ચૂંટણીમાં ભાજપ કિન્નાખોરી રાખી કોંગ્રેસને હેરાન કરી રહ્યું છે : જગદીશ ઠાકોર
દાણીલીમડા , જમાલપુર ખાડીયા તેમજ દરિયાપુર વિધાનસભા આવરી લેતી કોઈ એકસ્થળે ખડગેની જાહેરસભાનું આયોજન
સત્યેન્દ્ર જૈન બિમાર નથી આખીને આખી આમ આદમી પાર્ટી બિમાર છે : પવન ખેરા
અમદાવાદ
ગુજરાત 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને હવે ખૂબ જ ઓછા દિવસો પ્રચાર માટે રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પ્રથમ વાર આગામી 27 અને 28 નવેમ્બરના રોજ ગુજરાત આવશે જેમાં અમદાવાદ , જંબુસર , અને નંદાસણ એમ બે દિવસમાં ત્રણ જાહેર
સભાઓ કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
27મી એ અમદાવાદમાં દાણીલીમડા નાં કાઁગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર, જમાલપુર ખાડિયા ના કૉંગ્રેસ નાં ઉમેદવાર ઇમરાન ખેડાવાલા અને દરિયાપુર કૉંગ્રેસ નાં ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ એમ ત્રણેય વિધાનસભાને આવરી લેવાય તેવા સ્થળની પસંદગી કરી મલ્લિકાર્જુન ખડગે જાહેરસભાને સંબોધન કરી પ્રચાર કરશે. ત્યારબાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે તેમજ મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે જાહેર સભાને સંબોધશે.જાહેરસભામાં મલ્લિકાર્જુન ખડગે સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત રઘુ શર્મા , કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ જોડાશે. અગાઉ રાજસ્થાન નાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ૨૪ મી અથવા ૨૫ મી નવેમ્બર નાં રોજ ફરી અમદાવાદ આવી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી આજે સાંજે અમદાવાદ આવી રહ્યા છે અને કાલે પ્રેસ ને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરા , ગુજરાત પ્રદેશના મીડિયા પ્રભારી આલોક શર્મા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા દિલ્હી સરકાર હસ્તક જેલમાં તેમની જ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન એક બળાત્કારી પિતાના હાથ મસાજ કરાવી રહ્યાની વિગતો વીડિયો દ્વારા રજૂ કરી હતી. આમ આદમી પાર્ટીના કારનામા આપે જોયા. પ્રસ્તુત વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે આમ આદમી પાર્ટીના દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન એક બળાત્કારીના આરોપી કેદી પાસેથી મસાજ કરાવી રહ્યાં છે. જેલ મેન્યૂઅલ પ્રમાણે કેદીને ફિજીયોથેરાપી માટે જેલ સાથે જોડાયેલી ક્લિનિક કે ફિજીઓથેરાપી સેન્ટરની મદદ લેવાય છે. અહીં સત્યેન્દ્ર જૈનને ફિઝીયોથેરાપીના નામે મસાજ કરવામાં આવી રહ્યું છે. મસાજ કરનાર એક કેદી છે. જેના ઉપર પોતાની જ દીકરી ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો છે અને આમ આદમી પાર્ટીના એક મંત્રી ભ્રષ્ટાચારના આરોપમાં દિલ્હી સરકાર હસ્તક જેલમાં સજા કાપી રહ્યાં છે. મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં પ્રેસવાર્તામાં જણાવાયું હતું કે સત્યેન્દ્ર જૈન બિમાર છે. એટલા માટે તેને ફિજીયોથેરાપી કરવામાં આવી રહી છે, આજે ખબર પડે છે કે સત્યેન્દ્ર જૈન બિમાર નથી આખીને આખી પાર્ટી બિમાર છે. પૂરું નેતૃત્વ બિમાર છે. પૂરી પાર્ટી ભ્રષ્ટ છે. આ લોકો રાજનીતિને બદનામ કરવા આવ્યા છે.
આજે અમે પૂછવા માંગી રહ્યા છીએ કે ક્યાં છે અન્ના હજારે..? કેમ તેમનું મોં નથી ખુલી રહ્યું..? સ્વચ્છ રાજનીતિની વાતો કરનારાઓનો ચહેરો દેશમાં નહી પૂરી દુનિયામાં ખુલ્લો પડી ગયો છે. આમ આદમી પાર્ટીનો એક બીજો ચહેરો ગુજરાતની ચૂંટણી વખતે સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રચાર પ્રભારી ગુલાબસિંગ યાદવનો ચહેરો પણ સામે આવ્યો. જે એક મહિલાને કથિત યૌનશોષણના કિસ્સામાં તેમનું નામ ચર્ચાએ ચઢ્યું હતું. દિલ્હીમાં તે આવ્યાં હતા ત્યારે લોકોએ તેને માર માર્યો જેમાં આમ આદમી પાર્ટીના પણ લોકો હતા. ટિકિટ વેચવાના આરોપમાં તેમને માર મારવામાં આવ્યો હતો. હિંસાનો સ્થાન રાજનીતિમાં ન હોવું જોઇએ. ગુજરાતમાં પણ લોકો આવા ટિકિટ વેચનારાઓને શોધી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં આવી નથી શકતા. ડરી રહ્યા છે. સાર્વજનિક જીવનમાં સંયમ રાખવો પડે. જો આવું જ ચાલ્યું તો લોકોને રાજનીતિ માંથી વિશ્વાસ ઊઠી જશે. સત્યેન્દ્ર જૈનનો જેલમાં મસાજ કરાવતો વીડિયો સવારથી વાયરલ થઇ રહ્યો છે. હજુ સુધી આમ આદમી પાર્ટી તરફથી કોઇ જ ખુલાસો આવ્યો નથી. જેની પર પોતાની જ દીકરી પર બળાત્કાર કરવાનો આરોપ હોય તે સત્યેન્દ્ર જૈનને મસાજ કરતો હોય તેની સાથે આમ આદમી પાર્ટીની શું ગોઠવણ થઇ છે? શું તેની સજાની હળવી કરશે? શું તેને જેલમાંથી મુક્ત કરી દેવાની લાલચ આપાઈ છે? આ એ જ આમ આદમી પાર્ટી છે કે જેણે દેશમાં બહુ ચર્ચિત નિર્ભયાકાંડમાં પુરજોરથી તેનો વિરોધ કર્યો હતો. સૌથી વધુ બુમો પાડી રહ્યા હતા. પોતાની જ બાળકી પર બળાત્કાર કરનાર પિતાની સેવા જેલમાં સત્યેન્દ્ર જૈન લઇ રહ્યો છે. ગેરકાનૂની રીતે તેની પાસે મસાજની સેવા લેવાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરે અમદાવાદમાં રાજીવ ભવન ખાતે સંયુક્ત પ્રેસકોન્ફરન્સમાં ચૂંટણી દરમિયાન ભાજપ સરકાર અને તંત્ર બિનલોકતાંત્રિક રીતે કાર્ય કરી રહ્યાં છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર 71,000 નોકરીઓ આપશે. આ પહેલા 75,000 નોકરીઓ આપવાની વાત કરી હતી. કોંગ્રેસ જાણવા માંગે છે કે આ તમામ પદોની પરીક્ષા ક્યારે લેવાઇ હતી. મોદી સરકાર નોકરીઓ માટે શ્વેતપત્ર બહાર પાડે. કુલ 1,46,000 પદો કયા વિભાગમાં કોને કોને આપવાના છે, ગુજરાતમાં કુલ કેટલી નોકરી આપવામાં આવી? તેનું શ્વેતપત્ર બહાર પાડે. જેની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવી હતી, તેના નિમણુકપત્રો ક્યારે આપવામાં આવ્યા હતા તેની પૂરી માહિતી પબ્લિક ડોમિન (વેબસાઇટ) પર મુકવામાં આવે. ચૂંટણીના સમયગાળામાં જ્યારે રાજ્યમાં આચારસંહિતા લાગૂ હોય ત્યારે આ પ્રકારની જાહેરાતો-ભાષણો એ આચારસંહિતાનું દેખીતું ઉલ્લંઘન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ અને તેના તંત્ર પર કનડગતનો આરોપ લગાવ્યો છે. ચૂંટણીમાં ભાજપ કિન્નાખોરી રાખી કોંગ્રેસને હેરાન કરી રહ્યું છે. 24 કલાક પહેલા મળેલી પ્લેન – હેલિકોપ્ટરના ટેઇકઓફની પરવાનગી બીજે દિવસે એક કલાકમાં રદ થઇ જાય છે. કોંગ્રેસને હેલિકોપ્ટ કે પ્રાઇવેટ પ્લેનનું લેન્ડિંગ કરવાનું હોય, પાર્કિંગ કરવાનું હોય તેમાં પણ એરપોર્ટ ઓથોરિટી કોંગ્રેસને વધુ કનડગત કરી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગહેલોતજીના પ્રાઇવેટ પ્લેનને પાર્કિંગ માટે પરમિશન ન મળી છેવટે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગ માટે લેન્ડિંગ કરવા મોકલવું પડ્યું. એરપોર્ટ પર કોંગ્રેસને બે જ એન્ટ્રી પાસ મળી રહ્યા છે. જ્યારે ભાજપને ત્રીસ જેટલા એરપોર્ટ એન્ટ્રી પાસ મળી રહ્યા છે. જાહેર સભાથી છ-છ કિ.મિ. દૂર પાર્કિંગની વ્યવસ્થા છે તેવું જણાવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓના વાહનોને પાર્કિગ માટે દૂર સુધી જવું પડે છે અને સભાસ્થળે ચાલતા આવવું પડે છે. ભાજપ સરકાર ગમે તેટલા કારસાઓ રચે પરંતું ગુજરાતની જનતા ડિસેમ્બર 2022માં કોંગ્રેસની સરકાર બનાવીને જ રહેશે. રાજકોટમાં જાહેર સ્થળોએ પોસ્ટરો અને બેનરો લગાડવાનો કોન્ટ્રાક્ટ ખાનગી રાહે ભાજપને આપી દીધાનો ગંભીર આક્ષેપ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે. કોઇપણ ટેન્ડર પ્રક્રિયા વગર કોન્ટ્રાક્ટ ભાજપને કેવી રીતે આપી દેવાયો તેનો ખુલાસો રાજકોટ મ્યુ. કમિશનર આપે તે માગણી કરી છે. ચૂંટણી દરમ્યાન ગંભિર ગુન્હાના આરોપીઓને અરાજકતા ફેલાવવા પેરોલ ઉપર છોડવામાં આવી રહ્યાં હોય તેવી પણ માહિતી અમોને મળી છે. આ બાબતે પણ ચૂંટણી પંચે તાકીદે પગલા લેવા જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચૂંટણી પ્રવાસન લઇ ભાજપ પર આરોપ લગાવ્યા હતા કે તેઓએ સુરેન્દ્રનગરની સ્થિતિ જોઇ નથી લાગતી. ભાજપ સરકાર ઉજવણીઓ અને યાત્રાઓમાં વ્યસ્ત છે. ગત વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી ઉગ્ર બની હતી. ગત વર્ષોમાં ઝાલાવાડ પંથકમાં ઘાસચારા અને પાણીની સમસ્યા નિરંતર વિકટ બનતા લોકો હિજરત કરવા મજબૂર બની રહ્યા છે. ચાલુ વર્ષે અડધા ઉપરાંતનું ચોમાસુ પસાર થઈ જવા છતાં ઝાલાવાડમાં વરસાદ થયો નથી. ધરતી કોરી ધાકોડ રહી છે. સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો અને ખેત મજુરોને સહાય આપવામાં આવે તેવી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન ચોમાસા દરમિયાન નહિવત વરસાદ પડતા પાક.. પાણી..અને ઘાસચારાની સ્થિતિ વિકટ બની છે. ગ્રામ વિસ્તારોમાં તળાવો, ચેકડેમો સુકાઈ જતા પીવાનાક પાણીની સ્થિતી ગંભીર બનેલ છે. ગત વર્ષે પશુઓ માટે ઘાસચારાની પણ તંગી સર્જાવાના એંધાણ રહ્યા. ઘણા વર્ષો પછી સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સુકા દુષ્કાળની સ્થિતી સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રવક્તા ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.
કામિનીબાએ કોંગ્રેસ છોડી દહેગામમાંથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ તેમની ઓડિયો ક્લીપ વાઇરલ થઈ હતી. જેમાં ટિકિટના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા. જ્યારે આજે ભાજપમાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રશ્નોના જવાબ આપવાના ડરથી જોડાયા.
રાજેશ બ્રહ્મભટ્ટે કોગ્રસને અલવિદા કરીને ભાજપમાં કેસરી ખેસ પહેરી લીધો
કોંગ્રેસના રાજેશ બ્રહ્મભટ્ટ પિતા પ્રવિણભાઇ તેમ જ મોટા ભાઇ હિતેષભાઇના પગલે પગલે કોંગ્રેસમાં જોડાયાં હતા. 25 વર્ષ સુધી કોંગ્રેસમાં યુવા નેતા તરીકે અનેક કામગીરી બજાવ્યા બાદ આખરે તેઓએ કંટાળીને કોંગ્રસને અલવિદા કરીને ભાજપમાં કેસરી ખેસ પહેરી લીધો છે.રાજેશે વધુમાં કહ્યું કે, આટલાં વર્ષો દરમિયાન મેં જોયું કે કોંગ્રેસ પાસે નક્કર વિચાર કે વિકાસની માત્ર કલ્પના જ છે. માત્ર મજબૂત કાર્યકરોનો ઉપયોગ અને શોષણ કરી ખર્ચાઓ કરાવે છે અને નેતાઓ કાર્યકરોના તોડ કરે છે. કોંગ્રેસના મોટા અને મજબૂત નેતાઓની, કાર્યકરોની અવગણના થતી રહી એટલે એ બધાં પણ કોંગ્રેસ છોડી જતાં રહ્યાં છે. અત્યારે કોંગ્રેસમાં માત્ર હું, બાવો અને મંગળદાસ જેવી દશા છે. નાની પાર્ટીઓ પણ કોંગ્રેસને ગણકારતી નથી. આ સંજોગોમાં રાજય અને દેશમાં સુકાન નબળો હાથ ન સંભાળી શકે. બીજી બાજુ ભાજપ જે રીતે એના વિકાસ કાર્યોથી ભારતમાં અને વિદેશમાં પણ છવાઇ ગયો છે તે સ્પષ્ટ દેખાયું એટલે ના છૂટકે કોંગ્રેસને અલવિદા કરીને દિલથી ભાજપમાં હું મારા સાથી કાર્યકર મિત્રો સાથે જોડાયો છું. આખરે સાચો ભારતીય તો ભારતનું ભવિષ્ય જ ધ્યાનમાં રાખે.કોંગ્રેસ નાનામાં નાની સંસ્થાનું સંચાલન કરી શકે તેમ નથી. તો રાજયો અને દેશનું સુકાન સંચાલન કેવી રીતે કરી શકે? કોંગ્રેસ તરફથી તાજેતરમાં ઉમેદવારોને ટિકીટની ફાળવણી વખતે રાજેશ બ્રહ્મભટ્ટને પહેલાં ઘાટલોડિયા પછી નારણપુરા અને સાબરમતીમાંથી ટિકીટ આપીને કોણીએ ગોળ લગાવતી રહી હતી. ટિકીટ ફાળવણી બાદ પણ કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્યા પ્રમાણેની ટિકીટ નહીં આપતાં આખરે રાજેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા હતા.