ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ , પ્રવકતા હિરેન બેંકર ,પાલભાઈ આંબલીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શિક્ષણમંત્રીને ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓના હિતમાં પરિપત્ર રદ કરવાનો નિર્ણય લેવા વિનંતી કરે છે
સરકારની નીતિથી મોટા ટ્યુશન ક્લાસિસોને ઓફિશિયલ નોન – અટેન્ડિંગ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનો પરવાનો મળશે : નવો પરિપત્ર પાછલે બારણે ડમી શાળાઓ અને ડે સ્કુલોને કાયદાકીય રીતે મંજૂરીના દ્વાર ખોલીને ટ્યુશન પદ્ધતિને પ્રોત્સાહન આપનાર : હેમાંગ રાવલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે હજી થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ડ્રોપઆઉટ લીધો છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા આધિકારીક આંકડો ૧,૧૫,૦૦૦ થી વધુ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર શિક્ષણનું સ્થળ સુધારવાના બદલે અવનવા ગતકડા કરતી રહે છે અને એ ગતકડાઓમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગનો પરિપત્ર એ વધુ એક ઉમેરો છે. ઉપરોક્ત પરિપત્ર મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી નહી આપે અને સત્રાંત પરીક્ષા નહી આપે તો પણ તેઓ ધોરણ ૮,૯,૧૦,૧૧ અને ૧૨ની સીધી જ પરીક્ષા આપી શકશે અને તેમને રેગ્યુલર વિદ્યાર્થીની જેમ જ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ માર્કશીટ આપશે. આ પરિપત્રમાં સૌથી મોટી બાબત એ છે કે, ૧૪ વર્ષની ઉંમરે વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા આપી શકશે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં છ વર્ષની ઉંમરે બાળકને શાળામાં મૂકવામાં આવે છે અને જો તે પ્રમાણે ગણવામાં આવે તો વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૬ વર્ષે આપે છે જ્યારે આ પરિપત્રમાં ૧૪ વર્ષની ઉંમરે ધોરણ ૧૦ની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની પાત્રતા બતાવવામાં આવી છે. એક તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાઓની દાદાગીરી અને ફરજિયાત ટ્યુશનમાં મોકલવાની પ્રવૃત્તિથી આર્થિક રીતે અને માનસિક રીતે પીસાઈ રહ્યા છે અને બીજી તરફ આખા ગુજરાતમાં ડમી સ્કૂલોનો જે રાફડો ફાટ્યો હતો તેને બંધ કરવાના બદલે આ પરિપત્રથી આવી સ્કૂલોને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓ હાજરી નહીં આપે તો પણ ગુજરાત સ્ટેટ ઓફ બોર્ડમાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપી શકશે તેનો સીધો જ ફાયદો લાખો રૂપિયાની મસ મોટી ફી લેતા કોટા સ્થિત એજ્યુકેશન સેન્ટરના માલિકોને કરાવવામાં આવી રહ્યો છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અને ગુજરાત ટ્યુશન અધિનિયમ મુજબ ગુજરાતની કોઈપણ શાળાના શિક્ષકો કે ટેકનિકલ સ્ટાફ કે શાળા પોતે શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું ટ્યુશન આપી શકતા નથી પરંતુ ઉપરોક્ત પરિપત્રથી માંડ માંડ આંદોલનથી બંધ થયેલી ડે સ્કૂલો અને સ્કૂલોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસો ફરીથી ધમધમી ઉઠશે. ઉપરોક્ત પરિપત્રમાં ઘણી બધી બાબતો આવરી લેવામાં આવી નથી જેવી કે ધોરણ ૧૦ માં ૨૦ માર્ક ઇન્ટર્નલ આપવામાં આવે છે, તો શું એકસરખી પરીક્ષા લેવામાં આવનાર વિદ્યાર્થીઓને આ ઇન્ટર્નલ માર્ક એમનેમ જ આપી દેવામાં આવશે? વિદેશમાં વિદ્યાર્થીઓને ભણવા જવું હોય તો ફોરેન યુનિવર્સિટીમાં ધોરણ ૧૧ અને ૧૨ની માર્કશીટ, ટ્રાન્સસ્ક્રીપ્ટ, એલઓઆર (લેટર ઓફ રિકમન્ડેશન) અને કેરેક્ટર સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે. તો આવા વિદ્યાર્થીઓને રેગ્યુલર મોડમાં ન ભણેલાં હોય તો આ સર્ટિફિકેટ કઈ રીતે ઉપલબ્ધ થશે તે પણ જણાવાયું નથી. જે વિદ્યાર્થી શાળાએ નથી જઈ શકતા એ પુસ્તકાલય, પ્રયોગશાળા, વગેરે સુધી કેવી રીતે પહોંચે? તો એનો ખર્ચ તો થવાનો જ નથી. આ માટે શાળાઓને ખર્ચ કરતા અટકાવવી જોઈએ નહિતર ભૂતિયા વિદ્યાર્થીઓ જ ઉભરાશે. અને નિયમિત વિદ્યાર્થીઓના પણ એમાં GSOS માં ફોર્મ ભરાવશે. કારણ એમાં શાળાની પરીક્ષા, ગૃહકાર્ય વગેરેમાં મુક્તિ આપવામાં આવી છે. શાળાઓ નિયમિત વિદ્યાર્થી ઉપર ધ્યાન આપવાનું જ બંધ કરી દેશે. શાળાઓ માં માત્ર ફોર્મ જ ભરાય એવું હોવું જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય કાઉન્સિલ જો ધોરણ ૧૨ ઓપન બોર્ડ દ્વારા કરેલું હોય તો લૉ ફેકલ્ટીમાં એડમિશન આપતી નથી આ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકારની આ નીતિથી નવી શિક્ષણનીતિ અને રાઇટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓથી વિપરીત વાત થઈ રહી છે સાથે સાથે મોટા ટ્યુશન ક્લાસીસને ફાયદો કરાવવા ડમી સ્કૂલો અને ડે સ્કૂલોને કાયદાકીય રીતે મંજૂરીના દ્વાર ખોલીને ટ્યુશન પદ્ધતિને વેગ આપવાનો કારસો દેખાઈ રહ્યો છે.
ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર, લગ્ન પ્રસંગે દિવસો જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યશ્રીને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર ૧૦% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે. પરંતુ આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી. કોઈ પણ નિયમો ઘડતા પહેલા અમલીકરણની ઊંડાઈ તપાસ્યા સિવાય તઘલખી નિર્ણયો કરી ભાજપ સરકાર અને પ્રશાસન શિક્ષકો અને શિક્ષણનું મૂલ્ય ઘટાડી રહી છે. ભાજપના ત્રણ દાયકાના શાસનમાં ગુજરાતના શિક્ષણની અધોગતિ થઇ છે અને તેના પ્રકરણમાં આ પરિપત્રએ ગુજરાતના શિક્ષણના ભવિષ્ય માટે મરણતોલ ફટકા સમાન છે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શિક્ષણ મંત્રીને ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓના હિતમાં પરિપત્ર રદ કરવાનો નિર્ણય લેવા વિનંતી કરે છે