કોરોના વાયરસનો પ્રભાવ વિશ્વભરના તમામ ઉદ્યોગો પર પડયો છે. તે વચ્ચે માંગ ઘટતાં ચિકન અને ઇંડાના ભાવ તળિયે પહોંચી ગયા છે. બજારમાં ચિકનના ભાવ કેમ ઘટી ગયા? હકીકતે કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી લોકો વચ્ચે માંસાહારી ભોજન અને તેમાંય ચિકનને લઇને એવી અફવા ચાલી રહી છે કે તેનાથી પણ કોરોના વાઇરસ ફેલાઇ શકે છે. તેને કારણે દેશના અનેક શહેરોમાં ચિકનના ભાવ એકદમ ઘટી ગયા છે. જ્યાં દેશમાં ૧૦ રૂપિયામાં એક ઈંડુ મળતું હતું ત્યાં હવે ૧૦ રૂપિયામાં કિલો મરઘી મળે છે. આ સ્થિતિ મહારાષ્ટ્રમાં ઊભી થઈ છે. દેશના અન્ય રાજ્યોમાં પણ પોલ્ટ્રી ઉદ્યોગ ઉપર કોરોનાની માઠી અસર થઈ છે. સાવ સસ્તા ભાવે ચિકન અને ઈંડા વેચાય છે. મહારાષ્ટ્રના બલઢાણાના પોલ્ટ્રી વ્યવસાયીઓ તેમને થયેલું નુકસાન ભરપાઇ કરવાની માગણી સાથે રસ્તા પર ઉતર્યા છે. જિલ્લા કલેક્ટરના દરવાજે મરઘીઓ છોડીને આંદોલન થતાં પોલીસને તમામ આંદોલનકારીઓને અટકમાં લેવાની ફરજ પડી હતી. આંદોલનકારીઓનું કહેવું છે કે સરકાર જો વળતર નહીં ચુકવે તો તેઓ મંત્રાલયોમાં પણ મરઘીઓ છોડી દેશે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં કોરોના વાઇરસને કારણે ફેલાયેલી દહેશત વચ્ચે મરઘીના સેલનું આયોજન થયું હતું. સેલમાં માત્ર ૧૦૦ રૂપિયામાં ચાર મરઘી વેચાતી હતી. આવા સેલ અનેક વિસ્તારોમાં લાગ્યા હતા.