ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલનું પાણી ટચ કરવાનાં ચક્કરમાં અમદાવાદના ત્રણ સગીર મિત્રોની નજર સામે જ 15 વર્ષીય કિશોરનો પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાથી ફફડી ગયેલા ત્રણેય મિત્રોએ બુમાબુમ કરીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પરંતુ ફાયર બ્રિગેડની તપાસમાં કિશોરનો પત્તો નહીં લાગતાં હાલમાં સ્થાનિક તરવૈયાની ટીમને બોલાવીને કેનાલમાં શોધખોળ કરાવી લાશ બહાર કાઢવામાં આવી છે.
ગાંધીનગર સુઘડ નર્મદા કેનાલના પાણીને બાળ સહેજ કુતૂહલ ટચ કરવાની ઘેલછામાં 15 વર્ષીય કિશોરનો અકાળે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના મણિનગર ખાતે રહેતા 15 વર્ષીય રોહન ધોરણ – 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. જે તેના મિત્રો સાથે આજે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. જ્યાં રસ્તામાં સુઘડ નર્મદા કેનાલ આવતાં સર્વિસ રોડ પર જઈ ચડયા હતા. જ્યાં થોડી વાર ચારેયએ સેલ્ફી લીધી હતી. આ દરમ્યાન રોહનના મનમાં કેનાલના પાણીને ટચ કરવાનો વિચાર આવ્યો હતો. એટલે તેણે કેનાલની પાણી ઉતરવાની તૈયારી દર્શાવી હતી. જો કે, અન્ય મિત્રોએ નીચે ઉતરવાની હિંમત કરી ન હતી. બાદમાં રોહન ઢાળ વાળી પાળીએથી ધીમે ધીમે નીચે ઉતર્યો હતો. એજ અરસામાં અચાનક તેનો પગ લપસી જતાં તે કેનાલનાં પાણીમાં જઈને પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને કેનાલની બહાર ઉભેલા મિત્રો ગભરાઈ ગયા હતા. અને રોહનને બૂમો પાડીને કેનાલમાંથી ઉતારવાની કોશિશ કરવા લાગ્યા હતા.
જેમની બૂમો સાંભળીને રાહદારીઓ દોડી આવ્યા હતા. અને ત્રણેયને કેનાલના નીચે ઉતરતા અટકાવી દીધા હતા. બાદમાં ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ તેમજ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ કેનાલ પર દોડી ગઈ હતી. જ્યાં રોહન સહીત મિત્રોના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. બાદમાં ફાયરની ટીમે અઢી ત્રણ કલાક સુધી કેનાલમાં શોધખોળ આદરી હતી. પરંતુ કેનાલનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા રોહનનો પત્તો લાગ્યો ન હતો.
આ તરફ પરિવારે કેનાલ પર રોકકળ મચાવી દીધી હતી. અને ઢળતી સાંજે સ્થાનિક તરવૈયાની ટીમે કેનાલમાંથી રોહનની લાશ બહાર કાઢી હતી. આ બનાવની તપાસ કરનાર અડાલજ પોલીસ મથકના જમાદાર સંદીપભાઈએ કહ્યું હતું કે, રોહન અને તેના મિત્રો ધોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન અર્થે નીકળ્યા હતા. અને સુઘડ કેનાલ પર આવતાં રોહન કેનાલના પાણીને ટચ કરીને આવું છું કહીને નીચે ઉતર્યો હતો. ત્યારે અચાનક પગ લપસી જતાં રોહન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેની લાશ સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.