રાજયસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બેઠકો કબ્જે કરવા માટે કમર કસી રહ્યા છે. અને તેમાં પણ કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. અને પોતાને સુરક્ષિત રાખવા માટે આખી ગુજરાત કોંગ્રેસ જયપુરના રિસોર્ટમાં જઈ બેસી ગઈ છે. તેવામાં હવે ભાજપની ચિંતાઓ વધારતાં એક સમાચાર સામે આવ્યા છે. ભાજપનાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ફોન સ્વીચ ઓફ આવે છે. અને તેઓ ક્રોસ વોટિંગ કરશે તેવા મેસેજ વાયરલ થયા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં જબ્બર ગરમાવો આવ્યો છે. કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યો ભાજપે તોડ્યો હોવાનો આરોપ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કરી રહ્યા છે. તો એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. બીજી બાજુ એનસીપીના ગુજરાત પ્રેસિડેન્ટ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. તેવામાં રાજ્યસભાની ચૂંટણી એકદમ દિલચસ્પ મોડમાં આવી ગઈ છે. હજુ પણ કોંગ્રેસનાં અમુક નેતાઓ તૂટે તેવી શક્યતાઓ છે. તેવામાં ભાજપનો જ એક નેતા તૂટશે તેવી વાતો વહેતી થઈ છે. ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. એટલું જ નહીં પણ તેઓ ક્રોસ વોટિંગ કરશે તેવી ચર્ચાઓ પણ ફેલાઈ રહી છે. તો રાઉલજી શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાય છે. ત્યારે ફોન સ્વીચ આવતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. અને રાઉલજીનો સંપર્ક કરવા માટે ભાજપમાં દોડધામ મચી છે.