કોરોનાની અસરને કારણે ગુજરાતની શાળા અને કોલેજોમાં રજાઓ આપી દેવામાં આવી છે. તેવામાં શાળાઓનાં વિદ્યાર્થીઓની પરીક્ષા પણ નજીકમાં છે. તો વિદ્યાર્થીઓનાં ભણતરમાં ખલેલ ન પહોંચે અને વિદ્યાર્થીઓ પૂરતાં પ્રમાણમાં પુનરાવર્તન કરી શકે તે માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે શિક્ષકોને વાર્ષિક પરીક્ષા માટે એકમ કસોટીની નોટબૂક લઈને વિદ્યાર્થીઓના ઘરે આપવા જવું પડશે. રાજ્યના તમામ શિક્ષકો માટે સરકારે આ આદેશ કર્યો છે. કોરોના વાયરસને કારણે 16 માર્ચથી 29 માર્ચ સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે. તેવામાં રાજ્યમાં ધોરણ 3થી8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાને લઈ સરકારે એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પૂરતું પુનરાવર્તન થાય તે માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓનાં ઘરે જઈને એકમ કસોટી નોટબૂક આપવા જવું પડશે. સરકારે શિક્ષકોને આદેશ કર્યો છે કે, 18મી માર્ચે તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે એકમ કસોટી નોટબૂક પહોંચાડવાની રહેશે.
વિદ્યાર્થીઓનાં ઘરે પહોંચાડાયેલી આ નોટબૂકને વિદ્યાર્થીઓએ પરત 30મી માર્ચે શાળા ખૂલે ત્યારે પરત લઈ જવાની રહેશે. અને નોટબૂક પરત મળી છે તેની જવાબદારી પણ શિક્ષકોના શિરે હશે તેવું આ આદેશમાં કહેવામાં આવ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓના ઘરે જઈને શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભાષાદીપ વિવિધ પ્રવૃતિઓ પણ કરવાનું કહેવા માટે જણાવાયું છે. તો ધોરણ 6 અને 8નાં વિદ્યાર્થીઓ ઘરે બેઠાં ભણી શકે તે માટે દુરદર્શનના ડીટીએચ કનેક્શનથી વંદે ગુજરાત ચેનલ પર ધોરણ 6થી 8ના શૈક્ષણિક કાર્યક્રમો 24 કલાક જોઇ શકાશે. આ ઉપરાંત જીઓ ટીવી એપ્લિકેશનની મદદથી પણ આ ચેનલ જોઇ શકાશે તેની જાણકારી દરેક શિક્ષકે વિદ્યાર્થીને આપવાની રહેશે.