માણસા તાલુકાના પારસા ગામે હાઇસ્કુલની સામે રહેતા રમેશ રામાભાઇ પ્રજાપતિ સંચાલિત જુગાર ધામ પર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રાટકીને 10 ઈસમોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લઈ રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ રૂ. 3 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી જેલની હવા ખવડાવી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ તાબાનાં અધિકારીઓને પોત પોતાનાં પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર ધોંશ બોલાવી દેવાની સૂચનાઓ આપવામાં આવેલી છે. એવામાં માણસા તાલુકાના પારસા ગામમાં રહેતાં રમેશ રામાભાઇ પ્રજાપતિ દ્વારા પોતાના ઘરે મોટાપાયે જુગાર ધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ગંધ એલસીબી પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમને આવી ગઈ હતી.
જેનાં પગલે એલસીબીએ પારસા ગામે હાઇસ્કુલ નજીક વાહનો ઉભા રાખી ત્યાંથી ચાલતા ચાલતાં રમેશ પ્રજાપતિનાં ઘર સુધી પહોંચી ગઈ હતી. જ્યાં ઘરની ઓસરીમાં જ સ્થાનિક પોલીસનો ડર રાખ્યાં વિના ચાલતાં જુગાર ધામને જોઇને એલસીબી પણ ચોંકી ઉઠી હતી. બાદમાં જુગારીઓને જેતે સ્થિતિમાં જ બેસી રહેવાની સૂચના આપી એલસીબીએ કડકાઈથી પૂછતાંછ શરૂ કરી હતી.
જેમણે પોતાના નામ રમેશભાઇ રામાભાઇ પ્રજાપતિ, હસમુખભાઇ મોહનલાલ કુંભાર (રહે.મકાન નં -78, સુરેલ હોમ્સ, રાધનપુર રોડ,મહેસાણા), વિક્રમભાઇ પ્રતાપભાઇ પ્રજાપતિ (રહે,વરદાયની માતાની મંદીર પાસે, મહાદેવ વાળો વાસ, ગામ-રૂપાલ), દીપક નારાયણભાઇ પ્રજાપતિ(રહે,રાંધેજા પાટીયા પાસે, મૈત્રી સોસાયટીની બાજુમાં,માણસા રોડ, રાંધેજા),ગોવિંદભાઇ વિરમભાઇ કુંભાર(એસ.આર. પેટ્રોલપંપની બાજુમાં, ગોજારીયા), ગણપતભાઇ પ્રહલાદભાઇ પ્રજાપતિ(રહે,કટીબધ્ધ હોટલની સામે, ગામ-ખરણા માણસા), બચુભાઇ બાબુભાઇ પ્રજાપતિ(રહે,મારૂતિ શો રૂમની બાજુમાં, ગોજારીયા), અશોકજી પ્રતાપજી મકવાણા(ઠાકોર)(રહે,કલહર માતાના મંદીર, માણસા), અશ્વિનભાઇ આત્મારામ પટેલ(રહે,ડેરીની બાજુમાં, ગામ-પારસા) તેમજ દિનેશભાઇ સોમાભાઇ કુંભાર (રહે,નાયરા પેટ્રોલપંપની બાજુમાં,રાંધેજા) હોવાનું જણાવ્યું હતું.બાદમાં પોલીસે અંગ જડતીમાંથી તથા દાવ પરથી રૂ. 45 હજાર 100, ગંજી પાના, 50 હજારના મોબાઇલ ફોન નં- 10, એક સ્વીફ્ટ ગાડી મળીને કુલ રૂ. 3 લાખ 45 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓને જેલની હવા ખવડાવી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.