હૃદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું : અંગદાનમાં મળેલા તમામ અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા : હૃદયને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટ માં દાખલ દર્દી માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા : અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરત ચાલતો રહેશે : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦૩ મું અંગદાન થયું છે.મૂળ ઉત્તર પ્રદેશના અને અમદાવાદના મીરજાપુર વિસ્તારમાં રહેતા મનોજ પ્રજાપતિને તારીખ ૯ એપ્રિલના રોજ સવારે બ્રેઇન હેમરેજ થતા તેઓને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બે દિવસની સઘન સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં બાદ સિવિલની SOTTOની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી.અંગદાન એ ઉત્તમ કાર્ય અને પ્રવર્તમાન સમયમાં મહાદાન હોવા ના ભાવ જણાતા તેમના માતૃશ્રી તેમજ પરિજનોએ અંગદાન કરવાની સહર્ષ સંમતિ આપી.પરિવારજનો દ્વારા સત્વરે અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ મનોજભાઈને રીટ્રાઇવલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા .આ રીટ્રાઇવલ સેન્ટરમાં આઠ થી દસ કલાકની ભારે જેહમતના અંતે હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ.અંગદાનમાં મળેલ આ તમામ અંગોને સિવિલ મેડીસીટી કેમ્પસની જ હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષવામા સફળતા મળી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાકેશ જોશી સમગ્ર વિગતો આપતા જણાવે છે કે , મૂળ ઉત્તર પ્રદેશના અને અમદાવાદમાં રોજગાર અર્થે વસેલા મનોજભાઈ પ્રજાપતિના પરિવારજનોએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આજે અંગદાનનો જન હિતલક્ષી નિર્ણય કર્યો છે.આ નિર્ણય સમાજના અનેક લોકો માટે પ્રેરણાદાયી સાબિત થશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 103 અંગદાન થયા છે. જેમાં કુલ મળેલા 335 અંગો થકી 310 જરૂરિયાત મંદોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.