સરકાર સાથે કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા એસઓઆર સુધારવાની માંગણી સાથે વિરોધ કરતા અને ઓનલાઇન ટેન્ડર ભરવાના બંધ કરતા છેલ્લા 25 દિવસથી ટેન્ડર સાથે સંકળાયેલી વહીવટી કામગીરી અટકી પડી છે.
ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યભરમાં રસ્તા અને પુલ સહિતના જાહેર બાંધકામોની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવો વધારવાની અને જીએસટી અલગથી ગણવાની માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. અગાઉ ચૂંટણી પહેલા પ્રબળ માંગણી કરવામાં આવતા સરકારે ખાત્રી આપી હતી પરંતુ તે પછી કોઇ કાર્યવાહી નહીં થતાં હવે તમામ કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારની નીતિનો વિરોધ કરીને 1લી ઓક્ટોબરથી તમામ ઓનલાઇન ટેન્ડર ભરવાનું બંધ કરી દીધું છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગના ટેન્ડરો છેલ્લા 25 દિવસથી બંધ હોવાથી તેની સાથે જોડાયેલી વહીટી કામગીરી પણ અટકી પડી છે. આ ઉપરાંત જે કામોના ટેન્ડરો બહાર પડ્યા છે તેમાં પણ એકપણ ટેન્ડર ભરાયું નહીં હોવાથી તેમાં રીટેન્ડરીંગ કરવાની પણ ફરજ પડશે.