પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગર શહેરનાં માર્ગો ઉપર ઠેર ઠેર ઇંડા, મટન અને તવા ફ્રાયની લારીયો તેમજ બિન શાકાહારી રેસ્ટોરન્ટોને બંધ રખાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગરનાં રહીશોની જાહેર સુખાકારી તેમજ પાવન શ્રાવણ માસએ સનાતની હિન્દુઓ માટે ધાર્મિક મહિનો હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટર સમક્ષ તમામ નોનવેજની હાટડીઓ બંધ કરાવવા માટેની માંગણી કરવામાં આવી છે.છેલ્લા ઘણા વર્ષોથી નગરનાં ઘ, ચ, છ સહિત તમામ માર્ગો ઉપર ઠેર-ઠેર ઇંડા, તવા ફ્રાય, મટન અને મચ્છીની લારીઓ ઉભી રહેતી આવી છે. જેની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. પવિત્ર શ્રાવણએ તમામ સનાતની હિન્દુઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારે નગરનાં તમામ નગરજનોની જાહેર સુખાકારી તેમજ પવિત્ર ધાર્મિક માસ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે કે, પવિત્ર પર્યુષણમાં મટન, ઈંડા, મચ્છીની દુકાનો, લારીયો બંધ રાખવાનાં આદેશો થતાં હોય છે છે તો પાવન શ્રાવણ માસમાં શા માટે નહીં? ગાંધીનગરનાં સેકટર – ૨૧ માં સરકારે ફાળવેલ અને સેકટર – ૨૪ ખાતે ઇન્દીરા નગરમાં લાઇનબંધ જગ્યાઓ હોવા છતાં નગરનાં વિવિધ માર્ગો ઉપર દર ૫૦ મીટરનાં અંતરે રાત્રિ અને દિવસ દરમિયાન ઈંડાની લારીઓ ની હાટડીઓ ઉભી રહેતી હોય છે.આ સિવાય રિલાયન્સ સર્કલથી રક્ષા શક્તિ સર્કલ તરફ જતાં જાહેર રોડ ઉપર, રાયસણ પેટ્રોલ પમ્પ વિસ્તારમાં ગેરકાયદેસર નોન વેજની હાટડીઓ ધમધમી રહી છે. એમાંય તેની સંખ્યામા દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે જેનાં પરિણામે આ લારીઓ પાસેથી પસાર થતાં નગરજનોનાં આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. અને જાહેર સુખાકારી નિયમનો ભંગ થઇ રહ્યો છે.નગરજનોનાં જાહેર હિતમાં જાહેર અપીલને ચેતવણી આપી રહ્યા છીએ કે કલેક્ટર દ્વારા આ બાબતે સત્વરે પગલા ભરવામાં આવે. અને જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે.ખાસ કરીને પાવન શ્રાવણ મહિનામાં કમ સે કમ જાહેરમાં ઉભી રહેતી ઇંડા, મટન, મચ્છી અને તવા ફ્રાયની લારીઓ બંધ રખાવવાની માંગણી છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવા આવી છે કે, કલેક્ટર દ્વારા કડક પગલાં ભરવામાં નહીં આવે તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સનાતની હિન્દુ નગરજનોનાં હિતમાં જાહેર અભિયાન છેડવામાં આવશે.