વિશ્વ પ્રસિદ્ધ ડાકોર મંદિરના ટ્રસ્ટે એક નિર્ણય લીધો. જેમાં VVIP દર્શન માટે 500 રૂપિયા અને 250 રૂપિયા એમ બે ફી નક્કી કરી. ભારતના પ્રસિદ્ધ મંદિરોમાં આ ચલણ વધ્યું છે કે કોઈ ખાસ વ્યક્તિ, જેની પાસે સમય નથી અને પૈસા પણ છે. એને શ્રદ્ધાળુઓની લાંબી લાઈનોમાંથી મુક્તિ જોઈએ છે. એને જલદીથી ભગવાનના દર્શન કરવા છે, એ ગુજરાતના લાખો લોકો જ્યારે ભારતના આ મંદિરોમાં જાય છે ત્યારે મંદિરને કેટલાક પૈસા ભેટ સ્વરૂપે આપે છે, જેના બદલામાં એને VIP દર્શન કરાવાય છે. ડાકોર મંદિરના આ નિર્ણયનો પણ કેટલાક ભક્તોએ વિરોધ કર્યો, સાધુ સમાજ પણ ધીમે ધીમે આ મુદ્દા પર પોતાનો મત સ્પષ્ટ કરી રહ્યાં છે, અને લાગણી વ્યક્ત કરી રહ્યાં છે કે ગુજરાતમાં VIP દર્શનની પરંપરા છે નહી, અને અહિંયા કોઈ એક મંદિરમાં પણ એ વ્યવસ્થા ઉભી થશે તો સામાન્ય લોકોમાં એની છાપ સારી નહી જાય. તો, આજે મહામંથન કરીશું કે મંદિરોમાં VIP દર્શન વિશે ભક્તોના મનમાં છે શું? છેવટે ભગવાન પણ જેના વિના અધૂરો છે એ ભક્તોના મનમાં શું ચાલી રહ્યું છે.
ડાકોરમાં મંદિરમાં ભગવાનના નજીકથી દર્શન કરવા માટે રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રણછોડરાયજીના નજીકથી દર્શન કરવા માટે હવે ભક્તોએ ચાર્જ ચૂકવવો પડશે. ડાકોરના ઠાકોરના VIP દર્શન માટે 500 રૂપિયા ચાર્જ ચૂકવવામાં આવશે. પુરુષો માટે 500 જ્યારે મહિલાઓ માટે 250 રૂપિયા ચાર્જ છે. ત્યારે મંદિર કમિટીના VIP દર્શનના નિર્ણયનો ઠેર-ઠેર વિરોધ પણ થયો છે.
ભારતમાં ક્યાં ક્યાં મંદિરમાં VIP દર્શનની વ્યવસ્થા છે. તેની વાત કરીએ તો નાસિકમાં શિરડી સાંઈબાબા મંદિરના દર્શન માટે ચાર્જ વસૂલાય છે. તેમજ શિરડીમાં રજાઓ-તહેવાર દરમિયાન દર્શન માટે પણ ચાર્જ વસૂલાય છે. નાસિકના કાલિકા મંદિરમાં વસૂલાય છે 100 રૂપિયા ચાર્જ વસુલાય છે. તિરુપતી બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુ દીઠ 300 રૂપિયા વસૂલાય છે. નાથદ્વારામાં આવેલા શ્રીનાથજીમાં 350 રૂપિયા વસૂલાય છે. શ્રીનાથજીમાં સામાન્ય દર્શન માટે રૂપિયા 50ની રજિસ્ટ્રેશન ફી પણ છે. ઝારખંડમાં બાબા વૈધનાથના દર્શન માટે ડિજિટલ કાર્ડ લેવું ફરજિયાત છે. તો કેદારનાથ-બદ્રીનાથમાં 300 રૂપિયા વ્યક્તિ દીઠ વસૂલાય છે.
VIP દર્શન અંગે શ્રદ્ધાળુઓનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક શ્રદ્ધાળુઓએ VIP કલ્ચરને યોગ્ય ન ગણાવ્યો તો ઘણા શ્રદ્ધાળુઓએ VIP કલ્ચરને ખૂબ નિંદનીય ગણાવ્યો. એક શ્રદ્ધાળુએ તો એમ પણ કહ્યું કે ભગવાન તમામ માટે સરખા છે. મંદિરએ આસ્થાનું સ્થાન છે આવા નિર્ણયથી ભક્તોના દિલ દુભાય છે. તેમજ ભક્તો પાસેથી નાણાં ઉઘરાવી દર્શન કરાવવાંએ યોગ્ય નથી. તો એક ભક્તે આ નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે, હાલ જે કલ્ચર ચાલી રહ્યું છે તે પ્રમાણ યોગ્ય નિર્ણય છે. તેમજ VIP દર્શનથી જે આવક થશે તે મંદિર માટે જ કામ આવશે.