રથયાત્રા બંદોબસ્તના અગત્યના પોઇન્ટ ધાર્મિક સ્થળ પોઇન્ટસ મંદિર 73,મસ્જીદ 70, દેરાસર 03 ,ચર્ચ 01 બંદોબસ્ત પોઈન્ટસમાં ધાબા પોઈન્ટસ 250, વોચ ટાવર 25 , ફાયર બ્રિગેડ 09,એમ્બ્યુલન્સ 05
અમદાવાદ
આગામી અષાઢી સુદ બીજને તા.૨૦/૦૬/૨૦૨૩ને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર-જમાલપુરથી પરંપરાગત ૧૪૬મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે. શહેરમાં શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે અમદાવાદ શહેર એકતા સમિતિની મિટીંગ આજરોજ તા.૦૯/૦૬/૨૦૨૩ને શુક્રવારના રોજ બપોરે ૦૩.00 વાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટે. કમિટી રુમમાં રાખવામાં આવેલ હતી. રથયાત્રા બંદોબસ્તના અગત્યના પોઇન્ટ ધાર્મિક સ્થળ પોઇન્ટસ મંદિર 73,મસ્જીદ 70, દેરાસર 03 ,ચર્ચ 01 બંદોબસ્ત પોઈન્ટસમાં ધાબા પોઈન્ટસ 250, વોચ ટાવર 25 , ફાયર બ્રિગેડ 09,એમ્બ્યુલન્સ 05 છે . મેયર કિરીટકુમાર પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટે. કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, સંયુક્ત પોલીસ કમિશનર, વિશેષ શાખા, અમદાવાદ શહેર અજયકુમાર ચૌધરી, અ.મ્યુ.કો.ના અધિકારીઓ તેમજ અમદાવાદ શહેર એકતા કમિટીના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.૧૪૬મી રથયાત્રા અંગેની એકતા સમિતિની મીટીંગમાં હાજર સર્વેને આવકારી પોલીસ તંત્ર અને આપણા સૌના સહીયારા પ્રયાસથી શહેરમાં અસ્મીતાની ભવ્યતા જાળવી સદભાવના સાથે લોકોત્સવ બની રહે તેમજ લોક ઉત્સાહ અને રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવાય તેવી શુભેચ્છા પાઠવતા મેયર દ્વારા જણાવવામાં આવેલ કે, શહેરમાં ભાઈચારા અને કોમી એખલાસના વાતાવરણમાં સર્વધર્મ સમભાવની ભાવના સાથે રથયાત્રા – તાજીયાના જુલુસ, નાતાલ સહિત હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ વગેરે તમામ ધર્મના પર્વ અને ઉત્સવો શાંતિમય રીતે ઉજવાય છે તે જ આ શહેરની શાન છે.રથયાત્રાના લોકોત્સવમાં જરુરી વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટે પોલીસ તંત્ર સંનિષ્ઠ જવાબદારી નિભાવતું હોય છે તેની સાથે શહેર એકતા સમિતિના અને શાંતિ સમિતીના સભ્યો તેમજ તમામ ધર્મના આગેવાનો અને સામાજીક કાર્યકરો અને નાગરિકો દ્વારા પણ સહયોગથી હંમેશા પ્રયત્નો થતા રહ્યા છે અને જેનાથી આ શહેરનું ગૌરવ વધ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ રથયાત્રાના અંદાજીત ૧૪ કિ.મી.ના રુટ ઉપર રોડ-રસ્તા તથા ઝાડ ટ્રીમીંગના કામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત, પાણીની પરબો, હેલોજન લાઈટો, ફાયર બ્રીગેડ સહિત વિવિધ સુવિધાઓ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી જરુરી તમામ આયોજન કરવામાં આવેલ છે.
સંયુક્ત પોલીસ કમિશનર, વિશેષ શાખા, અમદાવાદ શહેર અજયકુમાર ચૌધરી દ્વારા પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રુટ પર તેમજ શહેરમાં કરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.વધુમાં, મેયર કિરીટભાઈ પરમાર અને માન. સ્ટે. કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા દરમ્યાન પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં અને તે અંગેની ખાત્રી આપવામાં આવેલ હતી.રથયાત્રાનો ધાર્મિક પ્રસંગ નાગરિકો ભક્તિભાવ સાથે લોકોત્સવ રીતે ઉજવણી કરે અને તેમાં સૌ સહયોગી બની રથયાત્રાના પર્વને સફળ બનાવે તેવી સૌ નગરજનોને હાર્દિક અપીલ કરતા સૌને તે દિશામાં ઉપયોગી સૂચન કરવા અને રથયાત્રાના પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં સવારે યોજાતા પૂ. મહંતશ્રીના સ્વાગત સમારોહમાં પધારવા નિમંત્રણ પાઠવેલ.