સુરતઃ શહેરમાં એક જવેલર્સએ સોના-ચાંદીની યુનિક રાખડી તૈયાર કરવામાં આવી છે. આજના યુવાનો ડ્રગ્સના દૂષણનો ભોગ બની રહ્યા છે. તેવામાં બહેન ભાઈને રાખડી બાંધી ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા વચન સાથે રાખડી બાંધશે. આ વખતે રક્ષાબંધન પર્વ પર ‘નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ’ નામની સોના ચાંદીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે.
રક્ષાબંધન પર્વ પર દરેક બહેન ભાઈના હાથે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. તેમનો ભાઈ હંમેશા જીવનમાં આગળ વધે અને હંમેશા વ્યસનોથી દૂર રહે તેવી મનોકામના કરતી હોય છે. હાલમાં ડ્રગ્સના દૂષણને કારણે યુવાનો ભોગ બની રહ્યા છે, તેવામાં સુરતમાં ભાઈને બાંધવા માટે સ્પેશિયલ ‘નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ’ નામની સોના અને ચાંદીની રાખડી બનાવવામાં આવી છે.
સુરતના લક્ષ્ગોલ્ડ નામના જવેલર્સે આ વખતે ‘નો ડ્રગ્સ’ નામની સોના અને ચાંદીની રાખડી તૈયાર કરી છે. તેનો હેતુ એ હતો કે, ભાઈ જ્યારે પણ હાથમાં આ રાખડી જોશે ત્યારે ત્યારે ડ્રગ્સના દૂષણથી દૂર રહેશે.
સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રગ્સ જાગૃતિના અનેક કાર્યક્રમ યોજાયા છે. જેનાથી પ્રેરિત થઈ તેમણે આ રાખડી તૈયાર કરી હતી. જો કે, રાખડી બનાવ્યા બાદ દરરોજના ઓર્ડર વધતા ગયા અને છેલ્લા 15 દિવસથી લગભગ દરરોજના ૧૦થી ૧૫ રાખડી જેટલા સરેરાશ ઓર્ડર આવી રહ્યા છે. બહેન ક્યારેય નહીં ઈચ્છે કે ભાઈ ડ્રગ્સના ખપ્પર માં હોમાઈ જાય.
ડ્રગ્સ એવું દૂષણ છે કે જેની લત એક વખત લાગી જાય તો તેમાંથી છૂટવું અઘરું છે. જેથી બહેનો ભાઈઓને આ દૂષણથી દૂર રાખવા માટે જવેલર્સને રાખડીના ઓર્ડર આપી રહી છે. આ સાથે જ લક્ષ જવેલર્સ દ્વારા ‘નો ટોબેકો’ અને પર્યાવરણ જાગૃતિ માટે ‘સેવ ટ્રી’, ‘સેવ વોટર’ નામની અલગ અલગ રાખડી પણ સોના-ચાંદીમાં બનાવી છે. સમાજના યુવાનોને એક નવી રાહ મળે તે હેતુથી જ્વેલર્સ દ્વારા પહેલ કરવામાં આવી હતી. જેને ગ્રાહકોએ પણ વધાવી લીધી છે.