ગાંધીનગરમાં ખાખીની આડમાં હપ્તા વસુલી કરતી પોલીસ માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ ચેતવણીરૂપ નિર્ણય કર્યો છે. જિલ્લા ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમએ ચાર્જ સંભાળતાની સાથે જ ગમે તે ઘડીએ બુલેટ ઉપર નગરચર્યા કરવામાં આવી રહી છે. એસપી રવિ તેજા વાસમ શેટ્ટી પોલીસની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે પણ રોડ ઉપર ઉભા રહી જતાં હોય છે. ત્યારે પોલીસ વડાની કામ કરવાની આગવી ઢબની ધીમે ધીમે જિલ્લા પોલીસને પણ ચમકારો મળવા લાગ્યો છે.
પોલીસ વડાએ ગાંધીનગરમાં પગ મૂકતાંની સાથે જ તાબાની પોલીસને સીધી લીટીમાં ફરજ બજાવવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી. તેમ છતાં ખાખીની આડમાં હપ્તા વસુલી કરતા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ વડાએ ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કરી દીધું છે. અક્ષરધામ વિસ્તારમાં પોતાની ફરજ ફરજ દરમ્યાન ટ્રાફિક કોન્સ્ટેબલ સંજય ડામોરે એક ટ્રેક્ટર ચાલકને રોકીને કનડગત કરવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન અત્રેના રોડ પરથી પસાર થતા પોલીસ વડાની નજર ટ્રાફિક કોન્સ્ટેબલ પર પડી હતી અને તેઓ તુરંત જ કોન્સ્ટેબલ પાસે પહોંચી ગયા હતા. જ્યાં ટ્રેકટર ચાલકને રોકવાનું કારણ પોલીસ વડાને ખબર પડી ગઈ હતી. જેનાં પગલે તેમણે કોન્સ્ટેબલ સંજયનો બરોબરનો ઉધડો લીધો હતો. બાદમાં પોલીસ વડા ત્યાંથી રવાના થઇ ગયા હતા.
આ ઘટના પછી કોન્સ્ટેબલનાં મનમાં એવું હતું કે, મામલો શાંત પડી ગયો છે. પરંતુ પોલીસ વડાએ કોન્સ્ટેબલને એસપી કચેરીએ આવવા માટે તેડું મોકલ્યું હતું. એટલે કોન્સ્ટેબલ સંજય પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સમક્ષ હાજર થઇ ગયો હતો. જો કે, પોલીસ વડાએ ફરીવાર કોન્સ્ટેબલનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક અસરથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોન્સ્ટેબલ સંજયને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી તાબાની પોલીસને આડકતરી રીતે પરચો આપી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ વડાના કડક નિર્ણયથી જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.