અહેવાલ – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
અમદાવાદ
એવું કહેવાય છે કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. એક વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકનો ખૂબ મોટો સિંહ ફાળો હોય છે.દેશભરમાં ૫ સપ્ટેબરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે રાજ્યભરમાં ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં અમદાવાદ જિલ્લા અને તાલુકા સ્તરે કુલ આઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરાશે. અમદાવાદના આ શિક્ષકોને શાળાકીય પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓને વાળવા બદલ તો ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રમાં શાળાનું રાષ્ટ્રીય કક્ષાને નામ રોશન કરવા બદલ સન્માન કરવામાં આવશે.
અમદાવાદના ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો એવોર્ડ એનાયત કરાશે
અમદાવાદ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાહપુર ગુજરાતી શાળા નંબર – ૧૫ના શિક્ષિકા શ્રી પૌલોમી મિલાપ મહેતા, માંડલની ઝાંઝરવા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વાસુદેવ ચંદુલાલ પટેલ, દેત્રોજની ચુંવાળ- ડાંગરવા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયકુમાર શંકરલાલ પટેલને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.
અમદાવાદના પાંચ શિક્ષકોને તાલુકા કક્ષાનો એવોર્ડ એનાયત કરાશે
તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છારાનગર ગુજરાતી શાળા નંબર – ૧ના શિક્ષક શ્રી પ્રશાંત મોતીલાલ નૈનાની, રાણીપ પ્રાથમિક શાળા નંબર – ૮ના શિક્ષક શ્રી રાકેશકુમાર જસવંતભાઈ ઉપાધ્યાય, ધોળકા તાલુકાની ઇંગોલી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી બિજલબેન વીરેન્દ્રકુમાર ગાંધી, બદરખા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી બીનાબેન દિનેશભાઇ બેંકર તેમજ દસ્ક્રોઇ તાલુકાની ઘામતવાણ પે સેન્ટર શાળાના શિક્ષિકા શ્રી પારુલબેન બાબુભાઇ રાઠોડને એનાયત કરવામાં આવશે.
૧૦મા ઘોરણમાં હતો ત્યારે માતા-પિતાનું અવસાન થયું પણ શિક્ષક બનાવાની સફર ન છોડી
રાણીપ પ્રાથમિક શાળા નંબર – ૮ના શિક્ષક શ્રી રાકેશકુમાર જસવંતભાઈ ઉપાધ્યાય છેલ્લાં ૧૨ વર્ષથી ખાનગી શાળામાંથી ૯૭ થી ૯૮ ટકા બાળકોને સરકારી શાળામાં પ્રેવેશ મેળવવા માટે પ્રેરણા આપતાં રહ્યા છે. એટલું જ નહીં, ઘરે-ઘરે જઇને વાલીઓને સમજાવીને તેમના બાળકોને સ્કૂલમાં લાવવાના સહરાનીય પ્રયાસો કર્યા છે. આ અંગે વાત કરતા રાણીપ પ્રાથમિક શાળા નંબર – ૮ના શિક્ષક શ્રી રાકેશકુમાર જસવંતભાઈ ઉપાધ્યાયે કહ્યું કે, હું છેલ્લાં ૧૨ વર્ષથી ભાષા ટીચર્સ તરીકે શાળાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. મારે નાનપણથી જ ટીચર્સ બનાવાની ઇચ્છા હતી અને એ સાકાર પણ થઇ. હું જ્યારે ૧૦મા ઘોરણમાં હતો ત્યારે માતાનું કેન્સરની બીમારીને કારણે મૃત્યુ થયું હતું, ત્યાર બાદ થોડાક મહિનાઓમાં પિતાનું પણ અવસાન થયું, પણ મારા કાકા-કાકીના સપોર્ટને કારણે મેં શિક્ષક બનાવાનું સ્વપન ન છોડ્યું અને આખરે શિક્ષક બનાવા સુધીની મારી સફર પૂરી થઇ. મેં પંચમહાલમાં ૭ વર્ષ સુધી બાળકો ભણાવ્યાં છે અને ત્યાર બાદ હું છેલ્લાં વર્ષોથી રાણીપ પ્રાથમિક શાળા નંબર – ૮ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. મેં મારી ૧૨ વર્ષની શિક્ષકની સફરમાં ખાનગી શાળામાંથી ૯૭ થી ૯૮ ટકા બાળકોને સરકારી શાળામાં આવવા પ્રેરણા આપી છે. એટલું જ નહીં, ઘરે-ઘરે જઇને વાલીઓને સમજાવીને તેમના બાળકોને સ્કૂલમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. સાથોસાથ બાળકોને સુલેખન માટે ઘણી એક્ટિવિટી કરી છે. કોરોનાના સ્કૂલ બંધ રહેતા મોટાભાગનાં બાળકો લખવાની પ્રેક્ટિસ છુટી ગઇ હતી, મેં ભાષા પર વધુ ધ્યાન આપીને બાળકોને ફરી લખતા કર્યા છે. આ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ હું મારા માતા- પિતા અને કાકા-કાકી તેમજ પરિવારને સમર્પિત કરીશ.
છેલ્લાં ૧૨ વર્ષમાં ગણિત-વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ અનેક સિદ્ધિ બદલનું આ સન્માન છે
અમદાવાદમાં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ શાહપુર ગુજરાતી શાળા નંબર – ૧૫ની શિક્ષિકા શ્રી પૌલોમી મિલાપ મહેતાને એનાયત કરવામાં આવશે. આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, મને બાળપણથી ગણિત-વિજ્ઞાન જેવા વિષય પ્રત્યે લગાવ હતો, જે મને ગણિત-વિજ્ઞાનના શિક્ષકની સફર સુધી લઇ આવ્યો. હું છેલ્લાં ૧૨ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓને ગણિત – વિજ્ઞાનના વિષયો ભણાવી રહી છું. સામાજિક, શૈક્ષણિક અને સંશોધનાત્મક જેવા ક્ષેત્રમાં સતત કામ કરી રહી છું. મેં ઘણા બધા કિસ્સાઓ જોયા છે, જેમાં માતા-પિતાના પારિવારિક ઝઘડાને કારણે બાળકો સ્કૂલમાં અનિયમતિ થઇ જતા હોય છે, આવા કિસ્સામાં વાલીઓ સાથે રૂબરુ અથવા ટેલિફોનિક વાતચીતથી બાળકનું હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખી સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને સફળતા પણ મળી છે. શિક્ષણ ક્ષેત્રે અઘરા લાગતા મુ્દાઓને વિવિધ પ્રવૃત્તિઓ – પ્રયોગો દ્વારા સરળ કરવા પ્રયત્નશીલ રહું છું. વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા કક્ષાએ પસંદગી થઈ હતી. ગણિત વિષય તાલીમમાં જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાએ તજજ્ઞ તરીકે કામગીરી છે. વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં છપાતા પુસ્તક ‘શીખવાનો આનંદ’ના કવર પેજ પર સ્થાન મળ્યું છે.