ગાંધીનગર નજીકના સરગાસણમાં આવેલા સ્વાગત એફોર્ડ ના ફ્લેટના પાર્કિંગમાંથી બિનવારસી પિસ્ટલ- તમંચા અને કારતુસો ભરેલી કાર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલ બિનવારસી કારમાંથી ગાંધીનગરમાં પ્રથમ વખત હથિયારો અને કારતુસ ભરેલી કાર ઝડપાતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝડપાયેલ કારમાં પાછળની સીટ પર બાર બોર રાઈફલ્સ ના કાર્ટિજ દેખાતા રહીશો દ્વારા પોલીસને તાત્કાલિક જાણ કરાઈ હતી. ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટલ,તમંચા, પિસ્ટલ ના ખાલી મેગેઝીને, બાર બોર રાઈફલ્સ – રિવોલ્વર ના કાર્ટિજ વગેરે મળી આવતા જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ ગઈ છે.
તેમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨મીના રોજ ગાંધીનગર આવી રહ્યા છે, ત્યારે ચાર દિવસ અગાઉ જ હથિયારોનો જંગી જથ્થો ઝડપાતા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓમાં ચિંતા નું મોજુ ફરી વળ્યું છે. તેઓ દ્વારા સરકારમાં જાણ કરી દેવામાં આવી છે.વિગતોનુસાર સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં રહેતા પરેશભાઈ સોની સોસાયટીના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવે છે. તારીખ ૭ ના રોજ રાત્રે આઠેક વાગ્યાના સુમારે તેઓ સોસાયટીના બેઝમેન્ટ જવાના રસ્તે ઉભા હતા, ત્યારે સોસાયટીના સ્ટીકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં ઘૂસી હતી. જેથી અજાણી કાર ઘુસતા પરેશભાઈએ સિક્યુરિટી નું ધ્યાન દોરીને તપાસ કરવા જણાવતા સિક્યુરિટીના માણસો દ્વારા તપાસ કરવામાં આવતા આ કાર HONDAI ની VARNA કાર હતી.જેનો નંબર GJ-1-RJ-5702 નંબર હતો.જે કારનો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો.આ બાબતે ચેરમેન તેમજ સોસાયટીના સભ્યોને શંકા જતા કાર પાસે પહોંચે, ત્યારે પહેલા આ સર્વેની નજર ચૂકવીને કાર ચાલક ગાયબ થઈ ગયો હતો.
કાર પર નજર જતા પાછળની સીટમાં બાર – બોર રાઈફલના કાર્ટિજ જાેવા મળ્યા હતા. આથી ગભરાયેલા રહીશોએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી ઇન્ફોસિટી પોલીસ નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી ૧૨ બોર રાઈફલ્સના પ્લાસ્ટિક ૬૫ એમ એમ કાર્ટિજ નંગ ૨૫ મળી આવ્યા હતા.કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્તલ દેશી બનાવટના તમંચા ,પિસ્તોલના ખાલી મેગેઝીન ,બાર બોર રાઇફલ – રિવોલ્વર – પિસ્તલ ના કાર્ટિજ વગેરે મળી આવ્યા હતા.જેથી પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં આખો ફાટી જાય તેવા હથિયારનો જથ્થો નજરે પડ્યો હતો. ગાડીના નંબર પણ ડમી હોવાનું ખુલ્યું હતું. જેથી ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો-કરી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. આ સાથે પોલીસે સીસીટીવીની મદદથી કારને બિનવારસી છોડીને ભાગી ગયેલા કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે તેમ જ કારનો નંબર ડમી હોવાથી પોલીસે કાર્ડના ચેસીસ નંબરના આધારે કારના માલિકની શોધખોળ આરંભી દીધી છે.