ગાંધીનગરમાં સેકટર – ૫ અને વાવોલ ખાતે બે રાહદારી મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરનાર બાઈક સવાર બે ચોર પૈકી એક જણે કાળા કલરની હુડી(ટીશર્ટ) પહેર્યું હતું. ત્યારે સેકટર – ૭ માં પણ એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તોડી તરખાટ મચાવનાર બે ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જે પૈકીના એક ચોરે કાળા કલરની હુડી પહેરી હોવાનું સામે આવતા પોલીસની અલગ અલગ ટીમો ને ચારે દિશામાં દોડતી કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં વખતથી વાહન – મોબાઈલ ચોરીની વણઝાર વચ્ચે ચેઇન સ્નેચિંગ અને મિલ્કત સંબંધી ગુનાઓનું પ્રમાણ પણ પુષ્કળ વધી ગયું છે. ગત તા. ૧૮ મી સપ્ટેમ્બરે મોર્નિંગ વોક માટે નીકળેલા ભારતીબેન દવેને વાવોલ ખાતે સહજાનંદ સ્કાય આગળ ચેઇન સ્નેચરોનો ભેટો થયો હતો. બાઈક પર આવેલા બે ઈસમો પૈકી કાળા કલરની હુડી પહેરેલા ઈસમે ભારતી બેનનાં ગળામાંથી દોરો તોડી લીધો હતો.એજ સેકટર – ૫/એ માં રહેતા મીનાબેન મોકરીયા પણ ચાલવા માટે નીકળ્યા હતા. અને બાઇક પર આવેલા ચેઇન સ્નેચરો ગળામાંથી ૮૪ હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને નાસી ગયા હતા. ત્યારે મંગલવારની રાતે પણ સેકટર – ૭ માં આવેલી ચાર દુકાનોના તાળા તોડી બાઈક પર આવેલા બે ઈસમોએ તરખાટ મચાવી દીધો હતો. ચૌધરી સ્કૂલ નજીકના વિસ્તારમાં સેકટર – ૭ સી અને બી ખાતેની ચાર દુકાનોનાં તાળા તોડી તસ્કરોએ માલસામાન અને રોકડ ચોરી લીધી હતી. જેમાં પુજાપા અને કટલરીની દુકાનોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય એક બાઈકની પણ ચોરી થવા પામી હતી. આ બનાવના પગલે સ્થળ પર પહોંચેલી પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા બે ચોર બાઈક સાથે કેમેરામાં કેદ થઈ ગયાનું બહાર આવ્યું છે. જે પૈકી એક ચોરે કાળા કલરની હૂડી પહેરેલ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. જેથી કરીને ઉક્ત ગુનાઓ પાછળ કાળા કલરની હૂડી પહેરેલા ઈસમ અને તેના સાથીદારને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.