કરીને આવેલા ધારાસભ્યો સ્થિતિને બારીકાઈથી નિહાળી રહ્યા છે. ભાજપમાં ટિકીટ મળી તો ઠીક અને નહીં મળે તો છેલ્લે આપનું ઝાડું કે કોંગ્રેસનો પંજાે પકડવામાં કોઈ સંકોચ રાખશે નહીં.