GSTના દરમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ પતંજલીના ઉત્પાદનમાં કોઈ પ્રકારનો ઘટાડો ન કરાતા યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલીને રૂ. 75 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, GSTના દરમાં ઘટાડો થયા બાદ પણ તમામ ઉત્પાદનની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત ડિટર્જન્ટ પાઉડરની કિંમતમાં વધારો ઝીંકી દેવાયો હતો. તા. 12મી માર્ચના રોજ ઓથોરિટી તરફથી કરવામાં આવેલા આદેશમાં પતંજલી આયુર્વેદને કહ્યું કે, આ આર્થિક દંડ જમા કરાવો. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના કન્ઝુમર વેલફેર ફંડમાં 18 ટકા GST જમા કરાવવા આદેશ આપ્યો હતો. ઓથોરિટીએ એવું પણ ઉમેર્યું હતું કે, GST એક્ટ અંતર્ગત દરમાં ઘટાડો કર્યા બાદ પતંજલીની પ્રોડક્ટની કિંમત યથાવત રહી હતી. કોઈ ઉત્પાદનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો ન હતો. ત્યાર બાદ પતંજલીને નોટીસ આપીને પૂછવામાં આવ્યું હતું કે, અમલવારી શા માટે થઈ નથી. ત્યાર બાદ આર્થિક દંડ કરવામાં આવ્યો હતો. ઓથોરિટીએ ઉમેર્યું હતું કે, જીએસટીના દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવી હતી. નવેમ્બર 2017માં લેવાયેલા આ નિર્ણયનો કોઈ ફાયદો ગ્રાહકોને આપવામાં આવ્યો ન હતો. ઓથોરિટીને આપેલા જવાબમાં પતંજલીએ કહ્યું હતું કે, GST લાગુ થયા બાદ ટેક્સમાં વધારો થયો હતો. ત્યારે કિંમત વધારીને ગ્રાહકો પર કોઈ પ્રકારનો વધારો નાંખ્યો ન હતો. ઓથોરિટીએ પતંજલીએ આપેલા આ તર્કને ફગાવી દીધો હતો. આ સિવાય બીજા એક નિવેદનમાં પણ તેમણે કહ્યું હતું કે, પતંજલી સામે તપાસના આદેશ આપવો એ દેશના મૂળભુત અધિકારનું ઉલ્લંઘન છે. જોકે, આ તર્ક પણ ઓથોરિટીએ ફગાવી દીધો હતો. ગ્રાહકોને મળવા પાત્ર લાભ કંપનીએ ન આપતા ઓથોરિટીએ આંખ લાલ કરી છે.