ભાજપમાં છેલ્લા નવ વર્ષથી કાર્ય કરી રહેલા જયસિંહ રાજપુત 1100 કાર્યકરો સાથે ભાજપનો કેસરિયો છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું : માલધારી બન્યા આપધારી: ઈસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ થી પ્રભાવિત થઈ આજે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી છોડી 1500 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.જયસિંહ રાજપુત જે ભાજપા ભાષા ભાષી સેલના સીટી યુવા કન્વીનર છે, હેમન્ત પાટીલ જે કોંગ્રેસના કાર્યકર્તા છે અને સુનિલ યાદવ જે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આાદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સુરતના ઉધના વિસ્તારમાંથી ભાજપમાં છેલ્લા નવેક વર્ષથી કાર્ય કરી રહેલા જયસિંહ રાજપુત તેમના 1100 કાર્યકરો સાથે ભાજપનો કેસરિયો છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું છે. જયસિંહ રાજપુતે જણાવ્યું છે કે, છેલ્લા એકાદ દાયકા જેટલો સમય ભાજપમાં વિતાવવા છતાં લોકોનાં કામ થતાં નહોતા.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ મહાઆંદોલનમાં મહત્વનો ભાગ ભજવનાર પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે થોડા સમય પહેલાં પોલીસ ખાતામાં ૨૧ વર્ષ ની પેન્શન વાળી નોકરીથી રાજીનામું આપ્યું છે. તથા કોરોના કાળથી આજદિન સુધી સામાજિક કાર્યોમાં જસીબા સેવા ટ્રસ્ટના સંસ્થાપક તથા ક્ષત્રિય એકતા સંગઠનના સંસ્થાપક તરીકે સામાજિક સેવાઓ કરી રહ્યા છે. હાલમાં નરેન્દ્રસિંહ પરમાર આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે જોડાઈ પાર્ટીની કામગીરી કરી રહ્યા છે. અને સાથે પોલીસ પરિવારનો દિકરો આંદોલનકારી રાહુલ રાવલ જેણે પોલીસ ગ્રેડ-પે આંદોલનમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે અને જે હાલમાં બી.એ. ઇકોનોમિક્સ વિદ્યાર્થી છે તે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે . આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, અમે ગુજરાતની જનતાનો વિશ્વાસ ડગમગાવા નહિ દઈએ. જનતાના પ્રશ્નોના ઉકેલ માટે મહેનત કરતા આવ્યા છીએ અને આગળ પણ મહેનત કરીશું. અમને આશા છે કે ભાજપનો અંત આવશે. ગુજરાતના લોકો હવે બદલાવ માંગે છે .
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, એ દિવસ હવે ખુબ જ જલ્દી આવશે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સૌથી મોટું સંગઠન બની જશે. માંડલ ગામ, વિરમગામ વિધાનસભાના માલધારી સમાજના યુવાનો મોટી સંખ્યામાં કિરણભાઈ દેસાઈ જમાલપુર ખાડિયા ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રીના નેતૃત્વ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. ઈસુદાન ગઢવી એ તેમનું હૃદય પૂર્વક સ્વાગત કર્યું અને કહ્યું કે હવે માલધારી બન્યા આપધારી. ગુજરાતમાં ભાજપ દ્વારા થઈ રહેલા ભ્રષ્ટાચાર નો અંત સંભવ છે, સુશાસન સંભવ છે, સકારાત્મક પરિવર્તન સંભવ છે.