ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત ગુજરાતભર માં તા. ૯મી ઓગષ્ટ થી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે.બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લાસ્તરે વિવિધ કાર્યક્રમો થકી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં લોકો ઉત્સાહપૂવર્ક જોડાઈને માતૃભૂમિ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે.
‘મારી માટી, મારો દેશ’ અભિયાનના બીજા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ધાનેરા તાલુકાના સામરવાડા ખાતેથી બાઈક રેલી યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા.
બનાસકાંઠાના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વાગતમાં હજારો બાઇક સવારોએ તિરંગા યાત્રા યોજી બાઈક રેલીમાં ભાગ લીધો હતો. ધાનેરા તાલુકાની પવિત્ર તપોભૂમિ અને સુંદરપુરી મહારાજની પુણ્ય ભૂમિ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ” મારી માટી, મારો દેશ ” અભિયાન કાર્યક્રમ દેશભક્તિ સભર માહોલમાં ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક -શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમજ પંચ પ્રાણ અંતર્ગત હાથની મુઠ્ઠીમાં માટી સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. તેમજ ગામના શહીદ વીર ભલાભાઈ ચૌધરી અને કેહરભાઈ ચૌધરીના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ વાલેર શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. દરમિયાન મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.