નોટબુકની ગેરહાજરીમાં કસોટી લેવાને કારણે શાળાને વિકાસના કામો માટે મળેલી ગ્રાંટના પૈસા શાળાએ એકમ કસોટી પાછળ વાપરવા પડે છે
સુરત
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત કરી હતી કે નવું શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોની એકમ કસોટીનું ટાઈમટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ શાળાઓને આપી દીધું છે પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની શાળાઓને મળેલી નથી.અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી પણ ચાલુ વર્ષથી અમુક અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામા આવ્યું છે. એકમ કસોટીની નોટબુક ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ રફબુકમાં કે પછી છૂટક પેઈજમાં એકમ કસોટીના ઉત્તરો પડે છે. અત્યારે 97 લાખથી વધુ બાળકો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પ્રત્યેક બાળક માટે એકમ કસોટીની નોટબુક છાપવાનો ખર્ચ તો સરકાર કરે જ છે અને એમાંય નોટબુક મોડી પહોંચે એટલે આ નોટબુકના કુલ ખર્ચનો અમુક હિસ્સો વ્યર્થ જાય છે અને નોટબુકની ગેરહાજરીમાં કસોટી લેવાને કારણે શાળાને વિકાસના કામો માટે મળેલી ગ્રાંટના પૈસા શાળાએ એકમ કસોટી પાછળ વાપરવા પડે છે.વળી, કસોટી લઈ લેવા માત્રથી વાત પૂરી થઇ જતી નથી. કસોટી બાદ પણ શિક્ષકોએ ઉપચારાત્મક કાર્ય, પુન:કસોટી, માર્કસની ઓનલાઈન એન્ટ્રી, કસોટીમાં ગેરહાજર બાળકોનો વાલી-સંપર્ક, વગેરે જેવી અનેક કામગીરીઓ કરવાની હોય છે. આ તમામ બાબતોને કારણે વિધાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે છે. આ ઉપરાંત, આ બે મહિનામાં આવેલા અસંખ્ય કાર્યક્રમોને કારણે, ફેરબદલી કેમ્પોને કારણે અને શિક્ષકોની અછતને કારણે ઘણી બધી શાળાઓમાં શિક્ષકોને એકમ કસોટીના ટાઈમટેબલ અનુસાર અભ્યાસક્રમ પૂરો કરવાનો સમય જ નથી મળ્યો તો પૂરતાં શિક્ષકો આપ્યા વિના અને પૂરતો અભ્યાસક્રમ ચલાવવાનો સમય આપ્યા વિના બાળકોની કસોટી લઈને શું થઇ જશે ?આથી ગુજરાતની સરકારી શાળાના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે અભ્યાસની તમામ વસ્તુઓ/સામગ્રીઓ શાળા શરુ થતાંની સાથે જ શાળાને/બાળકોને મળી જવી જોઈએ. આ ઉપરાંત, એકમ કસોટી ઘણા સમયથી લેવાઈ રહી છે પણ એ એકમ કસોટીથી શિક્ષણનું સ્તર સુધર્યું છે કે બગડ્યું છે એની પણ સમીક્ષા થવી જોઈએ અને શિક્ષકોને તમામ પ્રકારની બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપીને મહત્તમ ધ્યાન વર્ગખંડમાં જ અપાવવું જોઈએ.