મધ્યઝોનમાં ૯, ઉત્તરઝોનમાં ૬,દક્ષિણ ઝોનમાં ૫, પૂર્વઝોનમાં ૪, પશ્ચિમઝોનમાં ૧૩ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૯ , એમ કુલ મળી ૪૬ ગણેશમમૂર્તિ વિસર્જનકુંડ બનાવાશે : અમદાવાદ ફાયર બ્રિગેડનો અધિકારીઓ અને કર્મચારીઓનો કુલ 263નો સ્ટાફ હાજર રહેશે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ૧૯થી ૨૮ સપ્ટેમબર સુધી ચાલનારા ગણેશોત્સવને લઈ વિવિધ ઝોન-વિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવને પ્રોત્સાહન માટે ભાવિકો ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકે એ માટે મધ્યઝોનમાં ૯, ઉત્તરઝોનમાં ૬,દક્ષિણ ઝોનમાં ૫, પૂર્વઝોનમાં ૪, પશ્ચિમઝોનમાં ૧૩ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૯ , એમ કુલ મળી ૪૬ ગણેશમમૂર્તિ વિસર્જનકુંડ બનાવાશે.
ગણેશ વિસર્જનના દિવસે અનેક લોકો સાબરમતી નદીના કિનારે અથવા તો ગમે ત્યાં રોડ ઉપર ગણેશની મૂર્તિ મૂકી દેતા હોય છે. જેથી, લોકોની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચે છે. જેથી નાના-મોટા કુલ 46 જેટલા વિસર્જનકુંડ બનાવવાનો નિર્ણય લીધો છે. કુલ છ કરોડ રૂપિયાના ખર્ચે આ વિસર્જનકુંડ બનાવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાની મોટી ક્રેન, ફાયરબ્રિગેડ, પીવાના પાણી, મોબાઈલ ટોયલેટ વાન અને મોટા ખાલી ડ્રમ વગેરેની સુવિધા કરવામાં આવશે. અમદાવાદ ફાયર બ્રિગેડનો અધિકારીઓ અને કર્મચારીઓનો કુલ 263નો સ્ટાફ હાજર રહેશે. ગણેશ વિસર્જનના દિવસે શાહીબાગ, જમાલપુર, પાલડી ટાઉનહોલ વાડજ અને તિલકબાગ ખાતે વિવિધ કમિટીઓના ચેરમેન વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવશે. ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ અને સ્વચ્છતા, પાર્કિંગ વગેરેને ધ્યાનમાં રાખીને લોકમાન્ય તિલક ટ્રોફીનું તેમજ પ્રોત્સાહન સ્પર્ધાનું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ વિસર્જનકુંડ ઉપર વિસર્જન બાદ સાફ સફાઈ અંગે પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. સ્માર્ટ સિટીના કેમેરાઓ હજી પણ બંધ હાલતમાં હોવાનો સ્વીકાર ખુદ અધિકારીઓએ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં વધુમાં દેવદાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ‘ કુલ 4715 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. આમાંથી ફક્ત 4343 કેમેરા ચાલુ છે. બાકીના 372 જેટલા કેમેરાઓ હાલ બંધ હાલતમાં છે.84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે. દરેક જગ્યાએ સીસીટીવી હોવા જરૂરી છે જેનાથી કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કે અન્ય પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી શકાય.