અમદાવાદ પૂર્વ ટ્રાફિકનાં નાયબ પોલીસ કમિશનર સફીન હસન
જંક્શન પર સર્વિસ રોડ પર થી બેરિકેડ મૂકી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો અને નાગરિકોની જાણકારી માટે બૅનર લગાવવામાં આવ્યા હતાં
અમદાવાદ
અમદાવાદ પૂર્વ ટ્રાફિકનાં નાયબ પોલીસ કમિશનર સફીન હસને ( આઈપીએસ )એક યાદીમાં જણાવ્યું કે પૂર્વમાં ટ્રાફિક પોલીસના પ્રયોગથી પીક અવર્સમાં સર્વિસ રોડ પર પ્રવેશ-નિકાસ બંધ થવાથી અકસ્માત અને ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પોલીસ દ્વારા સાંજે 6 કલાક થી 8:30 કલાક સુધી ભારે જંક્શન પર સર્વિસ રોડ પર થી બેરિકેડ મૂકી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો અને નાગરિકોની જાણકારી માટે બૅનર લગાવવામાં આવ્યા હતાં. ‘આઈ’ ડીવીજન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઠક્કરબાપા નગર ખોડિયાર નગર રબારી કોલોની વસ્ત્રાલ , નિકોલ – કઠવાડા ચાર રસ્તા, પાંજરાપોળ જંક્શન તેમજ જે ડીવીજન ટ્રાફિક પો.સ્ટે.ના જશોદા નગર , ઇસનપુર ચારરસ્તા જંક્શન પર પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવેલી પરંતુ ઘોડાસર બ્રીજનું કામ ચાલુ હોવાથી જશોદાનગર અને ઇસનપુરમાં આ પ્રયોગ મોકૂફ રાખવામાં આવેલ અને માત્ર ‘આઈ’ ડિવિઝનમાં આ પ્રયોગ કરવામાં આવેલ.આવું કરવા પાછળનું પ્રયોજન એ હતું કે મુખ્ય રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ જોઈને સ્ટોપ થઇ જતા હતા પરંતુ જંક્શન પર આવેલા 4 સર્વિસ રોડ ઓપનિંગ પરના વાહન ચાલકો મનસ્વી રીતે સિગ્નલનું પાલન કર્યા વગર જ જંક્શન ક્રોસ કરતા હતા જેને કારણે મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક સારી રીતે ચાલી શકતો નહોતો અને વધુમાં અસ્ત વ્યસ્ત વાહન વ્યવહારને કારણે નાના-મોટા અકસ્માતનું પ્રમાણ ખુબ વધી જતું હતું. જો સર્વિસ રોડના ચાલક સિગ્નલ ફોલો કરવા જાય તો વાહનોનો જમાવડો થવાના કારણે સામેની દિશા તરફથી આવતા વાહનો પ્રવેશી શકતા નહોતા અને એના કારણે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. આનું પરિણામ એ આવ્યું કે અકસ્માતની વિગત ધ્યાને લઇએ તો ‘આઈ’ ડીવીજન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મેં -2022 ના મહિનામાં કુલ 32 અકસ્માતના ગુના દાખલ થયેલા જેમાં 14 ફેટલ અને 11 જેટલા ગંભીર અકસ્માતના બનાવ હતા જે મેં – 2023 માં ઘટીને 18 જેટલા બનવા પામ્યા છે જેમાં ફેટલ 8 અને ગંભીર અકસ્માત 5 છે. આમ લગભગ 50% જેટલા અકસ્માતના બનાવો ઓછા બનવા પામેલા છે. અને 6 થી 9 દરમિયાન પીક અવર્સમાં જે અકસ્માતોના બનાવ બનતા હતા તેમાં ધરખમ ઘટાડો થવા પામેલ છે. વધુમાં ટ્રાફિક જામ ઓછો થવાને કારણે નારોલ થી નરોડા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકોના યાત્રા સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. મે-૨૦૨૨ ની સરખામણીમાં મે-૨૦૨૩ માં જે ટ્રાફિક જામના મેસેજ કંટ્રોલરૂમને મળેલા છે એ જોતા આ તમામ વિસ્તારોમાં માત્ર વસ્ત્રાલ અને નિકોલ સિવાય અન્ય કોઇપણ જગ્યાએ ટ્રાફિક જામનો એકપણ મેસેજ મળેલ નથી. વધુમાં વસ્ત્રાલ તેમજ નિકોલમાં મેસેજ મળેલ એ પણ જામ ડમ્પર/ટ્રક બગડવાના કારણે થયેલ છે. મેં 2022 ના ટ્રાફિક જામના મેસેજ જોતા સૌથી વધુ ટ્રાફિક જામ પાંજરાપોળ, CTM , ઠક્કરબાપા નગર, અદાણી સર્કલ વિસ્તારોમાં જોવા મળેલા જે આ મહિનામાં એક પણ વાર જામ થયેલ નથી. આમ સ્થાનિક લોકોના અને જનપ્રતિનિધિઓના સહકારથી રોડ એન્જીનીયરીંગની ખામીઓમાં થોડાક સુધારાથી લોકોની સલામતી વધવા પામી છે તેમજ ટ્રાવેલિંગ સમય અને ટ્રાફિક જામના બનાવોમાં ઘટાડાથી ઇંધણનો વ્યય તેમજ પ્રદુષણમાં પણ ઘટાડો લાવી શકાયો છે. ટ્રાફિક પોલીસના આ પ્રયત્નો આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને એમાં સ્થાનિક નાગરિકો અને શહેરીજનોના આવા જ સહકારની અપેક્ષા છે.