કોરોના(Corona) એ પૂરા વિશ્વને હંફાવી દીધું છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના શકમંદ પાંચ દર્દીઓ દાખલ થયા છે. જેમના રિપોર્ટ આવતીકાલને મંગળવારે આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, કોરોનાના 25 શકમંદ અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે પૈકી 20ના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપી દેવામાં આવી છે. જ્યારે પાંચને આઇશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આજે અમદાવાદના બે, લુણાવાડાના એક, બારડોલપુરાનું એક અને વલસાડની એક મહિલાને દાખલ કરવામાં આવી છે. આ અંગે સુપરિન્ટેન્ડેન્ટ ડો.જી.એચ.રાઠોડે જણાવ્યું હતું કે, લુણાવાડાના વૃદ્ધ થોડા સમય પહેલા મક્કા-મદીના ગયા હતા અને પરત આવ્યા બાદ તેમને વિવિધ તકલીફો થતા દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદના બે ભાઇઓ આજે સિવિલમાં લાવવામાં આવ્યા હતા આ બન્ને ભાઇઓ દિલ્હી ગયા હતા અને ત્યાં યુએસએના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યાની હિસ્ટ્રી મળતા તેમને પણ આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. જ્યારે વલસાડની એક મહિલા થોડા સમય પહેલાં પેરીસ જઇ આવી હતી અને તે તેમના બારડોલપુરા રહેતા સગાને મળી હતી. જેથી મહિલા અને સગા બીમાર થતા તેમને સિવિલ લાવવામાં આવ્યા છે. આ પાંચે વ્યક્તિના સેમ્પલ લઇ લેવામાં આવ્યા છે અને મંગળવારે સવારે તેમનો રિપોર્ટ આવી જશે.