અમદાવાદમાં છારોડી ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રી મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ

Spread the love

વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે એ સમાજ આગળ આવ્યો છે : સંગઠન જ મોટી શક્તિ છે : આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુન્નરવાળાની તાકાત વધવાની છે : નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ની એક અનોખી સંસ્કૃતિ વિકસાવી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ છારોડી ખાતે શ્રી મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે એ જ સમાજ આગળ આવ્યો છે. રાજ્યના મોદી સમાજે આ વાતને પ્રાધાન્ય આપીને સમાજના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરતું શૈક્ષણિક સંકુલ નિર્માણ કર્યું છે તે સાચી દિશામાં રસ્તો છે. સાથે-સાથે આજ રસ્તે સમાજ કલ્યાણની દિશાઓ ખુલવાની છે એમ તેમણે ઉમેર્યું હતું.ગઇકાલે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું અને સમાજના આર્શીવાદ લેવા એ ધન્ય ઘડી છે. મોદી સમાજ અંત્યત સામાન્ય જીવન જીવતો નાનો સમાજ છે. તેમ છતાંય સંકુલ નિર્માણનું ભીગરથ કાર્ય સમાજના સહયોગથી પૂર્ણ થયું છે એ અભિનંદનીય છે. સાથે-સાથે સમાજે એક ચોક્કસ લક્ષ્ય સાથે આ કામ પૂર્ણ કર્યું છે તે સાચી દિશાનું પગલું છે.વડાપ્રધાને મોદી સમાજના શિસ્ત અને સૌમ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ એવો સમાજ છે જે ક્યારેય કોઇને નડ્યો નથી. સંગઠન જ મોટી શક્તિ છે તે વાત આજે સમસ્ત મોદી સમાજે પુરવાર કરી છે. રાજ્યમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહ્યા અને બે વખત વડાપ્રધાન પદે રહ્યા તેમ છતાંય સમાજની એક પણ વ્યક્તિ મારી પાસે કોઇ પણ કામ લઇને આવી નથી. એના દ્વારા સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી છે. સાથે-સાથે મારો પરિવાર અને મારો સમાજ મારાથી દૂર રહ્યા છે એટલે વ્યક્તિગત રીતે મારા માટે આજે સમાજના ઋણ સ્વીકારનો અવસર છે. આ સમાજને હું આદરપૂર્વક વંદન કરું છું. સિંગાપોરમાં ત્યાના વડાપ્રધાને તેમના વિસ્તારમાં બનાવેલી એક નાની આઇ.ટી.આઇ.નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ આઇ.ટી.આઇ.માં કૌશલ્ય વર્ધનને અગ્રિમતા આપી છે. આજ રીતે આપણે ત્યાં પણ આજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને તે ઇચ્છનીય તો છે જ પરંતુ બાળકોના કૌશલ્ય વર્ધનને પણ આપણે ચોક્કસ આકાર આપવો પડશે. યુવાનો સ્કિલ ડેવલોપમેન્ટ માં આગળ વધે .હુન્નર હશે તો ક્યારેય પાછા વળીને જોવું નહીં પડે એ સર્વ સત્ય છે. ત્યારે આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુન્નરવાળાની તાકાત વધવાની છે એ પણ એટલું જ સત્ય છે. શ્રમની પ્રતિષ્ઠા જ પ્રગતિનું ઔષધ છે. આવનારી પેઢી શ્રમ-કૌશલ્યના પગલે જ વધુ પ્રગતિ કરી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોદી શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ની એક અનોખી સંસ્કૃતિ વિકસાવી છે. એટલુ જ નહિ સમગ્ર દેશના જરૂરિયાતમંદ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો છે. સમાજના દરેક વર્ગના હિતને ધ્યાને રાખીને સર્વપોષક, સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા આપી છે અને વિકાસની રાજનીતિનો માર્ગ દેશને વડાપ્રધાન શ્રીએ બતાવ્યો છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તો સમાજના દરેક વર્ગને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન સહિતની પાયાની સુવિધા પહોંચાડે છે, પણ જ્યારે સામાજની સંગઠનશક્તિ ખભેથી ખભા મિલાવીને, સમાજ કલ્યાણ માટે આગળ આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે અને પરિણામે મોદી શૈક્ષણિક સંકુલ જેવા જનહિત પ્રકલ્પોનું નિર્માણ થાય છે.

મોઢ મોદી સમાજ ગુજરાતનાં નાનાં અને અંતરિયાળ ગામડાંઓમાં વસતો સમાજ છે. આ સમાજના યુવાનો-યુવતી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવે ત્યારે તેમને રહેવા જમવાની સગવડ આ સંકુલમાં મળી રહેશે. આધુનિક સુવિધા સાથેની ૧૨ માળની હોસ્ટેલ તૈયાર થઇ ગઇ છે અને આગામી સમયમાં કોમ્યૂનિટી હોલ બનવાનો છે. આ નવા સંકુલમાં રહી સમાજના યુવાનો ઉચ્ચ-શિક્ષણ ક્ષેત્રે અનેક નવી તકોને ઝડપી શકશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણને આગળ લાવવા અથાગ પ્રયત્નો કરેલા છે. જેના કારણે બે દાયકા પહેલાં ગુજરાતનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો, જે આજે ઘટીને ૨ થી ૩ ટકા સુધી આવી ગયો છે. ગુજરાતમાં પહેલાં માત્ર ૨૭ યુનિવર્સિટીઓ હતી. નરેન્દ્રભાઈએ ગુજરાતના યુવાનોને ઘર આંગણે જ વિશ્વકક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો અને પરિણામે આજે રાજ્યમાં ૧૦૨ યુનિવર્સિટીઓ છે. લોકાર્પણ સમારંભમાં સંબોધન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મોદી શૈક્ષણિક સંકુલ’ની મુલાકાત લઈને દરેક વિભાગ અને વ્યવસ્થાઓને નિહાળી હતી.

સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, અમદાવાદ એજ્યુકેશન હબ હોઇ સમાજના બાળકોને રહેવા ઉપરાંત શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી આ સંકુલનું નિર્માણ કરાયું છે. આ સંકુલ સમસ્ત મોદી સમાજ માટે ઉપયોગી પુરવાર થવા ઉપરાંત મોદી સમાજના તમામ વાડાઓ માટે એક્તાનું કેન્દ્ર બનશે.અત્રે ઉલ્લેખનીય છે કે, સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ દ્વારા નિર્મિત મોદી શૈક્ષણિક સંકુલ અનેક સુવિધાઓ ધરાવે છે. ૪૯૭૮ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ રિસેપ્શન એરિયા, ભવિષ્યમાં સમાજના બાળકો માટે ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો માટેની જગ્યાનું પણ આયોજન, હોસ્ટેલ સંચાલક રૂમ જેવી સુવિધાઓ સાથે આકાર પામ્યું છે. આ ઉપરાત ગેસ્ટ રૂમ, રસોડું અને ડાઇનિંગ હોલની પણ વ્યવસ્થા છે. જ્યારે બીજાથી બાર માળ સુધી દરેક માળે 10 હોસ્ટલ રૂમ કુલ મળી ૧૧૬ હોસ્ટેલ રૂમની વ્યવસ્થાઓ છે. આમ, સંકુલમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને રહેવાની સગવડ ઊભી કરવામાં આવી છે. અંદાજિત રૂ. 20 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા સંકુલમાં હોસ્ટેલ બિલ્ડિંગનું ફેઝ -૧નું સંપૂર્ણ કામ પૂરું થઇ ગયું છે. જયારે બીજા ફેઝમાં સમાજ માટે કોમ્યૂનિટી હોલ આધુનિક સુવિધા સાથે બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પ્રસંગે રાજ્યના પ્રવાસન અને વાહન વ્યવહાર મંત્રી તથા સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પૂર્વ પ્રમુખ પૂર્ણેશ મોદી, રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સાંસદ નરહરિ અમીન, સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પ્રમુખ સોમાભાઈ મોદી, સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ મોદી તેમજ મોદી સમાજના અગ્રણીઓ- લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી મોઢ મોદી વણિક મોદી જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અમદાવાદનાં ઉપપ્રમુખ ડાહ્યાભાઈ મોદીએ જણાવ્યું કે ઘણા વર્ષોનું મોદી સમાજના બાળકો માટે અમદાવાદ જેવા વિકસિત શહેરમાં એક શૈક્ષણિક સંકુલ બનાવવાનું સ્વપ્ન હતું. આ સ્વપ્ન પૂરું કરવા સમાજના અગ્રણીઓના અથાગ પ્રયાસથી છારોડી મુકામે આ સંકુલ માટે ૬૦૦૦ ચો.વા. જમીન બજાર કિંમતના ૫૦% રાહત દરે તે વખતે મુખ્યમંત્રી તરીકે બિરાજતા નરેન્દ્ર મોદીની સરકારે રૂ. ૫ર લાખમાં આ જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ અને તેના કાયદેસરની બાંધકામ પરવાનગી મેળવી શૈક્ષણિક સંકુલ છારોડી મુકામે તા. ૧૬-૦૫ ૨૦૧૩ ના રોજ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શુભ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલની આ જગ્યા પર બાંધકામ શરુ કરવામાં આવેલ. શરૂઆતના તબક્કામાં માત્ર પાંચ માળનું છાત્રાલય બનાવવાના પ્લાન મંજુર કરાવવામાં આવેલ, પરંતુ ભૂમિપૂજન કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કરેલ એક નાની ટકોર ને ધ્યાને લઇ મંજુર થયેલ પ્લાનમાં ફેરફાર કરાવી ૧૨ મજલાનું હાલના હોસ્ટેલ બિલ્ડીંગનું નવેસરથી બાંધકામ શરુ કરવામાં આવ્યું.સદર જમીન ઉપર હાલ બાંધકામ કરવામાં આવેલ હોસ્ટેલ બિલ્ડીંગ ઉપરાંત સમાજ ઉપયોગી કોમ્યુનિટી હોલનું બાંધકામ પણ કરવાનું બાકી છે જે આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. સદરહુ કામ માટે અંદાજવામાં આવેલ કુલ રૂ. ૨૦ કરોડના ખર્ચ સામે હોસ્ટેલ બિલ્ડીંગ માં અંદાજે રૂપિયા ૧૨ કરોડનો ખર્ચ થયો છે. જે પૈકી ભૂમિ પુજન કાર્યક્રમ ના દિવસે થયેલ ઉછામણી દરમ્યાન સમાજના દાનવીર પૈકી સમગ્ર સંકુલના દાતા તરીકે શાંતાબેન કકલદાસ પ્રૌઢ રૂપાલવાળા (બનાસકાંઠા) તરફથી રૂ. ૨.૫૧ કરોડ અને હાલ બંધાયેલ હોસ્ટેલ બિલ્ડિંગના દાતા તરીકે ગં. સ્વ. નાથીબેન ગીરધરલાલ મોદી – બવલચુડીવાળા હાલ-અમદાવાદ હસ્તે – ડાહ્યાભાઈ મોદી તરફથી રૂ. ૧.૫૧ કરોડનું દાન પ્રાપ્ત થયેલ, જયારે ભોજનખંડના દાતા તરીકે વિઠ્ઠલભાઈ કાશીરામ મોદી પરિવાર સંડેર તરફથી રૂ. ૨૫ લાખનું દાન પ્રાપ્ત થયેલ હતું. આ સિવાય દરેક રૂમ દીઠ રૂ. ૬.૫૧ લાખ લેખે ૩૮ રૂમ દાતાઓ તરફથી દાનની રકમ પ્રાપ્ત થયેલ હતી, અને ત્યારબાદ ઉત્તરોત્તર સમાજના લોકો પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૧૦ કરોડનું દાન પ્રાપ્ત થયેલ છે જે પૈકી રૂપિયા બે કરોડ નું નોંધાયેલું દાન આવવાનું બાકી છે.હાલના હોસ્ટેલ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન એરિયા, સંકુલની વહીવટી ઓફિસ, બે રૂમ અને નજીકના ભવિષ્યમાં શરુ થનાર સમાજના બાળકો માટે ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો માટેની જગ્યાનું આયોજન કરેલ છે, જયારે પહેલા માળે બે ગેસ્ટ રૂમ – રસોડું અને ડાઇનિંગ હોલ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બીજા માળે ૮ હોસ્ટેલ રૂમ તેમજ ત્રણ થી બાર માળ સુધી દરેક માળે ૧૦ હોસ્ટેલ રૂમ કુલ મળી ૧૧૬ હોસ્ટેલ રૂમના બાંધકામનું આયોજન થયેલ છે. અને સદર હોસ્ટેલમાં અંદાજે ૪૦૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આ સુવિધાનો લાભ મળી શકશે. સુંદર સંકુલમાં હોસ્ટેલ બિલ્ડિંગનું ફેઝ -૧ નું સંપૂર્ણ કામ પૂરું થયેલ છે. જે સમાજને અર્પણ કરવાનો કાર્યક્રમ તા. ૧૦-૧૦-૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પૂર્ણ થયેલ છે.જયારે બીજા ફેઝમાં સમાજ માટે ત્રણ મજલાનો કોમ્યુનિટી હોલ આધુનિક સુવિધા સાથે બનાવવાનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે, જેના માટે સુરેશભાઈ નગીનદાસ મોદી (કૌદરામ) તરફથી રૂ. ૧ કરોડનું દાન મળેલ છે. સમગ્ર સમાજ એક તાતણે બંધાઈ નરેન્દ્રભાઇની શીખ ગાંઠે બાંધી એક થઇ આ ભાગીરથી કાર્યને પૂર્ણ કરવામાં સફળ થયેલ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com