ગાંધીનગર મહાનગરપાલિકામાં હવે પ્રથમવાર વિવિધ પ્રકારની ૭ સમિતિઓ બનવા જઇ રહી છે. ૪૧ સીટો સાથે ભાજપે સત્તા મેળવ્યાના ૨૦ મહિના પછી હવે કોર્પોરેટરોને હોદ્દા આપીને સાચવી લેવા માટે સંગઠન અને પદાધિકારીઓ દ્વારા સમિતિઓની રચનાની કવાયત હાથ ધરવામાં આવી છે. હાલ ૭ જેટલી સમિતિની રચનાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દરેક સમિતિમાં ચેરમેન- ડેપ્યુટી ચેરમેન સહિત સભ્યોને સમાવીને ૩૬ જેટલા કોર્પોરેટરોને સાચવી લેવામાં આવશે. જાેકે, આ નવા હોદ્દા સાથે સુવિધા પણ મળવાની હોવાથી મહાનગરપાલિકા પર આર્થિક ભારણ પણ આવશે.મેયર હિતેષ મકવાણાએ મંગળવારે કોર્પોરેશન બિલ્ડીંગનો રાઉન્ડ લઇને ૭ સમિતિની ચેરમેન- ડેપ્યુટી ચેરમેનને બેસવા માટે ચેમ્બરની વ્યવસ્થા ચકાસી હતી. સૂત્રો મુજબ ગુરૂવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કમિટીની રચનાને મંજૂરી અપાશે તે પછી સમાન્ય સભા સમિતિ દીઠ સભ્યોની નિમણૂંકને આખરી મંજૂરી આપશે.
જુલાઇના અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. કઇ સમિતિમાં કોને સભ્ય, ચેરમેન કે વાઇસ ચેરમેન બનાવવા તેનો ર્નિણય સંગઠન કક્ષાએથી લેવામાં આવશે. સમિતિઓના ચેરમેન- વાઇસ ચેરમેનને નાણાકીય સત્તા પણ સોંપવામાં આવશે. આ ઉપરાંત ચેરમેન- વાઇસ ચેરમેન વચ્ચે એક ચેમ્બર અને અલગથી કાર પણ ફાળવાશે જેથી મહાનગરપાલિકાને વધારાની ૧૪ કારનો ખર્ચ ઉઠાવવો પડશે જે આર્થિક ભારણ વધશે.